આજકાલનો જમાનો એટલે દેખાવો કરનારાની ભરમાર. ક્યારેક કોઈ દેખાવડાં જણાય અને તેનો ઠાઠમાઠનું દ્રશ્ય, પ્રદર્શન જોવા મળે તો તે દર્શનની પ્રક્રિયા આપણા નજરની પહોંચ માત્ર છે. એ દેખાવ જૂઠો પણ હોય. થોડા દિવસ પહેલાં મારે એક પ્રસંગે જવાનું થયેલું. ચોમેર ફૂલો જ ફૂલો. પુષ્પોની સુગંધથી મન મઘમઘી ઊઠેલું. પણ તે નકલી ફૂલો છે એમ જાણવા માટે તેનો સ્પર્શ કરવો પડે. સુગંધ વિનાનાં ફૂલો એટલાં દેખાવડાં કે પ્રેમમાં પડી જવાય! બનાવટી હોવા છતાં સૌને આકર્ષિત કરે.
આજ તો માણસો પણ બનાવટી! અસલ જેવું જ પણ નકલીની ભરમાર! નકલી પોલીસ, નકલી સરકારી અધિકારી અને નકલીની યાદી બનાવીએ તો પાનાં ઘટી જાય એવી સ્થિતિમાં હવે નકલી કોર્ટ અને નકલી જજ! આબેહૂબ અસલી કોર્ટમાં જે કાર્યવાહી કરવામાં આવે તે અહીં થાય અને નિર્ણય પણ આપવામાં આવે! બોલો, આપણું શું થશે? છેલ્લા થોડા દિવસોમાં ફુડ અને સેફટી અઠવાડિયામાં ફુડ વિભાગની રેડમાં જથ્થાબંધ ઘી, તેલ, પનીર અને અખાદ્ય ખોરાક ઝડપાયાના સમાચાર છે, હવે આગળ શું? મોટો પ્રશ્ન છે.
બનાવટી, નકલી હોય એ આબેહૂબ અસલીની નકલ હોવાથી કોઈને જાણ થતી નથી અને તે આકર્ષક હોઈ સૌને ગમી જતાં ભોગવવાની ઘડી આવીને ઊભી રહે છે. પ્રશ્ન એ છે કે એમાં યેનકેન પ્રકારે ભોગ બનેલ નિર્દોષ, સામાન્ય જનતાનો કોઈ વાંક-ગુનો? છેલ્લે અદના આદમીને જ સહન કરવાનો વારો આવે છે. બનાવટ કરનાર સામે કાયદાકીય સજાની જોગવાઈ એવી હોવી જોઈએ કે સૌને પદાર્થપાઠ મળે. બનાવટી માણસોની વચ્ચે ચેતીને ચાલવામાં સૌની ભલાઈ છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.