SURAT

87 વર્ષથી ગ્રહોના નંગ માટે અને દાઉદી વોહરા સમાજના દુલ્હાના સેટ માટે જાણીતું નામ છે કે.એ.બાસ્તાવાલા

આમ તો લગ્ન પ્રસંગ જીવનમાં એક જ વખત આવતો હોય છે. લગ્ન હોય એટલે દુલ્હા-દુલ્હન કપડા, ઘરેણાં બધું જ નવા ટ્રેન્ડનું ખરીદવાનું પસંદ કરતાં હોય છે. ખરીદ શક્તિ મજબૂત હોય કે ધનાઠય કુટુંબના હોય તો દુલ્હા-દુલ્હનના ટ્રેડિશનલ ડ્રેસની અને જર-ઝવેરાતની ખરીદી પાછળ પૈસા પાણીની માફક વાપરી નાખવામાં પીછેહઠ નથી કરતા. પણ જો લગ્ન પાછળ ધૂમ ખર્ચો ના કરી શકતા હોય તો અથવા સાદાઈથી લગ્ન કરવા માંગતા હોય તો તેવી સ્થિતિમાં દુલ્હા-દુલ્હનના ડ્રેસ અને જવેલરી રેન્ટ પર લેવાતા હોય છે. દાઉદી વોહરા સમાજના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તો દુલ્હાના સેટ 87 વર્ષથી ભાડે આપી રહી છે ઝાંપા બજારમાં સ્થિત કે.એ. બાસ્તાવાલા પેઢી. આ પેઢી દુલ્હાના સેટ માત્ર રેન્ટ પર જ નહીં પણ વેચાણથી પણ આપે છે. આ પેઢી વિવિધ ધર્મના લોકો માટે ગ્રહોના નંગની વીંટી પણ બનાવી આપે છે. હિન્દૂ ધર્મના માદળીયા પણ આ પેઢીમાંથી સરળતાથી મળી રહે છે. દાઉદી વોહરા સમાજના દુલ્હા માટેના સેટ કેવા હોય છે? સેટની કઈ વસ્તુ દેશના અન્ય શહેરોમાં થી આવે છે? શું આવા સેટ ગુજરાતના અન્ય શહેરોના લોકો પણ રેન્ટ પર લેવા સુરત સુધી આવે છે? તે આપણે આ દુકાનના બીજી અને ત્રીજી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

વંશવેલો
કમરુદ્દીનભાઈ અબ્દુલ્લાભાઈ બાસ્તાવાલા
તૈયબભાઈ અબ્દુલ્લાભાઈ બાસ્તાવાલા
શબ્બીરભાઈ તૈયબભાઈ બાસ્તાવાલા
હુઝેફાભાઈ શબ્બીરભાઈ બાસ્તાવાલા
મિકદાદભાઈ શબ્બીરભાઈ બાસ્તાવાલા

દુલ્હાના સેટ માટેના રેડ વેલ્વેટ બનારસથી આવે છે: શબ્બીરભાઈ બાસ્તાવાલા
કે.એ.બાસ્તાવાલા દુકાનના બીજી પેઢીનાં સંચાલક શબ્બીરભાઈ તૈયબભાઈ બાસ્તાવાલાએ જણાવ્યું કે, અમારા દાઉદી વોહરા સમાજના દુલ્હાના સેટ રેડ વેલ્વેટના હોય છે. આ રેડ વેલ્વેટનું મેન્યુફેક્ચરિંગ બનારસમાં થાય છે. ત્યાં તેના કારીગર વધારે છે. વળી, ત્યાંથી મંગાવવું સસ્તું પડે છે. જ્યારે અહીં તેનું મેન્યુફેક્ચરિંગ મોંઘું પડે અને કારીગરમાં પણ ફરક પડે છે. દુલ્હાના સેટમાં જરીવર્ક અને મોતીનું વર્ક હોય છે. દુલ્હાના સેટના બાજુબંધમાં યા અલી લખેલું હોય છે. જ્યારે હાથમાં પહેરવાની શૉલમાં અને શેરામાં પંજતનનું નામ એટલે કે, અલ્લા, મોહમ્મદ અલી, ફાતેમા, હસન, હુસૈનના નામ લખેલા હોય છે.

કોલકાતાથી આવતા ફેંટા વિવધ દેશના સમાજના લોકોમાં પ્રિય: મિકદાદભાઈ બાસ્તાવાલા
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક મિકદાદભાઈ બાસ્તાવાલાએ જણાવ્યું કે, વોહરા સમાજમાં ફેંટાનું વિશેષ મહત્વ છે. આ ફેંટા કોલકત્તાથી આવે છે. ફેંટાને વિશેષ શેપ આપનાર કારીગરો કોલકત્તામાં જ છે. દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં અમારા સમાજના ધર્મગુરુ સુરત આવે છે ત્યારે, વિવધ દેશ જેમકે, અમેરિકા, તાન્ઝાનીયા, નૈરોબી, મડાગાસ્કર, દુબઈ, કુવૈત, સાઉદી અરેબિયા, મિસર (ઇજિપ્ત) થી વોહરા સમાજના લોકો સુરત આવે છે. ત્યારે, તેઓ અમારી દુકાનમાંથી આ ફેંટા લઈ જાય છે. ફેંટાની કિંમત 1300થી 1400 રૂપિયા છે. અત્યારે સૈયદના મુફદ્દલ સૈફુદીન સાહેબ સાલગીરી પર સુરત આવે ત્યારે આ દેશોના વોહરા સમાજના લોકો સુરત આવતા હોય છે.

આર્થિક ફાયદા માટે મોબાઈલ ફોન એસેસરીઝના વેચાણનો ધંધો પણ કરાય છે
મિકદાદ બાસ્તાવાલાએ જણાવ્યું કે, અમે આર્થિક ફાયદા માટે અમારી દુકાનના ધંધાનો વ્યાપ વધારી હવે મોબાઈલ ફોન એસેસરીઝનું પણ વેચાણ છેલ્લાં 10-15 વર્ષથી કરીએ છીએ.
શહેરના સોની કિંમતી પથ્થર, નંગ લઈ જતા હોય છે
અંબાજી રોડ વિસ્તારના ઘણા સોની અમારી દુકાનેથી નંગ, પથ્થર લઈ જતા હોય છે. મંગળસૂત્રમાં કાળા મોતી પરોવવાનું કામ પણ અમે કરતા હોઈએ છીએ. 15-20 વર્ષ પહેલા અમે 20 રૂપિયામાં મંગળસૂત્રમાં મોતી પોરવવાનું કામ કરતાં. હવે અમે 150 થી 200 રૂપિયા મોતી પરોવવાના કામના લઈએ છીએ.

પહેલાં 5 રૂપિયામાં દુલ્હાના સેટ ભાડે અપાતા
શબ્બીરભાઈ બાસ્તાવાલાએ જણાવ્યું કે, એક સમય એવો હતો કે જ્યારે વોહરા સમાજના દુલ્હા માટેના સેટ 5 રૂપિયામાં રેન્ટ પર અપાતો હતો. એ સમયે 100-200 રૂપિયામાં વેચાણથી આપવામાં આવતો હતો. જ્યારે હવે દુલ્હાનો સેટ 500 રૂપિયામાં ભાડે અપાય છે જ્યારે અઢીથી 3000 રૂપિયામાં વેચાણથી આપવામાં આવે છે. આ સેટ લેવા વાપી, વલસાડ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરથી પણ લોકો આવે છે. સુરતમાં બેગમપુરા, રહેમતપુરા નાનપુરા, ઝાંપા બજારથી લોકો આવતા હોય છે. ખાસ કરીને જ્યારે સૈયદના સાહેબ સુરત આવે ત્યારે સમૂહ નિકાહનું આયોજન થતું હોય છે ત્યારે આ સેટ રેન્ટ પર લઈ જાય છે. 60 ટકા લોકો રેન્ટ પર લઈ જાય છે. જ્યારે 40 ટકા લોકો ખરીદીને લઈ જાય છે.

કમરુદ્દીન અને તૈયબભાઈ બાસ્તાવાલાએ પેઢીની સ્થાપના કરી હતી
કમરુદ્દીનભાઈ અને તૈયબભાઈ બંને સગા ભાઈઓ હતા. આ પેઢીની સ્થાપના કરી તે પહેલાં તેઓ તેમના સમાજના ધર્મગુરુની સેવામાં હતા. તેમને તેમના દાઉદી વોહરા સમાજના દુલ્હાના સેટ અને આ સમાજના પુરુષો જે ફેંટો પહેરે છે તેનું સારું નોલેઝ હતું. વળી, એ સમય એવો હતો કે જ્યારે કેટલાક લોકોની ખરીદ શક્તિ ઓછી હતી. એટલે આવા લોકોને દુલ્હાના સેટ જો ઓછી કિંમતમાં ભાડેથી મળી રહે તે માટે તેમણે સુરતમાં કહો કે આખા ગુજરાતમાં દુલ્હાના સેટ ભાડે આપવા અને વેચાણથી પણ આપવા આ પેઢીની સ્થાપના 87 વર્ષ પહેલાં ઝાંપા બજારમાં કરી હતી. તેઓ દુલ્હાના સેટ જેમાં કમર પટ્ટો, ક્રોસ પટ્ટો, હાથમાં પહેરવાની શૉલ, બાજુબંધ, શેરો વેચાણથી અને રેન્ટ પર આપતા. ફેંટો, તાવીજ, કુર્તાના બટન, નવ ગ્રહની વીંટીઓ, ચાંદીના દાગીના જેવા કે, બ્રેસલેટ, બેંગલ્સ, કડા, નેકલેસ, એરિંગ્સ વેચવાની શરૂઆત કરી હતી.

2006માં આવેલી રેલમાં દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન થયું હતું
મિકદાદભાઈ બાસ્તાવાલાએ જણાવ્યું કે, સુરતમાં 2006માં જે રેલ આવી હતી તેમાં ઘણા વ્યાપરીઓને નુકસાન થતા તેઓ રાતા પાણીએ રોયા હતા. અમારી દુકાનમાં પણ 8 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જોકે, અમારી જવેલરી, ગ્રહના નંગની વીંટીઓને તો અમે સહી સલામત સ્થળે ખસેડી હતી.એટલે એ વસ્તુઓને તો કોઈ નુકસાન થયું નહોતું. પણ અન્ય સામાનને નુકસાન થયું હતું. અમને આ રેલમાં દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. અમારી દુકાનની છત, કેટલુંક ફર્નિચર, દુકાનના દરવાજા લગભગ 80 વર્ષ જુના છે.

કેટલાક સમાજના લોકો ગ્રહોના નંગ અમારી દુકાનમાંથી લઈ જાય છે
શબ્બીર બાસ્તાવાલાએ જણાવ્યું કે અમારી દુકાનમાંથી હિન્દૂ ધર્મના લોકો જ્યોતિષના જણાવ્યા પ્રમાણેની નવ ગ્રહના નંગની વીંટીઓ લઈ જાય છે. મોટાભાગે અમે ચાંદીની વીંટીઓ જ બનાવીએ છીએ. મુંબઈથી પણ લોકો અમારી દુકાન પર રિંગ, મોતીના બ્રેસલેટ અને કુર્તાના બટન લેવા આવતા હોય છે.
કુર્તાના પન્ના અને માણેકના બટન તથા રિંગ રાજકોટ અને ઉજજૈનથી આવે છે
મિકદાદભાઈ બાસ્તાવાલાએ જણાવ્યું કે, કુર્તાના ફેંસી બટન માણેક અને પન્ના વોહરા સમાજના લોકોને વધુ પસંદ છે. તે અને માણેકની વીંટી રાજકોટ અને ઉજજૈનથી આવે છે. ત્યાં તેનું મેન્યુફેક્ચરિંગ થાય છે. ત્રણ અથવા ચાર બટન કુર્તા પર લગાવાય છે. જેની કિંમત 250થી 700 રૂપિયા જેટલી હોય છે. આવા બટન વાળા કુર્તા રોજિંદા કે પછી મેરેજમાં તથા સૈયદના સાહેબ આવે ત્યારે પહેરવામાં આવે છે.

Most Popular

To Top