Columns

જુલિયન અસાંજે મહાસત્તાઓની દાદાગીરી સામે બંડ પોકાર્યું હતું

દુનિયામાં કેટલાંક ઉલટી ખોપડીનાં લોકો એટલા ટેલન્ટેડ હોય છે કે તેઓ ચમરબંધીઓની પણ પરવા કર્યા વિના પોતાનું ધાર્યું કરતાં હોય છે. જુલિયન અસાંજે નામના ફળદ્રુપ ભેજું ધરાવતા ઇસમે બ્રિટન અને અમેરિકા જેવા દેશોની કોમ્યુનિકેશન સિસ્ટમમાં ગાબડાં પાડીને ત્યાંની સરકારો દ્વારા ફેલાવવામાં આવતાં જૂઠાણાંઓનો ભાંડો ફોડ્યો હતો, જેને કારણે તે દેશોની સરકારો પણ હચમચી ગઈ હતી. મોટી મોટી કંપનીઓ દ્વારા જે માહિતી કરોડો ડોલર લઈને આપવામાં આવતી હતી તે જુલિયન અસાંજે વિકિલિક્સ નામની પોતાની વેબસાઇટ ઉપર મફતમાં મૂકતા હતા. જુલિયન અસાંજેને તેમના આ ગુના બદલ જેલમાં નાખવામાં આવ્યા હતા.

હવે જુલિયન અસાંજે પાંચ વર્ષ બાદ બ્રિટિશ જેલમાંથી મુક્ત થયા છે. અમેરિકી સરકાર અને જુલિયન અસાંજે વચ્ચે એક સમજૂતી થઈ છે, જે અંતર્ગત અસાંજેને અમેરિકી કોર્ટમાં જાસૂસી કેસમાં દોષિત ઠરાવાશે. અસાંજે બુધવારે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત નોર્ધન મારિયાના ટાપુઓની કોર્ટમાં હાજર થશે. અમેરિકાના પ્રોસિક્યુટરો શરૂઆતમાં અસાંજે સામે ૧૮ મુદ્દા પર ખટલો માંડવા ઇચ્છતા હતા. આમાંના મોટા ભાગના આરોપો ઈરાક અને અફઘાનિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલા દસ્તાવેજો લીક કરવાના હતા.

અસાંજે આ આરોપોને એમ કહીને ફગાવી દીધા હતા કે તે હેવાલો તેમના પત્રકારત્વનો ભાગ છે. બુધવારે તેમના બચાવમાં તે માત્ર એક જ આરોપનો જવાબ આપશે. અમેરિકાના ન્યાય વિભાગના વકીલોએ અસાંજેની કબૂલાત બાદ ૬૨ મહિનાની જેલની સજાનું સૂચન કર્યું છે. જો આમ થશે તો જુલિયન અસાંજે અમેરિકન જેલમાં નહીં જાય, કારણ કે તે બ્રિટિશ જેલમાં આટલો સમય વિતાવી ચૂક્યા છે. અસાંજેના વકીલોએ કહ્યું છે કે જો તે અગાઉ લગાવવામાં આવેલા ૧૮ આરોપોમાં દોષિત સાબિત થયા હોત તો તેમને ૧૭૫ વર્ષની જેલની સજા થઈ શકતી હતી.

અમેરિકામાં ફરિયાદ પક્ષે કહ્યું હતું કે હવે સજા માત્ર ચારથી છ વર્ષની હશે. હવે તમામની નજર નોર્ધર્ન મારિયાના આઇલેન્ડની કોર્ટમાં થનારી સુનાવણી પર છે. અસાંજેની જે સંયોગોમાં ધરપકડ કરવામાં આવી હતી તેની પાછળ લાંબી કહાણી છૂપાયેલી છે. વિકિલીક્સ દ્વારા અમેરિકન દસ્તાવેજોને સાર્વજનિક કરીને વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા જુલિયન અસાંજે એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. વિશ્વભરમાં તેમનાં લાખો ચાહકો છે અને વિશ્વના ઘણા દેશો તેમને તેમના માર્ગમાં અવરોધ માને છે. જુલિયનના સાથીદારો તેને કોમ્પ્યુટર-કોડિંગ માસ્ટર કહે છે જેણે પોતાની બુદ્ધિમત્તા અને સમર્પણથી આ પદ હાંસલ કર્યું છે.

અસાંજેના ટીકાકારો કહે છે કે તે પ્રસિદ્ધિના ભૂખ્યા છે અને ચાહકો તેમને સત્યનો સૈનિક માને છે. જુલિયન અસાંજેનો જન્મ ૧૯૭૧માં ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તેમનાં માતા-પિતા થિયેટર સાથે સંકળાયેલાં હતાં, તેથી તેમનું બાળપણ વિવિધ સ્થળોએ અલગ-અલગ વાતાવરણમાં વિત્યું હતું. તેઓ ૧૮ વર્ષની ઉંમરે પિતા બન્યા હતા અને પત્નીથી અલગ થયા બાદ તેમણે બાળકની કાનૂની કસ્ટડી માટે લાંબી લડાઈ લડી હતી. ઈન્ટરનેટના વિકાસે તેમને તેમની ગાણિતિક કૌશલ્ય ચકાસવા પ્રેરણા આપી.

૧૯૯૬ માં તે કોમ્પ્યુટરને હેક કરવાનો પ્રયાસ કરતી વખતે પકડાયા હતા, પરંતુ તેમણે કોમ્પ્યુટર ક્ષેત્રે સંશોધન ચાલુ રાખ્યું હતું. અસાંજે ૨૦૦૬માં વિકિલીક્સની શરૂઆત કરી હતી જ્યારે તેમની સાથે કેટલાક અન્ય કોમ્પ્યુટર કોડિંગ નિષ્ણાતો જોડાયા હતા. તેમનો ઉદ્દેશ એવી વેબસાઈટ બનાવવાનો હતો જે કોમ્પ્યુટર હેક કરીને મળી આવેલા દસ્તાવેજોને બહાર પાડશે. અસાંજે કહ્યું હતું કે અમારા સ્રોતોને સુરક્ષિત રાખવા માટે અમારે અલગ અલગ દેશો સાથે કામ કરવું પડ્યું.

અમે અમારાં સંસાધનો અને ટીમોને પણ અલગ અલગ સ્થળોએ ખસેડ્યાં, જેથી અમે કાયદેસર રીતે સુરક્ષિત રહી શકીએ. હવે અમે આ બધું કરતાં શીખ્યાં છીએ. આજ સુધી અમે ન તો કોઈ કેસ ગુમાવ્યો છે કે ન તો અમારા કોઈ સ્રોત ગુમાવ્યા છે. ૨૦૦૧ માં બળાત્કારના આરોપો અને અમેરિકાના ગુપ્તચર દસ્તાવેજોના ખુલાસાએ અસાંજેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. જુલિયન અસાંજે ૨૦૦૬માં વિકિલીક્સની સ્થાપના કરી હતી. તેમનો હેતુ ગોપનીય દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ પ્રકાશિત કરવાનો હતો.

વિકિલીક્સે ચાર વર્ષ પછી એક ફૂટેજ બહાર પાડ્યું જેમાં અમેરિકન સૈનિકો ઈરાકમાં હેલિકોપ્ટરમાંથી નાગરિકોને મારી રહ્યા હતા. આ વિડિયો સામે આવ્યા બાદ તેમને સહયોગ કરી રહેલી અમેરિકન વિશ્લેષક ચેલ્સી મેનિંગની ૨૦૧૦માં અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. મેનિંગ પર ગુપ્તતા વિરોધી વેબસાઇટ સાથે મળીને સાત લાખ ગોપનીય દસ્તાવેજો, વિડિયો અને રાજદ્વારી કેબલનો પર્દાફાશ કરવાનો આરોપ હતો.

અસાંજે સામે આરોપ છે કે તેમણે મેનિંગ સાથે કાવતરું કર્યું હતું. તેમણે અમેરિકાની એજન્સીઓમાંથી ચાર ડેટાબેઝ ડાઉનલોડ કર્યા હતા અને વિકિલીક્સને આપ્યા હતા. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેને અમેરિકાના ઇતિહાસમાં વર્ગીકૃત માહિતીનો સૌથી મોટો ભંગ ગણાવ્યો હતો. જુલિયન અસાંજે કેસના ઉકેલ માટે અમેરિકાના બિડેન વહીવટીતંત્ર પર લાંબા સમયથી દબાણ હતું. એપ્રિલ મહિનામાં જ રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે તેમના નજીકના સાથી ઓસ્ટ્રેલિયાએ જુલિયન અસાંજેના પ્રત્યાર્પણ કેસ અને કાયદાકીય મુદ્દાઓને સમાપ્ત કરવા વિનંતી કરી છે.

આ ઘટનાથી સંપૂર્ણપણે અલગ રીતે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ત્રણ વર્ષ પહેલાં પ્રત્યાર્પણનો કેસ ચલાવવાનો નિર્ણય લીધો હતો. ૨૦૧૯ માં જ્યારે ઇક્વાડોર એમ્બેસી છોડ્યા પછી જુલિયન અસાંજેની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી ત્યારે હિલેરી ક્લિન્ટન સહિત ઘણા ડેમોક્રેટ નેતાઓએ કહ્યું હતું કે અસાંજે જે કર્યું છે તેનો જવાબ આપવો પડશે. જુલિયન અસાંજે પર ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને અન્ય ઘણા નેતાઓએ રશિયા સાથે ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છેડછાડ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો, પરંતુ ડેમોક્રેટિક પાર્ટીના ઘણા પ્રગતિશીલ નેતાઓએ તેને અલગ દૃષ્ટિકોણથી જોયું હતું. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયન નાગરિક પર કાર્યવાહી કરવી એ વાણીની સ્વતંત્રતાના ઉલ્લંઘન સમાન છે, જેનો અસાંજે પત્રકાર તરીકે હકદાર છે. હવે આ મામલામાં અમેરિકાનું આ પગલું તેના પ્રારંભિક વલણથી તદ્દન વિપરીત જણાય છે.

જુલિયન અસાંજેના ખટલા માટે અનોખો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. તેમના માટે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ઉત્તરીય મારિયાના ટાપુઓની એક અદાલત સુનાવણી માટે પસંદ કરવામાં આવી છે. ઉત્તરીય મારિયાના ટાપુઓ અમેરિકાનો જ ભાગ છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના પત્રમાં લખવામાં આવ્યું છે કે જુલિયન અસાંજે દ્વારા કરવામાં આવેલા કરાર મુજબ તેઓ અમેરિકા આવવા માટે તૈયાર નથી. તેઓ પોતાની મરજીથી અમેરિકા નહીં જાય, કારણ કે તેમને અમેરિકન સરકાર પર બિલકુલ વિશ્વાસ નથી. તેમણે અમેરિકન અધિકારીઓ પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ પણ મૂક્યો છે. આ સિવાય આ ટાપુઓ  ઓસ્ટ્રેલિયાની પણ નજીક છે. આવી સ્થિતિમાં અસાંજે તેમના ખટલા બાદ જલ્દી ઓસ્ટ્રેલિયા પરત ફરી શકશે.

જુલિયન અસાંજેની મુક્તિના સમાચાર આવ્યા પછી વિકિલીક્સે સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે જુલિયન અસાંજે આઝાદ છે. ૧૯૦૧ દિવસની જેલવાસ પછી તેઓ બેલમાર્શ જેલમાંથી બહાર આવ્યા છે. તેમને લંડન હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા અને સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર મુક્ત કરવામાં આવ્યા, જ્યાંથી તેમણે બ્રિટન છોડ્યું છે. વિકિલીક્સ અનુસાર જુલિયન અસાંજેની મુક્તિ એ વૈશ્વિક ઝુંબેશ અને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો અવાજ ઉઠાવનારા નેતાઓના પ્રયાસોને  આભારી છે. આ પછી જ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે સમજૂતી થઈ હતી. જુલિયન અસાંજે બાબતમાં અમેરિકાનું અચાનક બદલાયેલું વલણ સંશોધનનો વિષય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top