Columns

કેવળ એક ગાંઠ

એક દિવસ નિશા અને તેની નાની બહેન નીના બન્ને સાથે પિયર આવી હતી અને કૈંક વાતમાંથી વાત થતાં તેમની વચ્ચે ઝઘડો થયો.વાત બહુ મોટી ન હતી. નાનકડી નીનાએ નિશાને મજાકમાં કૈંક કહી દીધું અને તે વાતનું નિશાને ખોટું લાગ્યું.શું કહ્યું, કેમ કહ્યું તે મહત્ત્વનું નથી અહીં …કારણ તે તો બે બહેનો વચ્ચેની વાત હતી.પણ જે થયું તે વાત નિશાએ મનમાં લગાવી અને એક તે વાતની ગાંઠ બાંધી કે હવે નાનકડી બહેન નીના, ભલે બહેન હોય, તેને ક્યારેય માફ નહિ કરું.તેની સાથે ક્યારેય વાત નહિ કરું અને આ વાત ગાંઠ લઈને તે પોતાના ઘરે જતી રહી.

નિશાએ પતિ નીમેશને બધી વાત કરી અને કહ્યું, ‘હવે હું નીના સાથે ક્યારેય વાત નહિ કરું.’ અને તે રડવા લાગી.નિમેશે તેને થોડી વાર રડવા દીધી, પછી પાણી આપીને કહ્યું, ‘લે પાણી પી.હવે તેં રડી લીધું ને બધો ભાર મન પરથી કાઢી નાખ.નીના તો નાની છે. મજાક કરતી હશે. આટલું બધું મનમાં ન લેવાય.ચલ, અત્યારે તારો મૂડ સારો કર.રવિવારે આપણે તારા ઘરે બધાને મળવા જઈશું.’ નિશા બોલી, ‘ નીના ત્યાં હશે તો મારે નથી આવવું.’ નિમેશ કંઈ બોલ્યો નહિ, ધીમું હસીને બહાર ગયો.નિશા આંસુ લૂછતાં બોલી, ‘હવે હું નીના સાથે ક્યારેય વાત નહિ કરું.’

નિમેશે નીનાને ફોન કર્યો અને નીનાએ રડતાં રડતાં કહ્યું, ‘જીજાજી, હું તો મજાક કરતી હતી અને દીદી, એકદમ ગુસ્સે થઇ ગઈ.’ નિમેશે તેના સાસુ સસરાને ફોન કર્યો, સાસુએ કહ્યું, ‘બન્ને બહેનો વાતો કરતી હતી અને અચાનક ઝઘડો થયો.નીનાએ માફી પણ માંગી, પણ નિશા બહુ ગુસ્સે થઈને અહીંથી નીકળી ગઈ.’ નિમેશને બધી વાત સમજાઈ ગઈ કે નાની વાતને પોતાની પત્ની નિશાએ પોતાની જીદમાં મોટું સ્વરૂપ આપી દીધું છે અને જો તે આ જીદ નહિ છોડે તો સંબંધો વણસી જતાં વાર નહિ લાગે. નિમેશ ઘરે ગયો અને નિશાની જીદ કઈ રીતે છોડાવવી તે વિચારવા લાગ્યો.તેને એક ઉપાય સૂઝ્યો. તેણે ઘરે એક પૂજા રાખી.નિશાએ કહી દીધું, નીના સિવાય બધાને આમંત્રણ આપીશું.પૂજાની તૈયારીઓ ચાલતી હતી.નિમેશ દરવાજા પર ગલગોટા અને આસોપાલવના પાનનું તોરણ લગાડી રહ્યો હતો અને તે તેનાથી ગૂંચવાઈ ગયું.તેણે નિશાને બૂમ પાડી અને આ ગૂંચ ખોલવામાં મદદ કરવા કહ્યું.ઘણી મથામણ કરવા છતાં ગૂંચ ઉકલી નહિ.નિમેશે કહ્યું, ‘જવા દે, બીજું તોરણ લગાડી દે.’ નિશા બોલી, ‘અરે એક મિનિટ આ એક ગાંઠ ખુલી જશે તો આખું તોરણ બરાબર ખુલશે.’ નિશાએ કાળજીથી તે ગાંઠ ખોલી અને તોરણ બરાબર કરી નીમેશને આપ્યું.દરવાજા પર તોરણ લગાડતા નિમેશ બોલ્યો, ‘કમાલ છે એક ગાંઠની…જેવી તે ખૂલે બધું બરાબર થઇ જાય. કાશ, તારી જીદની ગાંઠ ખૂલી જાય તો સંબંધમાં મીઠાશ ફરી પાછી આવી જાય.’ નિશા આ વાક્ય સાંભળીને અટકી ગઈ. તેના મનની ગાંઠ એક જ ઝટકા સાથે ખૂલી ગઈ.તેણે તરત જ નીનાને ફોન કરી ઘરે બોલાવી અને માફી માંગી ભેટી પડી.નિમેશે તેના મનની જીદની ગાંઠ ખોલી નાખી. જો જો, તમારા મનમાં પણ કોઈ જીદની ગાંઠ હોય તો ખોલી નાખજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top