અનાથાશ્રમમાં ઉછરેલી, સરકારી પ્રા.શાળામાં અભ્યાસ કરી 16 વર્ષની કાચી વયે લગ્ન કરવા મજબુર થનાર, 18 વર્ષની વયે બે પુત્રીની માતા ખેતરમાં કાળી મજુરી, રોજ માત્ર પાંચ રૂપિયા, રાત્રે દરજી કામ કરે. ભણવાનો અદમ્ય ઉત્સાહ, હોંશ, પરિણામે 1994માં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1997માં કાકટીયા યુર્નિ.માંથી પોસ્ટ ગ્રેજ્યુએટ થયા. ત્યારે પણ પગાર તો માત્ર 398 રૂ. જ હતો. એમના સદ્ ભાગ્યે નજીકના સબંધી અમેરિકા રહેતા હતા. તેમની મુલાકાતે જવાનું થયું ને ભાગ્યએ કરવટ લીધી.
ત્યાં જ્યોતિએ કોમ્પ્યુટર અભ્યાસક્રમો લઈને યુ.એસ.માં સ્થિર થયા. પ્રારંભે પેટ્રોલ પંપ પર કામ કર્યું. બેબી સીટીંગ પણ કર્યું. તેમણે 2001માં માત્ર 40,000 ડોલરની બચત સાથે પોતાની કંપની કી સોફ્ટવેર સોલ્યુશનની સ્થાપના કરી. તેનો વ્યવસાય 1.5 કરોડ રૂપિયા ટર્ન ઓવર સુધી વધાર્યો ને 2017 સુધીમાં એક અબજ ડોલરનું એન્ટરપ્રાઈઝ બનાવ્યું આજે તેઓ તેના CEO છે. ખરેખર આજની ગરીબાઈમાં ઉછરતી દિકરીઓ માટે આ સંઘર્ષગાથા પ્રેરણારૂપ છે. ક્યાં અનાથાશ્રમમાં ઉછરવું ને આજે અબજો ડોલરની સોફ્ટવેર કંપનીના સીઈઓ બનવું. વ્હાલી દિકરીઓ, તમે પણ ઉપરોક્ત ઘટનામાંથી નવી જ પ્રેરણાં મેળવી મુશ્કેલીઓનો દૃઢતાપૂર્વક સામનો કરી પગભર થશો. એજ નવા વર્ષે શુભેચ્છાઓ.
સુરત- રમિલા બળદેવભાઈ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ રીતે શિક્ષણ સંસ્થાનો વિકાસ થશે?
ગત મહિનામાં (સપ્ટેમ્બરમાં) ‘ગુજરાતમિત્ર’માં એક સમાચાર વાંચવા મળ્યા હતા કે એક સંચાલકે, આચાર્યે અને શિક્ષકોએ સાથે ભેગા મળીને એક નાની બાળાને ગળું દબાવી મારી નાંખી શાળાના વિકાસ માટે બલી ચઢાવી હતી. તો શું આ રીતે શાળાનો વિકાસ થશે? શિક્ષણ સંસ્થાએ તો વહેમ, અંધશ્રધ્ધા દૂર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેના બદલે શિક્ષકો સંચાલકો આચાર્યો જ વહેમ અને અંધશ્રધ્ધામાં માનતા હોય તો બાળકો પણ શું શીખશે? આવા આચાર્ય શિક્ષકો કેવી રીતે શાળાનો વિકાસ કરશે? આ તો ક્રુર હત્યા જ કરી કહેવાય. તેઓની ધરપકડ થઈ છે અને તેઓના પર સખત પગલાં લઈ તેઓને ભારેમાં ભારે સજા થવી જોઈએ. આ તે કેવી માન્યતા કેવું શિક્ષણ!
નવસારી. – મહેશ ટી. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.