કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટીનો આર.સી.સી. રસ્તો ત્રણ મહિનામાં તૂટી જતાં આમ આદમી પાર્ટી અને નગરસેવક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. રસ્તાનું કામ કરનાર બારડોલીના કોન્ટ્રાક્ટર હિરેન દેસાઇ(મુન્નાભાઈ)એ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરતાં સામાન્ય વરસાદમાં રસ્તો તૂટી ગયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તો માત્ર ત્રણ મહિનામાં જર્જરિત થઈ જતાં સ્થાનિકોમાં રોષ છે. ત્યારે પાલિકા શું પગલાં લે છે એ જોવું રહ્યું.
કડોદરા નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં વિકાસનાં કામો કરાવવામાં આવી રહ્યાં છે. નગરના શ્રીનિવાસ ગ્રીનસિટીના આર.સી.સી. રોડની કામગીરી બારડોલીના કોન્ટ્રાક્ટર હિરેન દેસાઇ (મુન્નાભાઈ)ને સોંપવામાં આવ્યું હતું. બારડોલીમાં પણ કામને લઈને હંમેશાં વિવાદોમાં રહેલા આ મુન્ના કોન્ટ્રાક્ટરનાં કામની ગુણવત્તા સામે અનેક વખત સવાલો ઊભા થયા છે. ત્યારે તેઓ હવે કડોદરા નગરપાલિકામાં કરવામાં આવેલાં કામોને લઈ વિવાદોમાં સપડાયાં છે.
શ્રીનિવાસ ગ્રીનસિટીમાં 23મી માર્ચ-2021ના રોજ રસ્તો તૈયાર થયો હતો. પરંતુ સામાન્ય વરસાદ થતાં જ ત્રણ મહિનાની અંદર જ રસ્તો તૂટી ગયો છે અને કોંક્રીટમાંથી સળિયા પણ બહાર નીકળી આવ્યા છે. રસ્તો બનાવવામાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી અને શાસક પક્ષના નગરસેવક અને ત્યાંના રહીશો દ્વારા પણ રસ્તાની ગુણવત્તાને લઈ કડોદરા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ છે. અને તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે.
ચીફ ઓફિસરને પૂછો હું કંઈ જાણતો નથી : ધનંજય ઝા
બાંધકામ ખાતાના અધ્યક્ષ ધનંજય ઝાએ જણાવ્યું હતું કે, મને આ અંગે કંઈ ખબર નથી. ફરિયાદ ચીફ ઓફિસરને થઇ છે. તો તેમને જ આ અંગે પૂછો. મને શા માટે પૂછો છો? કહેવાય છે કે નગર સંગઠન પ્રમુખ પોતે મૂળ બિહારના હોવાથી બાંધકામ ખાતું પણ તેમના પ્રાંતના વ્યક્તિને સોંપવામાં આવ્યું છે. બાંધકામ ખાતાના અધ્યક્ષને નગરમાં કયો રસ્તાનું કામ બરાબર થયું છે કે નહીં તે અંગે પણ ખ્યાલ ના હોય તો પછી નગરના અન્ય કામો કેવાં થતાં હશે તે અંગે પણ નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
શાસક પક્ષના નગરસેવક ઉમાશંકર દુબેએ પણ આ રસ્તા અંગે ફરિયાદ કરી હતી
કડોદરા નગરસેવક અને શાસક પક્ષના ઉમાશંકર દુબે દ્વારા શ્રીનિવાસ જતો રસ્તો તૂટી ગયો હોવાની ફરિયાદ પાલિકાના ચીફ ઓફિસર કારોબારી અધ્યક્ષ તેમજ બાંધકામ અધ્યક્ષને કરવામાં આવી હતી. તેમ છતાં તે સમયે તેમની રજૂઆત ધ્યાન ઉપર લેવામાં આવી ન હતી. હાલ આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરાતાં કોન્ટ્રાક્ટરે સમારકામ શરૂ કર્યું છે. ત્યારે નગરનાં અન્ય કામની પણ હવે આમ આદમી પાર્ટી સમીક્ષા કરી કામોમાં થતાં ભ્રષ્ટાચારને બહાર લાવશે એ નક્કી છે.