આ કૂતરો સોશ્યલ મીડિયા શહેરની કહેવાતી ફેસબુક કોલોનીથી લઈને ટ્વિટર ગલી અને ઈન્સ્ટાગ્રામ સોસાયટી સુધી દરેક જગ્યાએ ફરતો જોવા મળે છે! આ કૂતરો કરડતો નથી કે ભસતો નથી, બસ હસ્યા રાખે છે! તમે પણ આ ડોગને એકાદ વખત તો સોશ્યલ મીડિયા પર ક્યાંક જોઈ જ લીધો હશે. અમે વાત કરી રહ્યા છીએ મિમ્સમાં જોવા મળતાં એ કૂતરાની, જેનું નામ કદાચ તમે નહીં જાણતા હો! પણ તસવીર જોઈને ઓળખી લેશો! આમ તો એ એક કૂતરો જ છે, પણ ઈન્ટરનેટની દુનિયામાં તેને ડોજ કહેવામાં આવે છે. અત્યારના સૌથી લોકપ્રિય, ટ્રેન્ડિંગ મિમ્સનો સુપરસ્ટાર!! તેના ચાહકો આખી દુનિયામાં કરોડોમાં નહીં પણ લાખોમાં છે. અને હા આ ફેન લિસ્ટમાં ફક્ત આપણા જેવા સોશ્યલ મીડિયા યૂઝર્સ નહીં પણ વર્લ્ડની રિચેસ્ટ વ્યક્તિ એલન મસ્ક ખુદ સામેલ છે! ઈન્ટરનેટની દુનિયામાં તેમના નામનો સિક્કો ચાલે છે! યસ, તેમના નામે ક્રિપ્ટો કરન્સી છે! ઉદયભાઈની શૈલીમાં કહીએ તો ભગવાન કા દિયા હુઆ સબ કુછ હૈ – સંપત્તિ છે, કીર્તિ છે, પ્રતિષ્ઠા છે. અલબત્ત, એક કૂતરા પાસે આ બધું આવ્યું કેવી રીતે? કૂતરામાંથી ડોજ બનવાની આ વાર્તા ક્યાંથી શરૂ થઈ? આ કૂતરો કેવી રીતે બન્યો મિમ વર્લ્ડનો સુપરસ્ટાર ડોજ? ચાલો આજે જાણીએ.
મિમ્સ જગતમાં ડોજના નામે પ્રખ્યાત કૂતરો, ખરેખર એક બેન છે એટલે કે માદા કૂતરો છે. જેનું અસલી નામ કાબોસુ છે. ઈન્ટરનેટનો પ્રિય કાબોસુ હમણાં જ 5 નવેમ્બરે સ્વીટ સિક્સટીનમાં પહોંચી ગયો છે. કાબોસુ જાપાનમાં જોવા મળતો શિબા ઈનુ જાતિનો કૂતરો છે. કાબોસુની વાર્તા 2008માં શરૂ થાય છે. એક બંધ ખેતરમાં બે વર્ષનો કાબોસુ બાકીના કૂતરા સાથે રહેતો હતો. તમામ કૂતરાઓને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા. આવી સ્થિતિમાં પ્રાથમિક શાળામાં ભણાવતાં અત્સુકો સાતો ત્યાં પહોંચ્યા. તેણે આ બે વર્ષના નાના કૂતરાને દત્તક લીધો હતો. જાપાનમાં મળતા લીંબુ જેવા ફળ પરથી અત્સુકોએ તેનું નામ રાખ્યું કાબોસુ.
13 ફેબ્રુઆરી, 2010. અત્સુકોએ કાબોસુ સાથેના તેના કેટલાક ફોટોગ્રાફ્સ તેના અંગત બ્લોગ પર અપલોડ કર્યા હતા. એક કાબોસુનો એકલીનો ફોટો હતો, જેમાં તે પોતાની બંને ભમર ઊંચી કરીને ત્રાંસી આંખો સાથે કેમેરા તરફ જોઈ રહી હતી. લગભગ આઠ મહિના પછી, 28 ઓક્ટોબર, 2010ના રોજ કાબોસુની આ તસવીર reddit.com પર અપલોડ કરવામાં આવી હતી. અપલોડરે કાબોસુના ફોટો સાથેના કૅપ્શનમાં પહેલી વાર ‘ડોજ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. વાસ્તવમાં આ શબ્દ ‘ડોજ’ 2005માં પ્રસારિત થયેલાં અમેરિકન એનિમેટેડ TV શો ‘હોમસ્ટાર રનર’ના એપિસોડમાંથી ઉદભવ્યો હતો. થોડા મહિના પછી કાબોસુની આ તસવીર Tumblr પર અપલોડ કરવામાં આવી હતી. સમાન કૅપ્શન સાથે. ત્રણ વર્ષ સુધી કંઈ થયું નહીં, પરંતુ 2013માં અચાનક કાબોસુની આ તસવીર વાયરલ થવા લાગી હતી. કાબોસુની તસવીરને અલગ-અલગ રીતે એડિટ કરીને લોકો આડેધડ શેર કરી રહ્યા હતા. જુલાઈ 2013 સુધીમાં કીવર્ડ ‘ડોજ’ ઓનલાઈન શોધમાં ટોચ પર પહોંચી ગયો હતો! એક મહિના પછી ઓગસ્ટમાં Reddit જેવી સાઇટ્સ ડોજ મિમ્સથી ઉભરાઈ ગઈ હતી! નવેમ્બર 2013 સુધીમાં તો ભયંકર વાયરલ થયેલાં ડોજ મિમે સનસનાટી મચાવી દીધી હતી!
ડિસેમ્બર 6, 2013. ક્રિપ્ટો કરન્સીના ભવિષ્યને લઈને બજારમાં પવન ફૂંકાવા લાગ્યો હતો. સિડનીમાં બેઠેલાં બિલી અને જેક્સન નામના બે સોફ્ટવેર એન્જિનિયરોને ક્રિપ્ટો કરન્સીનું ભાવિ ખૂબ જ અંધકારમય લાગતું હતું. બંનેને ખાતરી હતી કે આ બધું થોડા દિવસોની વાત છે. ટૂંક સમયમાં બધું બંધ થઈ જશે. એક દિવસ બંનેના ભેજામાં શું આવ્યું ખબર નહીં, મજા માણવા માટે બંનેએ પેમેન્ટ સિસ્ટમ ડોજકોઈન બનાવી, ખરેખર મનોરંજનના હેતુથી બનાવવામાં આવી હતી, પરંતુ થોડા જ સમયમાં Dodgecoin તેનો પોતાનો એક અલગ ઑનલાઇન સમુદાય બની ગઈ હતી! માત્ર ત્રણ દિવસમાં ડોજકોઈનના મૂલ્યમાં 300%નો ધરખમ ઉછાળો આવ્યો હતો! પ્રથમ મહિનામાં 10 લાખથી વધુ લોકોએ dodgecoin.comની મુલાકાત લીધી હતી! દુનિયાને ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે 2014માં ડોજકોઇને ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ બિટકોઇનને પણ વટાવી દીધું હતું! જો કે, ડોજકોઇન માર્કેટ કેપિટલાઇઝેશનમાં બિટકોઇનથી પાછળ છે.
હવે આજે શું છે પરિસ્થિતિ? જુઓ વાત ક્યાંથી ક્યાં પહોંચી!? વર્ષ 2021. સાત વર્ષ વીતી ગયાં પરંતુ ડોજકોઈનના બજાર મૂલ્યમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. જો કે, વર્ષ 2021 ડોજકોઈન માટે અશુભ સાબિત થયું છે. ડોજકોઈનના માર્કેટને ભારે ફટકો પડ્યો છે. જેનો શ્રેય ટેસ્લાના CEO SpaceX બોસ એલન મસ્કને જાય છે. વર્ષ 2021ની શરૂઆતમાં લિવિંગ રિચ એલન મસ્કે લોકોને ડોજકોઈનમાં રોકાણ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ ભવિષ્યનું ચલણ છે. મે 2021માં એલન મસ્કની SpaceX કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ચંદ્ર પરના તેમના રાઇડશેર મિશનને DodgeCoin દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે. ગયા ડિસેમ્બરમાં એલન મસ્કે જાહેરાત કરી હતી કે, ટેસ્લા કંપની હવે ડોજકોઈનમાં પણ ચૂકવણી સ્વીકારશે.
ચાઇમ્સના મિમ્સની મધ્યમાં એક વધારાનો M છે. કારણ કે પ્રથમ વખત ચાઈમ્સ મિમ પોસ્ટ કરનાર વ્યક્તિએ સાથેના કેપ્શનમાં ચીઝબર્ગરને બદલે ‘ચાઈમ્સબર્ગર’ મૂક્યું હતું. વાસ્તવમાં ચાઇમ્સનું નામ બોલ્ઝ છે. તે હોંગકોંગમાં તેના માલિક સાથે રહે છે. આ મિમ 2017માં શરૂ થયું હતું. જ્યારે બોલ્ઝની તસવીર સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવી હતી. બીજો ડોજ સૂકી છે. એક દિવસ સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફોટોગ્રાફર જોનાથનની પત્નીએ તેનાં વૂલન સ્કાર્ફને ગરમ પાણીમાં ધોયો હતો. સૂકવવા માટે જોનાથનની પત્નીએ તે સ્કાર્ફ તેના કૂતરા સૂકીને પહેરાવ્યો હતો. જોનાથને સૂકીની સ્કાર્ફ પહેરેલી તસવીર લીધી અને તેને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી. જ્યાંથી સૂકી પણ ડોજ બની ગયો હતો. ત્રીજો ડોજ છે વોલ્ટર. વોલ્ટર 2018માં લોકપ્રિય બન્યો હતો. તેના માલિક વિક્ટોરિયાએ તેના કૂતરા વોલ્ટર સાથે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો. એક તસવીરે માત્ર કાબોસુનું જ નહીં પરંતુ વિશ્વના અનેક કૂતરાઓનું ભાગ્ય બદલી નાખ્યું છે.