Charchapatra

ન્યાયાલયો છે, પણ ન્યાય કયાં છે?

કોવિડ-19 કોરોના, કાળ બનીને સમસ્ત પ્રજાને મૃત્યુની ખાઇમાં લઇ જઇ રહ્યો છે. પ્રમાણિક, આત્મિય વૈજ્ઞાનિકો ફરજ બજાવી રસી બનાવે છે અને દર્દીઓને જીવનદાન આપવામાં પ્રયત્નશીલ છે. તેઓ કોરોનાને નાબૂદ કરવા માંગે છે. ડોકટરો, અન્ય કર્મચારીઓ રાત દિવસ સેવા આપી રહ્યાં છે. પણ એક વર્ગ જે અધમ, પાપી, માનવદ્રોહી, હૃદયશૂન્ય છે. તે પૈસો કમાવા માટે બનાવટી ઇન્જેકશનો, દવાઓ, ટિકડીઓ બનાવી દસ ગણો ભાવ લઇને બજારમાં વેચે છે.

બનાવટી દૂધ-દહીં, તેલ, મરી, લવીંગ, ચોખા, મલાઇ, ઘી આદિ પ્રજાની જીવન જરૂરિયાતની વસ્તુઓ અશુધ્ધ સામગ્રીથી બનાવી યમદૂત બનીને ભોળી પ્રજાથી વધારે પૈસો લઇને પ્રજાની ઝોળીમાં નાંખે છે. એમના પર દુર્લક્ષ કરનારા શાસકો અપરાધી ખરા કે નહિ? પ્રજા વિચારે છે. ચાર વર્ષની અબુધ, નિર્દોષ બાળા પર બળાત્કાર કરનારો અધમ રેડહેન્ડેડ પકડાઈ જાય છે.

કોઇ નશો કરીને નિર્દોષ રાહગીરને ચૂંથી નાંખે છે, સારી વસ્તીમાં કુટણખાનું ચલાવનારો, પોલીસ ચોકી પાસે દારુ વેચનારો, મંદિરો પાસે જુગાર રમનારાઓ, ગુંડાગીરી અને પૈસાના બળ પર અબળા નારીનો ભોગ લેનારાઓ આ બધા સમાજના શત્રુઓ જ છે ને? એ માનવદ્રોહી જ છે ને? એમના પર કોની કૃપાદ્રષ્ટિ છે? કે આ અધમો આવાં કરતુતો કરી રહ્યા છે, એમને સાથ કોણ આપે છે? આ બધા ગુનેગારોનાં અધમ કરતુતો શું શાસકોને દેખાતાં નથી? સંભળાતા નથી? કે કોઇ યંત્રણા એમને પહોંચાડતી નથી? પ્રજાને ત્રાસ આપનારા આ લોકોની કૃતઘ્નતા માટે કોઇ બોલતું નથી.

હાથ ધુવો, મુખપટ્ટી બાંધો, દૂર અંતર રાખોની જ ટેપ વગાડે છે. આ ચોરોનું શું કરશો? શાસકો તમે સૂત્રધાર છો. તમને ખબર હોવી જોઇએ આ ચાંડાળો કયાં ઘૂસીને વસ્યા છે. એમનો વિનાશ કરો તેની જરૂર છે. માંકણો, મચ્છરો મરશે તો સારી ઊંઘ આવશે. રોજ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ સાથે જીવન જરૂરિયાતની વસ્તુના ભાવો વધે છે એનું સમીકરણ શીખો તો ગરીબના જીવનનો ખ્યાલ આવશે. હજામત કરનારાઓની પણ રોજીરોટી છીનવી લીધી છે. અપરાધીઓને ત્વરિત સજા અપાવો તો મજા આવશે.
બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top