Gujarat

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગી

જૂનાગઢ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ધારાસભ્ય સંજય કોરડીયાને એક અજાણ્યા વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને સાથે 30 લાખ રૂપિયા ખંડણી તરીકે આંગડીયામાં મોકલવા કહ્યું છે. હાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ થઈ છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારવાની ધમકી આપી 30 લાખ રૂપિયા ખંડણીની માંગ કરાઈ છે. જેને લઈ સંજય કોરડીયાએ ફરિયાદ નોંધાવી છે કે તેમને એક અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકીનો મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનારનું નામ રોનક ઠાકુર હોવાનું સામે આવ્યું છે. ધમકી ભરેલા આ મેસેજમાં લખાયું હતું કે જો 30 લાખ રૂપિયા આંગડીયામાં અમદાવાદ મોકલાશે નહીં તો તને જાનથી મારી નાખીશું.

ધારાસભ્યએ જણાવ્યું કે આ મેસેજ વોટ્સએપ પર આવ્યો હતો અને તેમાં અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંગડીયામાં રૂપિયા મોકલવા માટે સ્પષ્ટ રીતે દબાણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યે આ ધમકી બાદ તરત જ પોલીસને જાણ કરી અને સત્તાવાર ફરિયાદ નોંધાવી.

પોલીસે ફરિયાદના આધારે રોનક ઠાકુર સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે જાણવા મળ્યું છે કે આ મેસેજ કોઈ વ્યક્તિગત અદાવત કે કોઈના કહેવા પર મોકલાયો હોઈ શકે છે. હાલ પોલીસ તપાસના તમામ પાસાઓ પર કામ કરી રહી છે.

ધારાસભ્ય સંજય કોરડીયાએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કોઈપણ રકમ આંગડીયામાં મોકલી નથી અને મેસેજ મળ્યા બાદ તરત કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જોકે હજી સુધી આરોપી રોનક ઠાકુર પોલીસને મળ્યો નથી. પરંતુ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની શોધખોળ ચાલુ છે. આ મામલામાં ધમકી અને ખંડણીના ગંભીર ગુનાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના બાદ જૂનાગઢમાં રાજકીય વર્તુળોમાં ચિંતા ફેલાઈ છે. ધારાસભ્યને સુરક્ષા આપવા માટે પણ પોલીસ વિભાગે તૈયારી હાથ ધરી છે.

Most Popular

To Top