એક વૃદ્ધ માણસ નદી કિનારે બેઠો હતો અને વહેતા નદીનાં પાણીને બસ, જોઈ રહ્યો હતો. વૃદ્ધ માણસ પાસે એક યુવાન છોકરો આવ્યો. તે છોકરાએ પૂછ્યું કે, ‘વૃદ્ધ દાદા, તમારી પાસે જીવનનો અનુભવ ઘણો છે તો મારે તમને એક સવાલ પૂછવો છે કે આપણા જીવનનું રહસ્ય શું છે?’ વૃદ્ધ માણસ હસ્યા અને તેમણે જવાબ આપ્યો કે, ‘મેં આખું જીવન જીવનનું રહસ્ય શોધવામાં જ વિતાવ્યું છે પણ જેટલું હું શીખતો ગયો એટલું મને સમજાતું ગયું કે આપણું જીવન તો આ વહેતી નદી જેવું છે.’ છોકરાને કંઈ ખબર ન પડી. તે મૂંઝાયો.
વૃદ્ધ માણસે આગળ બોલવાનું ચાલુ રાખ્યું કે , ‘આ જો સામે વહેતી નદીને …આ નદી વહેતી રહે છે, ક્યારેય અટકતી નથી, ક્યારેય પાછું વળીને જોતી નથી. બસ, આગળ ને આગળ વધતી રહે છે. રસ્તામાં જે પથ્થરો, પડકારો, વળાંકો, ઊંચનીચ પથરાળ જમીન જે આવે છે તે બધું જ સ્વીકારીને તે પોતાની સફર આગળ વધારતી રહે છે. છોકરાએ થોડી વાર વિચાર્યું અને પછી પૂછ્યું, ‘તો શું જીવનનું રહસ્ય એ છે કે બસ આગળ અને આગળ વધતાં રહો.’વૃદ્ધ માણસે ડોકું ધુણાવતાં હા પાડી અને કહ્યું, ‘આ એક ભાગ છે પણ જીવનમાં આગળ વધતાં રહેવું અને આગળ વધતાં વધતાં જે સફર આપણી હોય તેમાં જે પણ ઊંચનીચ આવે, જે પડકારો આવે, જે અવરોધો આવે તે બધાને સ્વીકારતાં રહેવું. આ નદી જે આવે છે તેની પર પોતાનું આધિપત્ય જમાવતી નથી.
પોતાના રસ્તામાં જે આવે તે સ્વીકારી આગળ ને આગળ વહેતી રહે છે. વહેતી રહે છે અને એટલે તેની સફરમાં એક અલગ જ પ્રકારના વળાંકો આવે છે. તેના કિનારાની આજુબાજુ સુંદર મેદાનો આપોઆપ રચાય છે. યુવાન છોકરો હસ્યો અને બોલ્યો, ‘એટલે દાદા, તમારા મત પ્રમાણે જીવનનું રહસ્ય એ છે કે બસ સમય સાથે વહેતાં રહો. જસ્ટ ફ્લો એટલે કે બસ વહેતાં રહો.’વૃદ્ધ માણસ હસ્યા અને દાદાએ કહ્યું, ‘હવે બરાબર સમજી ગયો છે તું, બસ જીવનમાં જે આવે, આગળ વધતાં રહો… વહેતાં રહો… કોઈ વસ્તુને બદલવાની કે અંકુશમાં રાખવાની કોશિશ ન કરો. કોઈ વસ્તુ તમારી રીતે જ થાય તેમ કરવાની પણ કોશિશ ન કરો. જે જેમ થાય તેમ સ્વીકારો અને આગળ વધતાં રહો.’દાદાએ પોતાના અનુભવમાંથી સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
