ફેશન ડીઝાઇન કોલેજની પરીક્ષાઓ પૂરી થઈ હતી. પરીક્ષા બાદ વેકેશનમાં બે સહેલીઓ નીના અને શીના બેસીને ભવિષ્યનાં સપનાંની વાતો નીનાના ઘરે કરી રહી હતી કે બસ હવે ભણવાનું પૂરું થયું. લીધું છે તો સાથે મળીને બુટીક ખોલીશું.દિન રાત કામ કરીને નામ અને પૈસા બંને કમાઈશું.તેમની વાતો સાંભળી નીનાની મમ્મી બોલી, ‘અરે બુટીક ખોલવું કંઈ સહેલું થોડું છે કેટલા બધા પૈસા જોઇશે, કેટલી તૈયારીઓ કરવી પડશે અને કંઈ કેટલું શીખવું પડશે…તેનું ભાન છે હજી તમે બુટીક ખોલવા રેડી નથી.’આ સાંભળી બંને છોકરીઓ ચૂપ થઈ ગઈ.
શીનાએ કહ્યું, ‘બરાબર છે, સાચી વાત છે. આન્ટીની થોડા વખતમાં આપણને ડીગ્રી મળશે પણ કોઈ અનુભવ નથી આપણી પાસે.અનુભવ મેળવવા કામ કરવું પડશે.થોડો અનુભવ મેળવ્યા બાદ, થોડા પૈસા ભેગા કર્યા બાદ આપણે બુટીક ખોલવા માટે રેડી થઈ શકીશું.’ દાદા કયારના નીના અને શીનાનાં સપનાંની વાતો સાંભળીને રાજી થતાં હતા.તેમને મમ્મીએ બન્નેની હિંમત પહેલે ઝાટકે જ તોડી નાખી તે ન ગમ્યું.તેઓ બોલ્યા, ‘અહીં આવો છોકરીઓ…મારી એક વાત સાંભળો. કોઈ વસ્તુ કરવાની કે કોઈ કામ કરવાની પૂરી તૈયારી કરી રેડી થવાની રાહ જોશો તો ક્યારેય કોઈ કામ કરી જ નહિ શકો.’ નીનાએ કહ્યું, ‘દાદા એટલે તમે શું કહેવા માંગો છો?’
દાદા બોલ્યા, ‘મારી ઉત્સાહથી ઉભરાતી યંગ ગર્લ્સ મારા અનુભવની વાત તમારી અંગ્રેજીમાં કહું તો “યુ વિલ નેવર બી રેડી,જસ્ટ સ્ટાર્ટ”…મારો વર્ષોનો અનુભવ કહે છે કે આપણે જો એમ વિચારીએ કે કોઈ કામની શરૂઆત કરવા પહેલાં તેને માટે પૂરે પૂરા સજ્જ થઇ જઈએ. બધી તૈયારી કરી લઈએ. પૂરેપૂરા રેડી થઈએ પછી કામ શરૂ કરીએ તો તે કામ આપણે ક્યારેય શરૂ નહિ કરી શકીએ.એટલે હું તમને કહું છું રેડી થવાની રાહ ન જુઓ, બસ સ્ટાર્ટ કરી નાખો.નીના બોલી, ‘દાદા એટલે શું કરીએ?’મમ્મી બોલી, ‘તમે આ છોકરીઓને શું સમજાવો છો?’
દાદાએ કહ્યું, ‘હું કહું છું કે જે કામ કરવું છે તે બસ શરૂ કરો.ધીમે ધીમે આગળ વધો …કામ તમને કામ શીખવશે અને આપોઆપ તમે રેડી થતાં જશો.કામ માટે રેડી થવાની રાહ જોતાં રહેશો તો કયારેય કોઈ કામ કરી નહિ શકો અને રોકવાવાળા અને ડરાવવાવાળા તો રોજ મળશે પણ સતત મહેનત કરવા તૈયાર હો તો ડરવાની જરૂર નથી.હું તો તમને કહું છું જો તમારે બુટીક ખોલવું છે તો રીઝલ્ટ સુધી પણ રાહ જોવાની જરૂર નથી. આજથી જ પહેલાં એક ડ્રેસનો ઓર્ડર મેળવી કામ શરૂ કરો.જસ્ટ સ્ટાર્ટ.’દાદાએ ઉત્સાહ આપ્યો અને દાદી માટે એક ડ્રેસનો ઓર્ડર પણ અને નીના અને શીનાએ કામ શરૂ કરી દીધું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
