ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૩૦ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા હતા. જસ્ટિસ સૂર્યકાંત ૨૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ મુખ્ય ન્યાયાધીશનો કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ તાજેતરના કેટલાક મુખ્ય ન્યાયાધીશો કરતાં લાંબો રહેશે, જે ૧૫ મહિના સુધી ચાલશે. મુખ્ય ન્યાયાધીશ ભારતીય ન્યાયિક પ્રણાલીના મુખ્ય અધિકારી છે. તેઓ ન્યાયાધીશ તરીકે માત્ર કેસોનો નિર્ણય લેતા નથી, પરંતુ સુપ્રીમ કોર્ટને લગતી તમામ વહીવટી બાબતો પર પણ નિર્ણય લે છે. તેમની મુખ્ય સત્તાઓમાંની એક એ છે કે કેસ ક્યારે સાંભળવો અને કયા ન્યાયાધીશ તેની સુનાવણી કરશે તે નક્કી કરવું. મુખ્ય ન્યાયાધીશ પાસે બધા ચુકાદાઓમાં પરોક્ષ શક્તિ હોય છે.
તાજેતરમાં જસ્ટિસ સૂર્યકાંત ઘણા હાઇ-પ્રોફાઇલ કેસોને કારણે સમાચારમાં રહ્યા છે, જેમાં બિહારમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન અને અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાન મહમુદાબાદની ધરપકડનો સમાવેશ થાય છે. કલમ ૩૭૦ નાબૂદ કરવાને પડકારતો કેસ, રાજદ્રોહ કાયદા વિરુદ્ધ સુનાવણી, પત્રકારો અને કાર્યકર્તાઓના ફોનમાં પેગાસસ સોફ્ટવેર હોવાના આરોપો, આસામમાં નાગરિકતાનો મુદ્દો, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો, આ બધા કેસોની સુનાવણીમાં જસ્ટિસ સૂર્યકાંત સામેલ હતા.
તેમણે ભૂતપૂર્વ ભાજપ નેતા નૂપુર શર્માને ઠપકો આપ્યો હતો, જેમના પર ઇસ્લામના છેલ્લા પયગંબર મુહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો અને દેશભરમાં તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જો કે, ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે ત્યાર બાદ નૂપુર શર્માની ધરપકડ પર રોક લગાવી દીધી હતી અને તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દીધા હતા, જેનાથી તેને આ ફરિયાદોના નિરાકરણ માટે દેશભરમાં મુસાફરી કરવાની મનાઈ ફરમાવી હતી. ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે હાસ્ય કલાકાર સમય રૈનાને તેમના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં કરેલી કેટલીક મોદીવિરોધી ટિપ્પણીઓ બદલ માફી માંગવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ભારત સરકાર પાસેથી ઇન્ટરનેટ પર સામગ્રીને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરવા માટે મદદ માંગી હતી.
આ વર્ષના મે મહિનામાં અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાન મહમુદાબાદની ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન તેમની વાંધાજનક પોસ્ટ બદલ ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર રાજદ્રોહના કાયદા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે તેમને વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ તેમની સામેનો કેસ બંધ કર્યો ન હતો. આ કેસોને કારણે જ્યારે જસ્ટિસ સૂર્યકાંતને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે સરકારવિરોધી વિચારધારાનાં લોકો તેમની ટીકા કરી રહ્યાં હતાં. જસ્ટિસ સૂર્યકાંતે બીજો એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ૨૦૨૧ના એક ચુકાદામાં જસ્ટિસ સૂર્યકાંતે લખ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અથવા UAPA જેવા ગંભીર કાયદાઓ હેઠળ આરોપીઓને પણ જો તેમની ટ્રાયલમાં વિલંબ થાય તો જામીન આપવા જોઈએ.
UAPA હેઠળ જામીન મેળવવા મુશ્કેલ રહ્યા છે અને હજુ પણ UAPA કેસોમાં જામીન સરળતાથી ઉપલબ્ધ નથી. આ એક પ્રગતિશીલ નિર્ણય હતો, જેના આધારે UAPA કેસોમાં ઘણા આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા. દિલ્હી રમખાણોના ચાલી રહેલા કેસોમાં પણ આરોપીઓ જામીન મેળવવા માટે આ નિર્ણય પર આધાર રાખી રહ્યા છે.
જસ્ટિસ સૂર્યકાંતે ૨૨ વર્ષની ઉંમરે હરિયાણામાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. એક વર્ષ પછી, ૧૯૮૫માં તેમણે ચંદીગઢમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.
૧૬ વર્ષ કાનૂની વ્યવસાયમાં રહ્યા પછી તેમને હરિયાણાના એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર ૩૮ વર્ષ હતી, જે એડવોકેટ જનરલ માટે ખૂબ જ નાની ઉંમર હતી. તે સમયે તેઓ સિનિયર એડવોકેટ પણ નહોતા. ૨૦૦૧માં તેમને સિનિયર એડવોકેટ બનાવવામાં આવ્યા. થોડાં વર્ષો પછી તેમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ૨૦૧૯ સુધી હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા, જ્યારે તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જો કે, આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત પર અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા, જેની વિગતવાર માહિતી ન્યૂઝ મેગેઝિન ‘કારવાં’ દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં આપવામાં આવી છે. આ અહેવાલ મુજબ ૨૦૧૨ માં એક ઉદ્યોગપતિ સતીશ કુમાર જૈને ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશને ફરિયાદ મોકલી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે જસ્ટિસ સૂર્યકાંતે ઘણી મિલકતો ખરીદતી અને વેચતી વખતે તેનું મૂલ્ય ઓછું આંક્યું હતું. આના પરિણામે તેમણે ૭ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો પર કર ચૂકવ્યો ન હતો. આ અહેવાલમાં ૨૦૧૭ ના એક આરોપનો પણ ઉલ્લેખ છે, જ્યારે પંજાબમાં સુરજીતસિંહ નામના એક કેદીએ જસ્ટિસ સૂર્યકાંત પર લોકોને જામીન આપવા માટે કથિત રીતે લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.
આ આરોપો પર ઘણી વખત ચર્ચા થઈ છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે તેમના પર ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં. કારવાં અને ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલો અનુસાર જ્યારે જસ્ટિસ સૂર્યકાંતને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ત્યારે તત્કાલીન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે જસ્ટિસ સૂર્યકાંત સામેના આરોપોની તપાસની વિનંતી કરી હતી. જો કે તેઓ તેનાં પરિણામથી અજાણ હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આ આરોપોની સ્વતંત્ર રીતે તપાસ ન થાય ત્યાં સુધી જસ્ટિસ સૂર્યકાંતને હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત ન કરવા જોઈએ.
જો કે, ૨૦૧૯ માં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક પત્રમાં જણાવ્યું હતું કે જસ્ટિસ સૂર્યકાંત સામેના આરોપો પાયાવિહોણા છે. જસ્ટિસ સૂર્યકાંતની સંપત્તિ ઘણી વખત સમાચારમાં રહી છે. મે ૨૦૨૫ માં સુપ્રીમ કોર્ટે પહેલી વાર તેની વેબસાઇટ પર ન્યાયાધીશોની સંપત્તિ જાહેર કરી હતી. જસ્ટિસ સૂર્યકાંતની સંપત્તિમાં આઠ મિલકતો અને કરોડો રૂપિયાનાં રોકાણોનો સમાવેશ થતો હતો. જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે જૈન તીર્થ અંતરીક્ષજીને લગતા એક મહત્ત્વના કેસમાં ચુકાદો આપ્યો હતો. આ કેસ ૬૦ વર્ષથી વિવિધ કોર્ટોમાં અટવાતો હતો, જેને કારણે પાર્શ્વનાથ ભગવાનની પૂજા બંધ થઈ ગઈ હતી.
જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય વચ્ચેના વિવાદમાં વચગાળાનો ચુકાદો શ્વેતાંબરોના પક્ષમાં ગયો હતો, જેને કારણે ભગવાનની પૂજા શરૂ થઈ શકી હતી. જસ્ટિસ સૂર્યકાંત પહેલાં બે મુખ્ય ન્યાયાધીશોએ કુલ લગભગ છ મહિના સેવા આપી છે, જ્યારે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ લગભગ બે વર્ષનો હતો. જસ્ટિસ ચંદ્રચુડના કાર્યકાળ દરમિયાન અનેક બંધારણીય બેન્ચોની રચના થઈ હતી. આ બેન્ચોમાં પાંચ કે તેથી વધુ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે, જે કાયદાના મહત્ત્વપૂર્ણ પ્રશ્નોનો નિર્ણય લે છે. જસ્ટિસ ચંદ્રચુડ પછી બંધારણીય બેન્ચની સુનાવણી તુલનાત્મક રીતે ઓછી થઈ ગઈ છે. જસ્ટિસ સૂર્યકાંતના કાર્યકાળ દરમિયાન આમાં ફેરફાર થશે કે કેમ તે જોવાનું બાકી રહે છે.
આ ઉપરાંત, જ્યારે જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટનો કાર્યભાર સંભાળશે, ત્યારે તેમને ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનો સામનો કરવો પડશે, જેના પર સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. ઉદાહરણ તરીકે, બિહાર પછી દેશભરમાં ખાસ સઘન સુધારા(SIR)ની પ્રક્રિયા, ૨૦૧૯ માં રજૂ કરાયેલા નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધના કેસ, વૈવાહિક બળાત્કારને ગુનો જાહેર કરવા માટેની અરજીઓ, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા, મની લોન્ડરિંગના કાયદા વિરુદ્ધ અરજીઓ અને ભારતમાં રહેતાં રોહિંગ્યા શરણાર્થીઓને દેશનિકાલ કરવાનો કેસ. આ બધા કેસોમાં તેમની પ્રતિબદ્ધતાની કસોટી થવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.