કડોદરા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી સ્કૂલ, હોસ્પિટલ, હાઈરાઇડ્સ એપાર્ટમેન્ટ, બિલ્ડિંગને ફાયર એનઓસી મેળવવા માટે નોટિસો આપી કડકાઇ કરવામાં આવી રહી છે. પરંતુ દીવા તળે જ અંધારાસમાન કડોદરા નગરપાલિકા પાસે જ ફાયર સેફ્ટી અંગેની સુવિધા નથી અને એનઓસી પણ નથી. કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ કેટેગરીમાં બનાવેલી બિલ્ડિંગો, સ્કૂલો, મોલ, વાડીઓ અને હોસ્પિટલોને એક વર્ષ વધુ સમયથી પ્રજાકીય સવલત હેઠળ ફાયર સેફ્ટીની સગવડ ઉપલબ્ધ્ધ કરાવીને સુરત સ્થિત રિજિયોનલ ફાયર વિભાગ દ્વારા એનઓસી મેળવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
તેમ છતાં કડોદરા નગરમાં આજે પણ ઘણી બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં તથા હોસ્પિટલમાં એનઓસી લેવામાં આવી નથી. જેમાં સૌથી મોટું દુર્ભાગ્ય કે વિટંબણા એ છે કે, સમગ્ર નગરના પ્રજાનાહિત માટે કામગીરી કરતી અને અંદાજે 9 મીટર કરતાં ઊંચી ઇમારત ધરાવતી કડોદરા નગરપાલિકાએ પણ ફાયર સુવિધા લીધી નથી કે એનઓસી પણ નથી. તેમની પાસે નગરપાલિકામાં રોજના સેંકડો લોકો વિવિધ વિભાગોમાં પોતાના કામ લઈને આવતા હોય છે.
તેમ છતાં ફક્ત ફાયર એક્સ્ટિંગ્યુસરના બોટલ રાખી સંતોષ માની રહી છે. જો કોઈ વિભાગમાં ઇલેક્ટ્રિક કે એસસીના સોકેટમાં અથવા અન્ય કોઈ કારણસર આગની દુર્ઘટના સાથે જાનહાનિનો દુ:ખદ બનાવ બને તો એના માટે જવાબદાર કોણ ? એ પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે નગરજનોને નોટિસ ફટકારનાર પાલિકા શું પોતે ફાયર એનઓસીની વ્યવસ્થા ઊભી કરશે કે નહીં તે જોવું રહ્યું.