હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનો એક નવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પાકિસ્તાનમાં સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલી છે. આ વાતનો ખુલાસો એક સ્કોટિશ યુટ્યુબરના વીડિયો દ્વારા થયો છે. વીડિયોમાં તે લાહોરના અનારકલી બજારમાં ફરતી વખતે AK-47 રાઈફલથી સજ્જ છ સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલી જોવા મળે છે. આ સમય દરમિયાન સ્કોટલેન્ડના યુટ્યુબર કેલમ મિલ પણ પાકિસ્તાનમાં હતા. સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલી જોઈને કેલમે પૂછ્યું કે આટલી બધી સુરક્ષાની જરૂર કેમ છે?
સોશિયલ મીડિયા પર પાકિસ્તાન માટે જાસૂસી અને રાજદ્રોહના આરોપસર ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પાકિસ્તાનના બજારોમાં ફરતી જોવા મળે છે. પરંતુ આમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જ્યોતિ મલ્હોત્રા સાથે બોડીગાર્ડ AK-47 લઈને ચાલી રહ્યાં છે. જ્યારે સ્કોટલેન્ડના એક વ્લોગરનો કેમેરા જ્યોતિ મલ્હોત્રા પર કેન્દ્રિત થયો ત્યારે બંને વચ્ચે વાતચીત થઈ, ત્યારબાદ જ્યોતિ મલ્હોત્રાએ તેને કહ્યું કે તે ભારતથી છે અને પાકિસ્તાન ફરવા આવી છે. દરમિયાન જ્યોતિની આસપાસ AK-47 સાથે બંદૂકધારીઓને જોયા પછી વિદેશી પ્રવાસી પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછવા લાગ્યો કે અહીં એક ભારતીય નાગરિકને આટલી બધી સુરક્ષા કેમ આપવામાં આવી રહી છે. તેણે જ્યોતિને પૂછ્યું કે પાકિસ્તાનની હોસ્પિટાલિટી બાબતે તમે શું કહેશો? જેનો જવાબ આપવાનું જ્યોતિ ટાળી દે છે.
જ્યારે વિદેશી માણસે જ્યોતિ મલ્હોત્રા સાથે વાત પૂરી કરી ત્યારે તેણે કેમેરો ચાલુ રાખ્યો અને લાંબા સમય સુધી જ્યોતિ મલ્હોત્રાનું રેકોર્ડિંગ કરતો રહ્યો. આ પછી તેણે પોતાના લોકોને પ્રશ્ન કર્યો કે મને સમજાતું નથી કે એક ભારતીય યુટ્યુબર સાથે આટલી બધી સુરક્ષા કેમ રાખવામાં આવી રહી છે. જોકે હવે જ્યોતિ મલ્હોત્રાના રહસ્યો બહાર આવી રહ્યા હોય તેવું લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ વીડિયોમાં જ્યોતિ સાથે લગભગ 6 ગાર્ડ જોવા મળે છે જેઓ હાથમાં AK-47 જેવા હથિયારો લઈને ઉભા છે.
આ વીડિયો અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે કે જ્યારે સ્કોટિશ યુટ્યુબર એકલો ફરતો હતો તો પછી જ્યોતિ મલ્હોત્રા સાથે આટલી બધી સુરક્ષા કેમ હતી? જ્યોતિ સાથે ફરતા લોકો કોણ હતા? બંદૂકધારીઓ યુનિફોર્મમાં નહોતા. જોકે તેઓ સાદા પોશાકમાં સુરક્ષાકર્મી હોઈ શકે છે. આ વીડિયો શંકાને વધુ જન્માવી રહ્યો છે કે જ્યોતિ મલ્હોત્રાને પાકિસ્તાનમાં આટલી VIP ટ્રીટમેન્ટ કેમ આપવામાં આવી. અહેવાલો અનુસાર તેણે ત્યાં હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓમાં હાજરી આપી હતી જ્યાં તે કથિત રીતે પાકિસ્તાની સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓને મળી હતી. પોલીસનું કહેવું છે કે ભારત પરત ફર્યા પછી પણ તે તેમના સંપર્કમાં રહી.
આ વીડિયો @PracticalSpy નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયો બાબતે પ્રતિક્રિયા આપી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું…આ વાસ્તવિકતા છે, એવો કેસ દાખલ કરો કે ક્યારેય બહાર ન આવે. બીજા એક યુઝરે લખ્યું…દેશદ્રોહીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. જ્યારે બીજા યુઝરે લખ્યું…આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી.
પોલીસ હાલમાં જ્યોતિના ડિજિટલ ઉપકરણોની તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે તેણે પાકિસ્તાનને કઈ માહિતી આપી હતી. આ ઉપરાંત જ્યોતિની આર્થિક સ્થિતિની પણ તપાસ ચાલી રહી છે. પોલીસને જાણવા મળ્યું છે કે તેની જીવનશૈલી તેની આવક સાથે મેળ ખાતી નથી. તે હંમેશા ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી, મોંઘી હોટલોમાં રહેતી અને લક્ઝરી રેસ્ટોરન્ટમાં ખાતી હતી.