જૂનાગઢ: (Junagadh) યુવાનોમાં વધતા હાર્ટ એટેકના (Heart Attack) કિસ્સા બાદ હવે કિશોરોમાં પણ હૃદયરોગના કિસ્સા વધી રહ્યાં છે. ગુજરાતમાં લગભગ એક જ અઠવાડિયામાં 3 કિશોર વયના લોકો મોતને ભેટ્યા છે. રાજકોટમાં (Rajkot) ધોરણ-10નાં વિદ્યાર્થીનું (Student) હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર બાદ સોમવારે વધુ એક કિશોરનું મોત થયું છે. જૂનાગઢના ચોરવાડ પાસે 17 વર્ષીય કિશોરનું કાર્ડિયેક એરેસ્ટને કારણે મોત નીપજ્યું હતું. ચોરવાડ ગામ પાસે આવેલી નાળિયેરની વાડીમાં આ કિશોર સવારના સમયે કામ કરી રહ્યો હતો. નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો ત્યારે તે બેભાન થઈ ગયો હતો. ટૂંકી સારવાર દરમિયાન જિજ્ઞેશનું મોત નીપજ્યું હતું.
જૂનાગઢના ચોરવાડ ગામમાં રહેતો જિજ્ઞેશ વાજા ચોરવાડ હોલીડે કેમ્પ નજીક આવેલી નાળિયેરની વાડીમાં કામ કરતો હતો. સોમવારે સવારે તે નાળિયેર ઉતારી રહ્યો હતો. નાળિયેર ઉતાર્યા બાદ તે નાળિયેર ઉંચકીને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. આસપાસના લોકોએ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાનમાં ન આવતા જિજ્ઞેશને ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેનું મોત નીપજ્યું હતું. ચોરવાડ સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે જિજ્ઞેશનું મોત કાર્ડિયેક એરેસ્ટને કારણે થયું હતું.
આ પહેલાં સોમવારે સવારે રાજકોટમાં એક કિશોરનું મોત થયું હતું. રાજકોટ ખાતે આવેલી SVGP ગુરુકૂળમાં આજ રોજ ગુરૂપુર્ણિમા નિમિત્તે કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન દેવાંશ ભાયાણી નામનો વિદ્યાર્થી જે ધો.10 માં અભ્યાસ કરતો હતો તે ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્ટેજ પર સ્પીચ આપી રહ્યો હતો. દેવાંશ સ્પીચ આપતા આપતા અચાનક જ સ્ટેજ પર બેભાન થઈ ગયો હતો. દેવાંશ સ્ટેજ પર બેભાન થતા આજુબાજુના લોકો તથા તેના શિક્ષકો દોડીને તેની પાસે આવ્યા હતા. જે પછી તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં નવસારીના પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી તનિષા ગાંધીનું મોત થયું હતું. શાળામાં જ રિસેસ દરમિયાન સીડી ચડતા સમયે તે ઢળી પડી હતી. તનિષાનું મોત હાર્ટ-એટેકને કારણે થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.