Comments

ન્યાય તણું આશાનું કિરણ

5મી જુલાઇએ ગુજરાત હાઈકોર્ટે આપેલા એક મહત્ત્વના ચુકાદામાં ગુજરાત સરકારને આદેશ કર્યો છે કે તેણે અદાણી પોર્ટ અને એસ.ઇ.ઝેડ. ને આપેલી ગોચરની 231 એકર જમીન પાછી લઈ લેવી અને તે નવીનાલ ગામને પાછી આપવી. વાતની શરૂઆત 2005થી થઈ જ્યારે તત્કાલીન  ગુજરાત સરકારે કરેલા ઠરાવ મુજબ કચ્છ જિલ્લાના કલેકટરે, 231 એકર જમીન મુંદ્રા પોર્ટમાં એસ.ઇ.ઝેડ (હાલનું અદાણી પોર્ટ) વિકસાવવા માટે પાણીના મોલે આપી.

ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. ગોચર જમીન લોકસંપત્તિ ગણાય એટલે ગ્રામ સભાની સમ્મતિ વગર રાજ્ય સરકાર એનો ઔદ્યોગિક વપરાશ માટે ફાળવી શકે નહીં. સરકારી નિયમ એવું કહે છે કે જો ગામ પાસે વધારાની ગોચર જમીન હોય તો અને તો જ સરકાર એને ઔદ્યોગિક વિકાસ માટે સંપાદિત કરી શકે છે પણ આ કિસ્સામાં મુખ્યત્વે જેની જમીન ગઈ તે નવીનાલ અને આજુબાજુનાં ગામોમાં તો ગોચરની જમીન તેમની જરૂરિયાત કરતાં ઘણી ઓછી હતી! તો પછી એને ગામલોકોની સમ્મતિ વિના સંપાદિત કરવાનું પગલું ગેરકાનૂની ગણાય.

2005માં ન ગ્રામસભાની મંજૂરી લેવામાં આવી ન તેમને જાણ કરવામાં આવી. ગામલોકોને આ વાતની જાણ છેક 2011માં થઈ, જ્યારે અદાણી એસ.ઇ.ઝેડ. માટે જમીન પર વાડ બાંધવાની શરૂઆત થઈ. 2011માં  નવીનાલ ગામનાં લોકોએ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં, કારણકે પશુપાલન જ્યાં મુખ્ય વ્યવસાય હોય, તો જો ગોચર જ એમની પાસેથી જતું રહે તો તો એમની રોજીરોટી છીનવાઇ જાય. હાઈકોર્ટે વાતની ગંભીર નોંધ લીધી. ત્યારથી શરૂ થયેલી 13 વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડતે ઘણા ચડાવ-ઉતાર જોયા, જેના અંતે 5મી જુલાઈનો ચુકાદો આવ્યો.

13 વર્ષની આ કાનૂની સફરના કેટલાક પડાવો સમજવા જેવા છે કારણકે તે વર્તમાન વિકાસની પ્રકૃતિને સમજવામાં મદદ કરે છે. એક, ગુજરાત સરકારે ઓક્ટોબર 2013માં એફિડેવિટ કરી કે એસ.ઇ.ઝેડ. ના વિકાસ માટે સંપાદિત કરેલી 270 એકર જમીનની સામે સરકારે 388 હેક્ટર (આશરે 1000 એકર) જમીનની ફાળવણી ગોચર માટે કરી છે. ફેબ્રુઆરી 2014 સુધી એમાંની કોઈ જમીનની ફાળવણી ગ્રામજનોને ના થતાં કોર્ટના અનાદરની પિટિશન કરવામાં આવી.

2014માં લોકસભાની ચૂંટણી પૂરી થઈ પછી તરત જ ગુજરાત સરકારે રિવ્યુ પિટિશન કરી જણાવ્યું કે સરકાર પાસે ફાળવવા માટે 388 હેક્ટર જમીન તો છે જ નહીં પણ માત્ર 8 હેક્ટર જમીન જ છે! જેમની રોજીરોટીની બલિ ચડવાની છે એમના નિયમાનુસાર વળતર અંગે સરકારે તો કશું વિચાર્યું જ ન હતું – નિયમ ભલે ને રહ્યા કાગળ પર! ચૂંટણી સમયે વાયદો કરવામાં શું જાય છે? બીજું, કોર્ટમાં થયેલી છેલ્લી દલીલો પ્રમાણે ગુજરાત સરકારે 129 એકર જમીન ગોચર માટે આપવાની તૈયારી બતાવી જે ગામ કરતાં સાત કિલોમીટર દૂર આવેલી છે અને તે માટે પણ તારની વાડ વચ્ચે સુરક્ષિત એસ.ઇ.ઝેડ. ને ઓળંગવું પડે! ઢોરને રોજેરોજ ચરાવવા માટે સાત કિલોમીટર દૂર લઈ જવાની દરખાસ્ત દેખીતી રીતે અવ્યવહારુ છે. પશુપાલકો એનો કોઈ ઉપયોગ કરી શકવાના નથી.

ત્રીજું, અદાણી પોર્ટને પર્યાવરણીય મંજૂરી છેક 2014માં મળી. છતાં, સૌ જાણે છે તેમ 2005 થી 2014 સુધીના નવ વર્ષના ગાળામાં અનેક ઔદ્યોગિક બાંધકામ આ જમીન પર ઊભાં થઈ ગયાં અને ઉત્પાદન પણ શરૂ થઈ ગયું, જે કાયદાની જોગવાઈ વિરુધ્ધ હતું. મંજૂરી આજે નહીં તો કાલે મળી જ જશે એવો વિશ્વાસ કદાચ હશે!  2014 સુધી ગામલોકો ગોચરની જમીન જવાથી નારાજ છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું એથી મંજૂરી એ શરતે અપાઈ કે સંપાદિત થયેલી જમીન પૈકી ગોચરની જમીન તેઓ તાત્કાલિક ધોરણે પાછી આપશે. દેખીતી રીતે આ શરતનું પાલન દસ વર્ષ સુધી થયું નથી!

મૂડીવાદી આર્થિક વિકાસ સામે એક પ્રશ્ન વાજબી રીતે ઊઠતો રહ્યો છે કે વિકાસ કોનો થઈ રહ્યો છે અને કોના ભોગે થઈ રહ્યો છે? વિકાસના ફળ કોઈક ભોગવે અને એની કિંમત અન્ય કોઈએ ચૂકવવી પડે. ઝડપથી વિકાસ હાંસિલ કરવાની દોડમાં છેવાડાના માણસને થતી અસર ગણતરીમાં આવતી જ નથી. જે લોકોનું છે, એમના હકનું છે તે માટે પણ તેમણે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે છે. હક મળશે કે નહીં એની ખાતરી તેમ છતાં પણ નથી! કુદરતી સંસાધનો પરનો લોકોનો કબજો છૂટી રહ્યો છે. જંગલ, નદી, કે ગોચર જમીન જેવી લોકસંપત્તિનું ઝડપથી નિજીકરણ થઈ રહ્યું છે તેમ જ  પર્યાવરણ ચક્ર બદલાતાં એનું ધોવાણ થઈ રહ્યું છે. આ જ સંસાધનો સાથે  કરોડો લોકોની આજીવિકા જોડાયેલી છે. ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતા પાછળ આ એક મહત્ત્વનું કારણ છે. એટલે વિકાસની કિમ્મત કોણ ચૂકવે છે એ પ્રશ્ન પૂછવો વાજબી છે.

આ કેસમાં કોર્ટે સરકાર સામે ઉઠાવેલા સવાલો અને અતિ શક્તિશાળી ઉદ્યોગપતિને જમીન પરત કરવાનો ચુકાદો એક ઐતિહાસિક ઘટના છે. એનો અમલ કેટલો, ક્યારે અને કેવી રીતે થશે એ જોવાનું રહેશે. પણ, આ ચુકાદો ચોક્કસ એક સીમાચિહ્ન બનીને રહેશે. મહાસત્તાશાળી તાકાતો સામે 13 વર્ષ લાંબી લડતમાં ટકી રહેલા  નવીનાલ ગામનાં લોકો અને તેમનું કાનૂની પ્રતિનિધિત્વ કરનાર વકીલ આનંદવર્ધન યાજ્ઞિકનો ન્યાય માટેનો જુસ્સો કાબિલેદાદ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top