જાણે કેટકેટલા તર્કવિતર્કો. વિચારવા જેવું પણ શું? કેટલું ?
કેવું? વિચારવું પણ તાર્કિક અને બૌદ્ધિક હોવું જોઇએ. તો જ તો એનો અમલ થાય. કેહવાય છે કે પૃથ્વી પરનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી એટલે માણસ,પણ બુદ્ધિમત્તાની હદ કોણ નક્કી કરશે. જૂઠી શાન, બાન, વધારે પડતી મહત્ત્વાકાંક્ષાને લીધે પ્રાણીઓ કરતાં પણ બદતર હાલત આજે માણસની થઇ ગઇ છે.રોજ સવારે ઊઠતાંની સાથે જ કેટલાય જ્ઞાન ગુરુઓના મેસેજ આવી જાય. કેટલાય સુવિચારો આવી જાય. વાંચીને એવું થાય કે આમાંનો એક પણ અમલમા મુકાય તો દુઃખ થોડું ઓછું થઈ જાય. પણ માહોલ જ એવો ભયંકર છે કે કોણ જાણે કેટકેટલા ડરાવના વિચારો મગજને ઘેરી વળે છે?
મગજની વાત આવી તો એવું કહી શકાય કે “મગજ “ને “મગજ” ના હોય. મગજની રચના અને ભૂમિકા એક રોબોટ જેવી જ છે, જેમાં ભગવાને આપણા શરીરને કંટ્રોલ કરવાની ચિપ ફિટ કરી દીધી છે. એ એક કન્ટ્રોલર છે. કંઈક અંશે એમાં જડતા આવી જાય છે. માટે કહેવાય છે કે “મનનું સાંભળો, મગજનું નહિ”. પણ મન આપણું ચંચળ છે, ગમે ત્યાં પહોંચી જાય છે. જો શાંતિથી વિચારીએ તો બધા પ્રશ્નનો ઉકેલ મળે પણ એના માટે આપણા વિચારો કાર્યશીલ અને પ્રયત્નશીલ હોવા જોઈએ.
ક્યારેક આપણે વિચાર્યું છે કે, જ્યારે આપણી ઉપર દુઃખ આવી જાય ત્યારે કેટકેટલી બાધાઓ, મંદિર મસ્જિદ, ચર્ચ…. કેટકેટલી જગ્યાએ દોડી જઈએ છીએ. ભગવાનને બંધનમાં નાખી દઈએ છીએ. બાધાઓ લઈએ છીએ.પણ જો કોઈક વાર ભગવાન બાધા લઈ લેશે તો શું?…. માણસ નહિ સુધરે ત્યાં સુધી હવા, પાણી, તડકો કશું જ નહીં આપું તો ?… આવું તો કેટલુંય વિચારવા જેવું છે. મૂર્તિકાર મૂર્તિ બનાવવાની કિંમત લે છે, ભગવાને આપણને બનાવવાની કિંમત લીધી છે? આપણને તક મળી છે. શાંતિથી બેસી મનોમંથન કરો. કેટલુંય વિષ આપોઆપ જ બહાર આવી જશે. જેટલા વિચારો સકારાત્મક એટલું પરિણામ સારું. હકારાત્મક વિચારવાથી મન તંદુરસ્ત બને છે.
એટલે જ તો કેહવાય છે કે જેનું “ “મન નિરોગી, તેનું તન નિરોગી”. પણ લોભ- લાલચ અને વધારે પડતી મહત્ત્વાકાંક્ષાઓનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. કપરી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવા કરતાં સહાયક બનવું સારું પરિણામ લાવે છે. પણ મનુષ્ય એટલો સ્વાર્થી હોય છે કે ભગવાને પણ સ્વાર્થી બનવું પડે છે. એમને આપણને બધી જ સુખસમૃદ્ધિ આપી પણ શાંતિ એમના પગ નીચે દબાવી રાખી. કેમકે શાંતિ માટે તો માણસે ભગવાનના શરણમાં જવું જ પડશે અને શાંતિ એને જ મળે, જે પરમ સંતોષી હોય, પણ એવા કેટલા? કેટલા લોકો સ્વભાવના દુઃખી હોય તો કેટલાં લોકો અભાવના દુઃખી હોય, હવે આપણે નક્કી કરવાનું કે આપણને શેનું દુઃખ છે?….Think positive be positive
સુરત -રીના. ડી. યાજ્ઞિક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે