Business

આઝાદીની ક્રાન્તિની વીરાંગના જયોત્સનાબેન શુકલ (૧૮૯૨-૧૯૭૬)

આઝાદીની પ્રથમ લડત ગણાતા 1857 ના બળવાની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી જરા પણ ઓછી ના ઊતરતી વીરાંગનાઓ શાંત અહિંસક લડતોની હતી. સામાન્ય રીતે ઓગસ્ટ, ‘ક્રાન્તિ’નો મહિનો લેખાય છે. સૂરતની એક અજોડ વીરાંગના જયોત્સનાબેન શુકલ 9 ઓગસ્ટ 1892 માં જન્મ્યા. મૂળ નામ પ્રિયમતિ. માતા તારાગૌરી અને પિતા જેવચરામ કેશવરામ ત્રિવેદી સૂરતના વિખ્યાત ધારાશાસ્ત્રી હતા. તેમનું ભણતર ‘સનાતન ધર્મ કન્યાશાળા‘ થી શરૂ થયું. બાળપણથી જ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો, દેશદાઝની ભાવના પ્રગટેલી.

બારમે વર્ષે 1904માં બહુસુખરામ નવનીતરામ શુકલ સાથે લગ્ન થયા. તેઓ તરવરિયા યુવાન હતા. તેઓએ ચીનનો પ્રવાસ ખેડયો અને 1907માં સ્વદેશ આવ્યા. તેઓ ક્રાન્તિકારી વિચાર ધરાવતા અને બ્રિટિશ સરકારની આર્થિક શોષણ નીતિના વિરોધી હતા. બંગભંગના ભાગલા વિરુધ્ધ આંદોલનથી આકર્ષાયા હતા. તેઓ વડોદરામાં ગંગાનાથ રાષ્ટ્રિય શાળાના શિક્ષક તરીકે જોડાયા. ગંગાનાથ અખાડો ચલાવતા. તેમાં છોટુભાઇ પુરાણી, અંબુભાઇ પુરાણી બે ભાઇઓ સક્રિય હતા અને યુવા પેઢીને લાઠી ડમ્બેલ્સ દ્વારા રાષ્ટ્રીય તાલીમ આપતા. રાસ્ટ્રીય ક્રાન્તિ દ્વારા અંગ્રેજોને હરાવી શકાશે તેમ માનતા. આ બધાના મુખ્ય સૂત્રધાર વડોદરા કોલેજના ફિલસૂફીના પ્રોફેસર અરવિંદ ઘોષ હતા. તેઓ ક્રાન્તિકારી હતા.

બોમ્બ બનાવવાની ફિલસૂફીમાં માન્યતા ધરાવતા હતા. તેમનો નાનો ભાઇ બરિન્દ્રનાથ ઘોષ બોમ્બ બનાવવામાં સંકળાયેલા હતા. પાછળથી તેમને કાળાપાણીની સજા થઇ હતી. ત્યારબાદ અરવિંદ ઘોષે સન્યસ્ત લીધેલો પણ તે પહેલાં 1905 થી 1910 દરમિયાન ક્રાન્તિકારી પ્રવૃત્તિએ દેશભરમાં જોર પકડયું. પૂનામાં વિનાયક દામોદર સાવરકરે ‘હિન્દુમિત્ર મેલા’ મંડળ સ્થાપ્યું, બંગાળમાં ‘અનુશીલન સુમતિ’માં નવલોહિયા યુવાનો એકત્રિત થયા. પંજાબમાં ‘ભારત નવસર્જન સમાજ’ હેઠળ સરકાર ભગતસિંહ મદનલાલ ધીંગરા લાલા હરદયાલસીંગ સૂત્રધાર બન્યા અને ગુજરાતમાં શ્યામજી ક્રિશ્ન વર્મા, સરદારસીંગ રાણા, સેનાપતિ બાબર 1905 – 1909 માં દેશ, વિદેશમાં ક્રાન્તિ વીર તરીકે સક્રિય રહ્યા.

1875માં દયાનંદ સરસ્વતીએ ‘આર્યસમાજ આંદોલન’નું મૂળ મથક મુંબઇ બનાવ્યું. ગુજરાતમાં પણ ધીમે ધીમે આર્યસમાજ આંદોલનની અસર થવા માંડી ‘વેદો તરફ પાછા જાવ’, ભારતીય સંસ્કૃતિના ઉત્તમ લક્ષણોથી લોકજાગૃતિ આવી. વડોદરાના સયાજીરાવ ત્રીજા મહારાજાએ આંદોલનને ખૂબ અનુમોદન આપ્યું. પંજાબમાં આ આંદોલન ખૂબ ફેલાયું હતું. સયાજીરાવે પંજાબથી આત્મારામ પંડિતને બોલાવી ‘શુદ્ધિ’ આંદોલન કરાવ્યું હતું. જેથી આદિવાસી તેમજ છેવાડાના લોકો ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દુધર્મનો ફરીથી અંગીકાર કરી શકે.

સયાજીરાવના ટેકાથી વડોદરામાં ગંગાનાથનો અખાડો જવાળામુખીનું મુખ્ય કેન્દ્ર હતું. ચાણોદ પાસેે ગંગાનાથ મહાદેવના રમણીય સ્થળે ભાસ્કરાનંદ સ્વામી મુખ્યકર્તા હતા. કાકાસાહેબ કાલેલકર, મામા ફડકે, સ્વામી આનંદ, જુગતરામ દવે પણ જોડાયા અને અનાવિલ આશ્રમના સ્થાપક દયાળજી નાનુભાઇ દેસાઇ ખૂબ સક્રિય હતા. ‘સાબુ બનાવવાની રીત’ અને ‘વનસ્પતિની દવા’ ના નામે બોમ્બ બનાવવા ફોર્મ્યુલા ઘેરે ઘેર પહોંચાડવાનું કામ સ્વયંસેવકો કરતા. જયોત્સનાબેન શુકલ પણ તેમાંના એક હતા.

આ સમયે અમદાવાદનો ખાડીયા ગોલવાડે વિસ્તાર બોમ્બ બનાવવાના કારખાનાથી ધમધમતો હતો. ખાડીયાની ધોળીપોળમાં ‘યુનાઇટેડ બાગંલા હોમ’ નામની સંસ્થા સ્થાપી કલકત્તાથી આવેલા 60 જેટલા યુવાનો ‘મુકિત કોન પાથેર’ પુસ્તકમાં બોંબ બનાવવાની રીતનો પ્રચાર કરતા. આ બંગાળી પુસ્તકનો ગુજરાતીમાં નરસિંહભાઇ પટેલે અનુવાદ કરેલો. કૃપાશંકર પંડિત, મોહનલાલ પંડયા (ડુંગળીચોર) 1909 માં રાયપુર કલ્પડીવાડમાં લોર્ડ મિન્ટો ઉપર બોમ્બ ફેંકાયો હતો. તે બચી ગયો હતો. નડિયાદના વકીલ પૂનાભાઇ અને નરસિંહભાઇ પકડાઇ જતા આકરી સજા થઇ હતી.

જયોત્સનાબેનના પતિ બહુસુખરાય આ પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હતા. જયોત્સનાબેનનું ઘર ક્રાન્તિકારીઓનો ‘અડ્ડો’ હતું. 1906 માં લોકમાન્ય તિલક પકડાતા આકરી સજા થઇ. ત્યારે જયોત્સનાબેનના પિતાએ ધીકતી પ્રેકટીસ છોડી દીધી. આખા કુટુંબે પ્રતિજ્ઞા લીધી કે સ્વદેશી ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવો. સૂરત પાસે બિલિમોરા ક્રાન્તિકારીઓની છૂપી પ્રવૃત્તિઓનું ધામ બન્યું. અમદાવાદમાં જેમ ક્રાન્તિકારી નવલોહિયા યુવાનોનાં ‘વર્મોપોલી’ હતું તેમ મહારાષ્ટ્રીયનો બિલિમોરામાં કેન્દ્રિત થયા. જયોત્સનાબેનને ઘોડેસવારી અને બંદૂક ચલાવવાનું શીખવાનું નકકી થયું. પણ શિખવાડનાર પકડાઇ જતા જયોત્સનાબેન માટે એ વાત વિસરાઇ ગઇ.

જયોત્સનાબેન અને બહુસુખરાય ઉપર સરકારની કરડી નજર થઇ. ઘરમાં સ્ફોટક સાહિત્ય હતું. પતિ-પત્નીએ તેનો નાશ કરી, 6 મહિના ભૂગર્ભમાં રહી મુંબઇ સ્થળાંતર કર્યું. 1914માં પતિનું અવસાન થયું. તે પહેલા તેમણે 1910 માં માતા અને 1912માં પિતા ગુમાવ્યા હતા. ત્યાર બાદ તેમના ત્રણ ભાઇ-બહેન બનેવી પણ ના રહેતા કૌટુમ્બિક આઘાત અસહ્ય થઇ પડયો. પણ તેઓ ખૂબ હિંમતવાન અને પ્રવૃત્તિશીલ હતા.

સૂરત તેમના મૂળ વતનને તેમણે કર્મભૂમિ બનાવી ‘સમાજ’ સાથે ગાઢ રીતે સંકળાયા. તેના મંત્રી બન્યા. સુરતની મહિલા વિદ્યાલયમાં શિક્ષિકા બન્યા. 1927 સુધી જોડાયેલા રહ્યા. મહિલાઓ અને શિક્ષિકાની પ્રવૃત્તિ સાથે સાથે પત્રકારત્વ શરૂ કર્યું. ‘‘સુરત વિદ્યાર્થી સંઘ’’ના પ્રમુખ બન્યા. આ બુધ્ધિશાળી આક્રમક સ્ત્રીએ પત્રકારત્વમાં ખૂબ કાઠું કાઢયું. ‘ચેતન’ નામના માસિકના સહમંત્રી રહ્યા. એ સમયે બંગભંગના આંદોલનો, સ્વેદેશીનું આંદોલન સ્વદેશી શિક્ષણની ઝૂંબેશે જોર પકડ્યું હતું. જ્યોત્સનાનબેને તેમના સામાયિકોમાં લોકોની આ આક્રમક જવાળાઓને વાચા આપી. તેઓ ‘સુદર્શન’ નામના દૈનિકના માનદમંત્રી બન્યા. આગ ઝરતી તેજીવાળા દેશદાઝથી ભરપૂર લખાણો જ્યોત્સનાબેનની કલમે લખાતા. દૈનિક ખૂબ લોકપ્રિય બન્યું. પણ સરકારની કરડી નજર થતાં દૈનિક જપ્ત થયું. પાછળથી તેઓ ‘પ્રતાપ’ દૈનિકના મંત્રી 9 વર્ષ રહી ચલાવ્યું.

અહિંસક ક્રાન્તિની વીરાંગના જ્યોત્સનાબેન
1928 સુધી જ્યોત્સનાબેને આક્રમક વલણો બ્રિટિશ સરકાર સામે દાખવ્યા. ધીમે ધીમે તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થતાં શાંત, અહિંસક, સત્યાગ્રહ આંદોલનમાં વિદ્રોહની ઠંડી તાકાત અનુભવી. તેઓ કોંગ્રેસમાં જોડાયા ના હતા. પરંતુ 1928માં ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની હાકલ કરી અને વલ્લભભાઈએ આઝાદીની લડતને બારડોલીમય બનાવવાનો શંખનાદ ફૂંક્યો. જ્યોત્સનાબેન ખૂબ આકર્ષાયા, મીઠીબેન પીટીટ, ભક્તિબેન ગોપાળદાસ, ગંગાબેન ઝવેરી, ચંપાબેન ઘીયા, કસ્તુરબા, મણિબેન વગેરે સ્ત્રીકાર્યકરોથી પ્રેરાઈ જ્યોત્સનાબેન અહિંસક સત્યાગ્રહ આંદોલનમાં જોડાયા. મૃત્યુપર્યંત તેમણે દેશસેવિકાનો ભેખ લીધો. 1928માં સૂરતમાં ‘સ્વયંસૈનિક સંઘ’ સ્થાપ્યો અને વલ્લભભાઈને અગણિત સ્ત્રી કાર્યકરો પૂરા પાડ્યા.
જ્યોત્સનાબેન સંનિષ્ઠ પત્રકાર હતા તેટલું જ નહીં પણ સાહિત્યકાર અને કવયિત્રી પણ હતા. તેમની ધારદાર કલમ હતી. બારડોલીની લડતમાં તેઓ સક્રિય જોડાયા હતા. અને લડત ચાલી ત્યાં સુધી તેમણે ધૂણી ધખાવી હતી. સભાઓ ગજવી હતી. ‘‘બારડોલી પત્રિકા’’ માં લખતા પણ હતા અને ગીતો રચી બધાને ખૂબ પ્રોત્સાહિત કરતા તેમના ગીતો સભાઓમાં તેમ જ ઘેર ઘેર ગવાતા. ‘‘ધન્ય બારડોલી’નું ગીત બાળકોને મોઢે થઈ ગયું હતું.

ધન્ય બારડોલી ધન્ય છે,
કોઇ રાખ્યું ગુજરાતનું નામ રે…
લૂંટ્યા ઘરો, લૂંટ્યા ખેતરો ને લૂંટયા વહાલા ઢોર…
રાતે મધરાતે નિશાચરોએ બહેનોને દીધો ત્રાસ રે….
યુધ્ધનો રંગ જામ્યો રે… બારડોલી..
ધન્ય બારડોલી, ધન્ય છે,
કાંઇ રાખ્યું ગુજરાતનું નામ રે.
રંગ રાખ્યો
હાંરે રંગ રાખ્યો ખેડૂત રંગ રાખ્યો,
હાંરે બારડોલીએ ટેક પૂરો પાળ્યો ખેડૂત રંગ…
હાંરે બડા સાહેબનો દોર એણે તોડ્યો, ખેડૂત રંગ
હાંરે ત્યાગવૃત્તિથી નીચતા એણે પાડી,
હાંરે જેલ જઇને જંજીર એણે તોડી
બારડોલી સત્યાગ્રહ
બંદૂક છોડશું, તોપો ચલાવશું,
કહે છે બ્રિટિશ સરકાર,
બારડોલી યુધ્ધે રમે છે,
વલ્લભભાઇના શૂરા સૈનિકો ,
મરવા થયા તૈયાર રે,
બારડોલી યુધ્ધ રમે છે,
બંદૂકની ગોળી હસીને ઝીલશે
બારડોલી યુધ્ધે રમે છે

આ ગીતો માત્ર સાર રૂપે રજૂ કર્યા છે, ગીતો ઘણાં લાંબા છે. પણ ખૂબ લોકપ્રિય થયા હતા.
દાંડીકૂચ સમયે સવિનય કાનૂન ભંગની લડતમાં ખૂબ સક્રિય રહ્યા હતા. સરદારશ્રીનો નિષ્ઠાવાન કાર્યકરોને સંદેશો હતો કે ચપટી મીઠું લઇ પકડાઇ ના જતા, બહાર રહી ખરું કામ કરવાનું છે. જ્યોત્સનાબેને આ સંદેશાનું અક્ષરશ: પાલન કર્યું. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોના અમલીકરણમાં મહત્ત્વની કડીરૂપ બની રહ્યા. વિદેશી માલનો બહિષ્કાર અને હોળી, સ્વદેશી ચીજવસ્તુઓનો પ્રચાર, દારૂબંધી પિકેટીંગ, ખાદીનો પ્રચાર, સ્ત્રી શિક્ષણ વગેરે કાર્યક્રમો નિષ્ઠાપૂર્વક કર્યા. જ્યોત્સનાબેન સાચા અર્થમાં સત્યાગ્રહી પુરવાર થયા.

1932માં સવિનય કાનૂન ભંગની લડત સમયે તેમની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ સરકારને ખૂંચતા કેદ કર્યા. 2 વર્ષથી સજા થઇ. 1940માં ગાંધીજીના ‘વ્યક્તિ સત્યાગ્રહ’ના એલાનને અનુસરતા લડત સમયે કાનજીભાઇ દેસાઇ સાથે સુરત આવતા સ્ટેશન ઉપર જ તેમની ધરપકડ થઇ અને પોણા બે વર્ષની કેદ થઇ. જ્યોત્સનાબેન કોંગ્રેસના પાયાના કાર્યકર શહેર જિલ્લા, મહાસમિતિના વહીવટીતંત્ર સાથે જોડાયેલ હતા. 1934થી 1957 દરમ્યાન સુરત શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રી, ઉપમંત્રી, પ્રમુખ તરીકે પદો શોભાવ્યા. 1946થી 1965 સુધી કોંગ્રેસ સેવાદળ વ્યવસ્થાપક હતા. હરિપુરા કોંગ્રેસમાં સ્વાગત સમિતિના અને સુરત મ્યુનિસિપલ શાળા સમિતિના ઉપપ્રમુખ હતા. તેમજ ગુજરાત યુનિ.ના સેનેટ સભ્ય બનેલા જ્યોત્સનાબેન શુક્લ 1976માં 84 વર્ષની વયે મૃત્યુ પામ્યા.

Most Popular

To Top