Columns

100 વરસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું શું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુરમાં દશેરાના દિવસે આપેલું ભાષણ દેશમાં અનેક લોકોએ ધ્યાનથી સાંભળ્યું હશે. આનું મુખ્ય કારણ એ હતું કે આ દશેરાના દિવસે સંઘે 99 વર્ષ પૂરાં કર્યા અને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો. 1925માં 27મી સપ્ટેમ્બરના દિવસે દશેરાના રોજ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. દશેરાના દિવસે સંઘના સરસંઘચાલક નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધે એ ત્યારથી ચાલી આવતી પરિપાટી છે, પણ આ વખતનો અવસર જુદો હતો. અસ્તિત્વનાં 100 વર્ષ એ કોઈ સામાન્ય ઘટના નથી. એમાં આ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેની સ્થાપના જ ભારત વિષેની વિકસી રહેલી અને ગાંધીજીને કારણે ઝડપથી સ્વીકૃત બની રહેલી કલ્પનાને નકારવા માટે થઈ હતી.
કલ્પના એવી હતી ભારત કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ ભારતીય પ્રજાનો દેશ હશે, સહિયારો દેશ હશે, એ સેક્યુલર લોકતાંત્રિક દેશ હશે જેમાં દરેક નાગરિક એક સરખું સ્થાન ધરાવતો હશે અને તેનું સ્થાન બંધારણ દ્વારા સુરક્ષિત હશે. કોઈ એક પ્રજા બહુમતીમાં છે એટલે તેના ધર્મને કે તેની સંસ્કૃતિને ઝૂકતું માપ આપવામાં નહીં આવે. એમાં ગાંધીજીએ મુસલમાનો સાથે કોમી એકતા સાધવાનો પ્રયાસ કર્યો, ખિલાફત આંદોલનનું નેતૃત્વ કર્યું, સહઅસ્તિત્વ માટે શરતો લાદવાની ના પાડી અને અહિંસાનો મહિમા કર્યો. મહિમા નહીં, અહિંસાને આંદોલનનો આધાર બનાવ્યો. ગાંધીજીએ અસ્મૃશ્યતા નિવારણ માટે પ્રયાસ કર્યો, અસ્પૃશ્યતાને હિંદુઓનું કલંક કહ્યું અને દલિતોને બાથમાં લેવાનો પ્રયાસ કર્યો.
એ સમયે અનેક હિંદુ નેતાઓને વિકસી રહેલી અને સ્વીકૃત બની રહેલી આઝાદ ભારત વિશેની કલ્પના મંજુર નહોતી. તેમને એમ લાગતું હતું કે ભારત બહુમતી હિંદુઓનો દેશ છે એટલે હિંદુઓને, હિંદુ ધર્મને અને હિંદુ સંસ્કૃતિને ઝૂકતું માપ મળવું જોઈએ. એમાં તેમને ગાંધીજીના હિંદુ-મુસ્લિમ એકતાના પ્રયાસ તો બિલકુલ સ્વીકાર્ય નહોતા. મુસલમાનો ક્યારેય ભારતનાં નહોતા અને ભવિષ્યમાં ક્યારેય થવાના નથી. તેમની વફાદારી ભારતની બહાર છે અને ઇસ્લામ પ્રાદેશિક રાષ્ટ્રીયતાનો વિરોધ કરે છે. આ સિવાય અહિંસા. તેમને એમ લાગતું હતું કે જગતમાં માત્ર હિંદુ પ્રજા અહિંસામાં માને છે અને અહિંસાએ હિંદુઓને દુર્બળ બનાવ્યા છે. વી. ડી. સાવરકરે તો ભારતને અને ભારતની પ્રજાને દુર્બળ બનાવવા માટે બુદ્ધ અને મહાવીરને દોશી ગણાવ્યા છે.
1925માં કેટલાક હિંદુઓએ મળીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી એ પાછળનો હેતુ આ હતો. તેઓ ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગે છે. એ માટે સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ઉપલબ્ધ સાહિત્ય અનુસાર સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે તેના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવારે ચાર ઉદ્દેશ સ્વયંસેવકોને બતાવ્યા હતા: 1, હિંદુ નવોત્થાન. 2, હિંદુરાષ્ટ્રનું પુનરુત્થાન. 3, દેશની આઝાદી (ટોટલ ફ્રીડમ) અને 4. એ માટે હિંદુઓની એકતા. જ્યાં સુધી હિંદુઓ એક નહીં થાય ત્યાં સુધી બતાવવામાં આવેલા ત્રણ ઉદ્દેશ સાકાર થઈ શકે એમ નથી. હકીકતમાં હિંદુ પ્રજા સર્વગુણસંપન્ન હોવા છતાંય તેનું પતન થયું, વિદેશીઓ સામે ભારત પરાજીત થતું આવ્યું અને ગુલામ થયું એનું કારણ હિંદુઓમાં એકતાનો અભાવ છે. જગતની તમામ પ્રજાઓમાં હિંદુ પ્રજા સૌથી વધુ વિભાજીત છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના આ હેતુથી કરવામાં આવી હતી. આજે તો સંઘ વિરાટ બની ગયો છે. વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. તેનો રાજકીય પક્ષ દેશમાં રાજ કરે છે. જીવનનું કોઈ એવું ક્ષેત્ર નહીં હોય જેમાં સંઘના સ્વયંસેવકની સીધી કે આડકતરી હાજરી ન હોય. સંઘ બહુઆયામી બની ગયો છે. એમાં અત્યાર સુધી વિભાજન નથી થયું કે નથી મતભેદ બહાર આવ્યા. આમ આ વિશ્વનું એક અનોખું સંગઠન છે. આવું સંગઠન જ્યારે શતાબ્દી વર્ષમાં પ્રવેશે ત્યારે આખા દેશની ઉત્સુકતા તેના સરસંઘચાલકના વક્તવ્યને સાંભળવાની હોય એ સ્વાભાવિક છે. અપેક્ષા હતી કે મોહન ભાગવત સંઘની 100 વરસની યાત્રાનું વિહંગાવલોકન કરશે, સંઘની પ્યારી હિંદુરાષ્ટ્રની કલ્પના કેટલી સાકાર થઈ અને કેટલી સાકાર થવાની બાકી છે એ વિષે બોલશે, તેની સામે કઈ રીતના પડકારો છે તેની વાત કરશે, જે ભારતીય રાષ્ટ્ર લગભગ 8 દાયકાથી અસ્તિત્વમાં છે અને જે બંધારણ પુરસ્કૃત છે તેનું શું કરવું એ વિષે વાત કરશે. વર્તમાન ભારતીય રાષ્ટ્ર તેના વર્તમાન સ્વરૂપમાં ટકશે કે તેમાં પરિવર્તન કરવામાં આવશે એ વિષે બોલશે. સંઘે હિંદુ નવોત્થાન માટે શું કર્યું અને કેટલું કરવાનું બાકી છે એ વિષે વાત કરશે. સંઘ વિશ્વનો સૌથી મોટો અને સૌથી પ્રચંડ ઉર્જાનો ધોધ છે. 100માં વર્ષે તેના મુખિયાને કેટલું બધું કહેવાનું હોય! એ લોકો પણ ઉત્સુક હતા જે સંઘના હિંદુરાષ્ટ્રના સમર્થકો છે અને એ લોકો પણ સાંભળવા ઉત્સુક હતા જે તેનો વિરોધ કરે છે. શું કહ્યું મોહન ભાગવતે સંઘના શતાબ્દીપ્રવેશ વખતે? કદાચ તમે ભાષણ સાંભળ્યું હશે તો તમે તેમની વાત નોંધી હશે. હિંદુઓએ સંગઠીત થવાની જરૂર છે. હિંદુઓએ નાત-જાત, ધર્મ-સંપ્રદાય-પેટા સંપ્રદાય, પ્રદેશ અને ભાષાની ઓળખથી ઉપરવટ હિંદુ ઓળખ વિકસાવવી જોઈએ, પ્રજાકીય દુર્બળતા અક્ષમ્ય અપરાધ છે અને વિભાજીત પ્રજા ક્યારેય સબળ બનીને અપરાધમુક્ત ન થઈ શકે. ભારતની ગેર હિંદુ પ્રજાઓએ સમરસ થઈ જવું જોઈએ. મોહન ભાગવતે તેમના દશેરાના વ્યાખ્યાનમાં સમરસતાની વ્યાખ્યા નહોતી કરી, પરંતુ સંઘ એમ માને છે કે વિધર્મી પ્રજાએ હિંદુ ધર્મ અપનાવીને નહીં, પણ હિંદુ સંસ્કૃતિ અપનાવીને સમરસ થવું જોઈએ, કારણ કે હિંદુ સંસ્કૃતિ એ જ ભારતીય સંસ્કૃતિ છે. છેલ્લે લગભગ પાંચેક મિનીટનું વક્તવ્ય તેમણે વાંચ્યું હતું જેમાં એવી વાતો કહેવાઈ હતી જે સાંભળીને લાગે કે આ તો ગાંધીજીની વાણી છે કે શું!
100 વરસ પહેલા સંઘની સ્થાપના હિંદુઓને સંગઠીત કરવા માટે કરવામાં આવી હતી. કારણ? એ જ જે ઉપર કહેવામાં આવ્યાં છે. હિંદુ એકતા સાધન હતું અને સાધ્ય તો હિંદુ નવોત્થાન, હિંદુરાષ્ટ્ર અને સંપૂર્ણ આઝાદી હતાં, જેમાંથી આઝાદી તો તેમના યોગદાન વિના મળી ગઈ, પણ બાકીનાં બે સાધ્ય સાધવાના બાકી છે. પણ આજે 100 વરસ પછી એ જ સાધનની જ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નિદાન પણ એ જ અને ઈલાજ પણ એ જ. 100 વરસ પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે સંગઠીતપણાના અભાવે પેદા થતી પ્રજાકીય દુર્બળતા અપરાધ છે. ત્યારે પણ હિંદુઓને ચેતવણી આપવામાં આવી હતી અને આજે પણ એવી જ ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે પણ હિંદુઓને ડરાવવામાં આવતા હતા અને આજે પણ ડરાવવામાં આવી રહ્યા છે. ત્યારે પણ હિંદુ ધર્મી-વિધર્મી વચ્ચે સમરસતાની વાત કહેવાઈ હતી અને આજે પણ એ જ કહેવાઈ રહી છે. ડીટ્ટો એ જ. દરેક વરસે અને દરેક પ્રસંગે 100 વરસથી સંઘ આ કહી રહ્યો છે. ટૂંકમાં કેટલાક લોકો માને છે વિવિધતા ભારતની ઓળખ છે અને એ તેની તાકાત છે, જ્યારે સંઘ માને છે કે વિવિધતા ભારતની મર્યાદા છે. એકતા ભારતમાં સ્થપાવી જોઈએ, એકતા વિના તાકાત શક્ય નથી અને બહુમતી પ્રજા તરીકે હિંદુઓએ એક થવું જોઈએ. આ હિંદુઓનું પરમ કર્તવ્ય છે. દિવ્ય પુરુષાર્થ છે. તો સવાલ એ છે કે 100 વરસમાં સંઘે કર્યું શું? હિંદુરાષ્ટ્ર માટે હિંદુ એકતા જો અનિવાર્ય શરત છે તો 100 વરસમાં કેટલી હિંદુ એકતા સાકર થઈ? નથી થઈ તો કેમ નથી થઈ? સામાજિક અધ્યન માટેની દેશની અત્યંત શ્રદ્ધેય સંસ્થા સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ ડેવલપિંગ સોસાયટીઝના તાજા અભ્યાસ મુજબ દેશના માત્ર 11% હિંદુઓ એમ માને છે કે ભારત હિંદુ રાષ્ટ્ર હોવું જોઈએ. 89% હિંદુઓ વિવિધતાને ભારતની ઓળખ, ભારતની વિશેષતા અને ભારતની તાકાત તરીકે ઓળખાવે છે. તેમાં તેમને કોઈ દુર્બળતા નજરે પડતી નથી. તો શું હિંદુ એકતા શક્ય જ નથી કે પછી ભારતનાં હિંદુઓને સંઘ ઈચ્છે છે એવી એકતા જરૂરી લાગતી નથી? સંઘે હિંદુ નવોત્થાન માટે શું કર્યું? હિંદુ નવોત્થાન કઈ રીતે કરવાનું એની કોઈ રૂપરેખા સંઘે આપી છે ખરી? તમારા વાંચવા જોવામાં આવી છે? સંઘે તેનાં વહાલા હિંદુરાષ્ટ્રની કોઈ કલ્પના લોકો સમક્ષ રજૂ કરી છે ખરી? એવું તો નથી કે સંઘે તેની હિંદુરાષ્ટ્રની કલ્પના લોકો સમક્ષ ફોડ પાડીને રાખી નથી એટલે દેશની વિધર્મી પ્રજા તો ઠીક, હિંદુઓ પણ તેનાથી ડરે છે. ખાસ કરીને, દલિતો, પછાત કોમો અને સ્ત્રીઓ. શતાબ્દી ટાણે આના વિષે ચર્ચા થવી જોઈએ અને સ્વયંસેવકોએ આ પ્રશ્ન સંઘના નેતાઓને પૂછવા જોઈએ. આખરે સંઘ છે શેને માટે? અને જેમ આ વખતે પણ જોવા મળ્યું એમ લગભગ દરેક પ્રસંગે સંઘના નેતાઓએ છેવટે ઉપનિષદ, વિવેકાનંદ, ગાંધી, વિનોબાની ભાષામાં તો બોલવું જ પડે છે. શું સંઘના નેતાઓને પોતાને જ આંતરિક ઉદાત્તતા વિનાનો હિંદુ અધૂરો લાગે છે? સંઘના સ્વયંસેવકોએ આ સવાલ પૂછવા જોઈએ. સંઘમાં વિચારવાની પરંપરા નથી એટલે વિનાયક દામોદર સાવરકર સંઘ વિષે મજાકમાં કહેતા કે સંઘનો સ્વયંસેવક જન્મે છે, શાખામાં જાય છે અને મૃત્યુ પામે છે. જો આ જ પરિપાટી ચાલુ રહી તો સંઘની દ્વિશતાબ્દી પણ આવી જ કોરી ઉજવાશે.

Most Popular

To Top