Entertainment

કભી યાર કભી વાર: અમિતાભ અને વિનોદમાંથી કોણ મોટો સ્ટાર?

ઘણી વાર વ્યક્તિની ગેરહાજરી પછી ‘જો અને તો’ નો હિસાબ લગાવતો હોય છે. મુક્કદર કા સિકંદર બનેલા અમિતાભ બચ્ચન માટે હમેશા સરખામણી થાય છે કે જો વિનોદ ખન્ના એ સન્યાસ ના લીધો હતે તો અમિતાભ બચ્ચન પોતાનું સામ્રાજ્ય ન સ્થાપી ચુક્યા હતે. આ વાતને હવે વિનોદની તેના સન્યાસ સમયે નજીક રહેલા તેના ગુરુ ઓશોના ભાઈ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીએ નવી રાહ આપી છે. તેમનું કહેવું છે કે વિનોદ અંદરથી અમિતાભ માટે ખૂબ ઈર્ષ્યા કરતા તેવું ઓશોને લાગતું. અને એટલે જ ઓશો એ તેમને એવું કામ કરવા કહ્યું જે સાંભળી ખુદ વિનોદ પણ ચોકી ગયા.
થોડા ઇતિહાસમાં જઇએ તો, અમિતાભ 1969 માં તેમની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં દેખાયા એ પછી ઘણી ફ્લોપ ફિલ્મના સિલસિલો ચાલી રહ્યા બાદ 1973માં તેમની પહેલી હિટ ફિલ્મ ‘ઝંજીર’ રિલીઝ થઈ. તો બીજી બાજુ, વિનોદ ખન્ના, ઇન્ડસ્ટ્રીમાં પહેલાથી જ પોતાને સ્થાપિત કરી ચૂક્યા હતા. તેઓ પહેલાથી જ સ્ટાર બની ગયા હતા. એમ તો તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ખલનાયક તરીકે હતી. પરંતુ, તેમના કદ અને ચહેરાને જોઈને ફિલ્મોમાં હીરોની ભૂમિકાઓ મળવા લાગી.
વિનોદ ખન્નાએ 1968માં ‘મન કા મીત’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સુનીલ દત્તે મુખ્ય હીરોની ભૂમિકા ભજવી હતી. આ પછી, તેમણે ‘મસ્તાના’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘આન મિલો સજના’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘એલાન’ અને ‘સચ્ચા ઝૂઠા’ જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ પણ ભજવી હતી. પરંતુ જ્યારે ગુલઝારની નજર તેમના પર પડી, ત્યારે તેમણે વિનોદને હીરો બનાવ્યો. વિનોદને ‘મેરે અપને’ અને ‘અચાનક’ જેવી ફિલ્મો માટે સાઇન કરવામાં આવ્યા હતા. બંને ફિલ્મો સાથે, તેમને હીરો તરીકે પણ ઓળખ મળવા લાગી. મતલબ, બંનેનો સ્ટારડમ તબક્કો લગભગ એક જ સમયે શરૂ થયો. બંનેની હિટ ફિલ્મો એક પછી એક આવવા લાગી. બંનેએ પોતાની ફેન ફોલોઇંગ વિકસાવી. ચાહકોમાં એ પણ ચર્ચાનો વિષય બન્યો કે બંનેમાંથી કોણ સારું છે?
અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્નાએ અમર અકબર એન્થોની, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર અને પરવરિશ જેવી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો. જ્યારે પણ વિનોદ ખન્ના અને અમિતાભ પડદા પર જોવા મળતા હતા, ત્યારે તેમની વચ્ચે સ્ક્રીન પર તો એવી દોસ્તી જોવા મળતી હતી કે લોકોને તે યાદ રહેતી હતી. પરંતુ શું આ મિત્રતા પડદાની બહાર પણ આવી જ હતી? કિસ્સાઓ તો એવા છે કે વિનોદ ખન્નાએ ફિલ્મ હેરા-ફેરી માટે અમિતાભ કરતાં 1 લાખ વધુ લીધા હતા. કારણ કે વિનોદ ખન્ના એ બતાવવા માંગતા હતા કે તેઓ અમિતાભ કરતાં મોટા સ્ટાર છે અને નિર્માતાઓ પણ સંમત થયા. અમિતાભને 1.5 લાખ રૂપિયા મળ્યા, તો વિનોદે 2.5 લાખ રૂપિયા લીધા.
એમ તો જ્યારે પણ વિનોદ અને અમિતાભ ફિલ્મોમાં સાથે જોવા મળ્યા ત્યારે તેમનો રોલ અમિતાભ કરતાં વધુ પાવરફુલ હોય, તેમનો સ્ક્રીન ટાઇમ પણ અમિતાભ કરતાં વધુ હોય તેવો આગ્રહ એમનો રહેતો તો અમિતાભ પર આરોપો લગાવા લાગ્યા કે તેઓ વિનોદ ખન્નાના રોલ કાપી નાખે છે. જોકે, વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચને ક્યારેય આ વિશે વાત કરી નથી.
આ બાબતે વિનોદ ખન્નાએ પોતે કહ્યું હતું કે ‘અમારી વચ્ચે કોઈ દુશ્મનાવટ નહોતી. મને લાગે છે કે અમારા વચ્ચે મીડિયાએ જ દુશ્મનાવટ ઊભી કરી છે. અમે મિત્રો હતા, અમે હજુ પણ મિત્રો છીએ. અમે એક જ સમયે ફિલ્મો કરી રહ્યા હતા. તેથી અમે ચોક્કસપણે સ્પર્ધકો હતા’
પણ જ્યારે વિનોદે બોલિવૂડથી બ્રેક લીધો ત્યારે અમિતાભે તેમને બે હરીફો માટે કહ્યું હતું કે શત્રુઘ્ન સિંહા અને વિનોદ ખન્ના રાજકારણમાં જોડાયા છે. તેઓ ત્યાં સારું કરી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે આ લોકોએ મને બોલિવૂડમાં એકલો છોડી દીધો છે અને આ વાત બચ્ચન સાથે મોટા ભાગના ફિલ્મી ચાહકો માને છે કે જો વિનોદ ખન્ના એ પોતાની કારકિર્દીના શિખર પરથી અચાનક બોલિવૂડ છોડી સંન્યાસ તરફ ન વળ્યા હોતે તો મહાનાયક અમિતાભ બચ્ચન સાથે બીજો એટલો જ મહાન કલાકાર આપણી પાસે હતે.
વિનોદ અમેરિકામાં ઓશોના આશ્રમમાં ગયા. ઓશોએ તેમને નવું નામ સ્વામી વિનોદ ભારતી આપ્યું. લગભગ 5 વર્ષ પછી એ સન્યાસ છોડી ફરી સિનેમામાં આવ્યા ‘ઇન્સાફ સે વાપસી’. પરંતુ ત્યાં સુધીમાં અમિતાભ ખૂબ મોટા સ્ટાર બની ગયા હતા અને આમ અમિતાભને સૌથી મોટી સ્પર્ધા આપનાર વિનોદ ખન્નાએ પોતે અમિતાભ માટે રસ્તો સરળ બનાવ્યો. ઓશોના ભાઈ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતી જે અમેરિકાના ઓરેગોનમાં વિનોદ ખન્નાના પાડોશી હતા તેમને હમણાં આ વાર્તામાં નવો વણાંક આપ્યો છે. આશ્રમમાં વિનોદ ખૂબ ઉદાસ રહેતા.
લોકોએ પૂછ્યું કે વિનોદને શું પરેશાની છે. ત્યારે તેમણે પરિવારની યાદ આવે છે એમ કહ્યું. પરંતુ ઓશોને આ સાચું લાગ્યું નહીં. તેણે કહ્યું, ‘ના, તે તેના પરિવારને યાદ નથી કરી રહ્યો. “તેમને કહો કે તે ભારત પાછા જાય અને અમિતાભ બચ્ચન સામે ચૂંટણી લડે.” આ સાંભળી હાજર બધા જ સ્તબ્ધ થઈ ગયા, જેમાં વિનોદ ખન્ના પણ સામેલ હતા. સરસ્વતી ઉમેરે છે કે “ઓશો પાસે આવી આંતરદૃષ્ટિ હતી. તે તે જોઈ શકતા જે વ્યક્તિ પોતે પણ જોઈ ન શકે. ઓશોને લાગતું કે વિનોદને પરિવારની નહીં, પરંતુ એ ચિંતા હતી કે જ્યારે તે ટોચ પર હતો ત્યારે તેણે બોલિવૂડ છોડી દીધું અને તેની ગેરહાજરીમાં, અમિતાભ બચ્ચન નંબર વન સ્ટાર બની ગયા હતા, ખેરખેર તો તેમને બચ્ચન પ્રત્યે ઈર્ષ્યા થતી હતી” આખરે, 1980 ના દાયકાના અંતમાં વિનોદ ખન્ના ભારત પાછા ફર્યા. ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો અને રાજકારણમાં પ્રવેશ કર્યો, અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી અને અહીં પણ અમિતાભ સામે હરીફ બન્યા. જ્યારે વિનોદ ખન્ના ભાજપ સાથે જોડાયેલા હતા, ત્યારે અમિતાભ બચ્ચને કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા. •

Most Popular

To Top