Business

જરા આ લોકો તરફ તો જુઓ

શિયાળો દાન કરી સેવા કરવાની ઋતુ છે. ઠંડી આવે એટલે ધનવાનો સ્વેટર, શાલ, જૂનાં કાઢી નવાં લેશે અને ખરીદે પણ એમાં વાંધો નથી પણ આપણે લોકો ઠંડીમાં ધ્રૂજતાં ગરીબો, ભિખારીઓની સામે નજર પણ કરીએ છીએ. આ પ્રશ્ન આપણે આપણને જ પૂછવાનો છે,  જો ‘હા’ માં જવાબ આવે તો જાણવું આપણામાં સંવેદના ટકી રહી છે. શિયાળામાં ઘણાં લોકો ગરમ કપડાનું દાન કરે છે, ઘણાં ઝૂંપડપટ્ટીમાં જઈને ગરીબોને ચા પણ પીવડાવે છે. આપણે પણ આ પ્રમાણે કરી શકીએ તો સમાજસેવા જ ગણાશે. શિયાળામાં લોકો મેથીના લાડુ, સાલમપાક, અડદિયું વગેરે વસ્તુઓ ખાય છે. આખા વર્ષમાં તાજગી આવે, પણ જેને સાચા અર્થમાં શ્રમ કરવાનો છે તેવાં મજૂરોને, કામવાળાને આપણે સુખડી અને શીરો ખવડાવી શકીએ.

સત્યનારાયણ દેવની કથાનો શીરો શ્રમ કરનારાઓને ધરીએ તો ભગવાન વધારે ખુશ થશે. ક્યારેક ગણેશ ભગવાનને ખુશ કરવા લાડુ પણ ફૂટપાથ પર બેઠેલાં લોકોને આપી શકાય. જૂનાં કપડાં, ચાદર, ચારસા પણ એ લોકોને ઓઢાડવામાં આવે તો એમને ઠંડીથી જરૂર રક્ષણ આપેલું કહેવાય. ઉપરાંત ઘણાં મધ્યમ વર્ગનાં લોકો બિમારીમાં મોંઘી દવા નથી ખરીદી શકતાં તો એવાં લોકોને શોધી દવાના પૈસાનું ગુપ્ત દાન કરીશું તો મોટું પુણ્ય થશે. ઘણી સંસ્થાઓ શિયાળામાં આ પ્રકારનું પુણ્ય કરતી હોય છે. આપણે પણ આપણા નાના નાના ગ્રૂપ બનાવી શિયાળાની ઠંડીમાં રક્ષણ આપતી વસ્તુઓ વહેંચવી જરૂરી છે. આ લોકો તરફ આપણે જરૂર જોવું જોઇએ.
સુરત     – રેખા ન. પટેલ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top