Gujarat

રવિવારે લેવાનાર જૂનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા વહીવટી તંત્ર સજ્જ

અમદાવાદ: આગામી નવ એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા (Jr. Clerk Exam) યોજાનાર છે. જે અન્વયે અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન થાય એ માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં પરીક્ષા સાથે સંબંધિત તમામ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદ કલેક્ટરએ પરીક્ષા માટેની તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવીને સંબંધિત તમામ અધિકારીઓને કોઈ પણ બાબતની અવ્યવસ્થા ન સર્જાય કે અનિચ્છનીય ઘટના ન બને એ માટે સૂચના આપી હતી.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ પરીક્ષા આપનાર એક પણ ઉમેદવારને ચેકિંગ કર્યા વિના પરીક્ષા કેન્દ્રમાં જવા દેવામાં ન આવે, એવી સૂચના આપવા સાથે મહિલા ઉમેદવારોનું મહિલા પોલીસકર્મીઓ દ્વારા ગરિમાપૂર્ણ રીતે ચેકિંગ કરવાની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી પોઇન્ટ, સીસીટીવી કેમેરા, ફ્લાઇંગ સ્ક્વોડ, વિડિયોગ્રાફી, આરોગ્ય-સારવારની સુવિધા, પરીક્ષા કેન્દ્રનું સંચાલન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરીને સૌને વિશેષ જાગૃત રહેવા જણાવ્યું હતું. કલેક્ટરે પરીક્ષા માટેની એસઓપીનું કડક પાલન કરવા માટે સૌને તાકીદ કરી હતી. જૂનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં કુલ 494 પરીક્ષા કેન્દ્રો પર કુલ 4833 બ્લોકમાં કુલ 1,44,990 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પ્રવેશતાં પહેલાં ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી દ્વારા પણ દેખરેખર રાખવામાં આવશે. આ રીતે જિલ્લા વહીવટી તંત્ર પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન કરવા સુસજ્જ છે. પરીક્ષા બાબતે સમસ્યા કે મુશ્કેલી માટે ઉમેદવાદોની મદદ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉમેદવાર ફોન નં. 079-25508141 પર કૉલ કરીને જરૂરી મદદ અને માર્ગદર્શન મેળવી શકશે.

Most Popular

To Top