સંઘપ્રદેશ દમણના કચીગામ ઉદ્યોગ વિસ્તારમાં આવેલી નયાસા સુપર પ્લાસ્ટ પ્લાસ્ટીક હોમ એપ્લાયન્સિસ પ્રોડક્સ બનાવતી કંપનીનાં કામદારો હડતાળ ઉપર ઉતર્યા હતા. આજે વહેલી સવારથી જ કંપનીમાં કામ કરતાં એક હજારથી વધુ મહિલા-પુરુષ કામદારો પગાર વધારો તથા અન્ય સુવિધા ઓના અભાવને લઈ પોતાના કામથી અળગા રહી કંપની પરિસર બહાર હડતાળ ઉપર ઉતરી કંપની સંચાલકો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
કામદારોનાં જણાવ્યા અનુસાર કંપની સંચાલકો છેલ્લા ઘણા સમયથી 8 કલાકનું કામ કરાવ્યા બાદ પણ જે મહેનતાણું આપવું જોઈએ એ આપી રહ્યા નથી. પગાર વધારો કરવાનું જણાવ્યા બાદ પણ આજદિન સુધી પગારમાં વધારો કર્યો નથી. કંપની સંચાલકો કામદારોને પીવાલાયક પાણીની સુવિધા આપવામાં પણ નિષ્ફળ નિવડ્યા હોવાનો આક્ષેપ કામદારો દ્વારા કરાયો છે.
પ્રશાસન દ્વારા હાલમાં જ કામદારોને નવા વેતન દર પ્રમાણે મહેનતાણું ચુકવાનો આદેશ તમામ કંપની સંચાલકોને કર્યો હોય ત્યારે કામદારોની માંગ એ જ છે કે, કંપની સંચાલકો તેમનો પગાર નવા વેતનદર પ્રમાણે આપે. ત્યારે કંપની સંચાલકોએ કામદારોને પગાર વધારો કરવાની હૈયાધરપત આપ્યા બાદ હડતાળ ઉપર ઉતરેલા મોટેભાગના કામદારો પુનઃ પોતાના કામે જોતરાયા હતા.