Dakshin Gujarat

કડોદરાના પાલડિયા એન્ટરપ્રાઇઝમાં ભીષણ આગ: સાત સિલિન્ડર આગની લપેટમાં આવતાં આગ વિકરાળ બની

પલસાણા: કડોદરાની (Kadodara) ગબ્બરવાળી માતાના ગલીમાં પ્રકાશ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં (Prakash Industrial Estate) આવેલા પાલડિયા એન્ટરપ્રાઇઝ નામના યાર્ન પ્રોસેસ કરતા ખાતામાં બુધવારે મળસકે 4.30 વાગ્યે ભીષણ આગ (Fire) લાગી હતી. જેમાં પહેલા તેમજ બીજા માળે આગ ફેલાઇ જતાં ખાતામાં ગેસના બાટલાઓ (Gas cylinders) બ્લાસ્ટ (Blast) થતાં અંદાજે 70 લાખથી વધુનું નુકસાન થયું હતું. બારડોલી ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા સ્થિત ગબ્બરવાળી માતાની ગલીમાં પ્રકાશ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં માનસી મિલની સામે પાલડિયા એન્ટરપ્રાઇઝ નામના યાર્ન પ્રોસેસ કરતા ખાતામાં બુધવારે મળસકે ૪.૩૦ વાગ્યે મશીનરીની મોટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. મિલમાં યાર્ન મોટી માત્રામાં હોવાથી આગ ઝડપથી સમગ્ર ખાતામાં ફેલાઇ ગઇ હતી. અને ખાતામાં રહેલા ગેસના સાત સિલિન્ડર આગની લપેટમાં આવતાં આગ વિકરાળ બની હતી.

7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી હતી
જેથી પહેલા માળના યાર્નના ગોડાઉન તેમજ બીજા માળની મશીનરી આગની ચપેટે આવી ગઇ હતી. આ બનાવ સમયે ખાતામાં કામ કરતો વિભુપ્રસાઇ મીશ્રા (મૂળ રહે., ઓરિસ્સા) સમયસૂચકતા દાખવી બહાર નીકળી ગયો હતો. દરમિયાન એક પછી એક ગેસના 7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી હતી. આ ઘટનાની જાણ બારડોલી ફાયરની ટીમને થતાં ફાયર ફાઇટરોએ સ્થળ પર આવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, ખાતામાં રહેલા યાર્ન તેમજ મશીનરી મળી કુલ અંદાજે 70 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

પાણીના અભાવે ફાયર બ્રિગેડની ટીમે ૪થી ૫ કિમી દૂર પાણી ભરવા જવું પડે છે
આ બનાવમાં બારડોલી ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે સ્થળ પર પહોંચી હતી. પરંતુ તેમણે જોળવા ગાર્ડન મિલમાં પાણી લેવા માટે જવું પડ્યું હતું. જેને લઇ સમયનો પણ વ્યય થતો હોવાથી આગ બુઝાવવામાં ભારે સમસ્યા સર્જાઇ હતી.

કડોદરામાં આઉટલેટ આપવામાં આવશે: અંકુર દેસાઈ
કડોદરા નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુરભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, કડોદરા નગર પાલિકા દ્વારા હાલમાં ૨૮ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની યોજના અમલમાં મૂકવામાં આવી છે. નગર ખાતે ૧૦ લાખ લીટરની પાણીની ટાંકી તેમજ ૨૦ લાખ લીટર પાણીની ક્ષમતાવાળી અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવનાર છે. એ જ સ્થળ ૫૨ ફાયરની ટીમને સરળતાથી અને ઝડપથી પાણી મળી રહે એ માટે આઉટ લેટ આપવામાં આવશે. જેને લઇ આવનારા દિવસોમાં ફાયર બ્રિગેડની ટીમને પણ સરળતાથી તેમજ ઝડપથી પાણી મળે એ રીતે કામ કરવાની યોજના બનાવવામાં આવી છે.

Most Popular

To Top