Gujarat

અમદાવાદમાં ઘોડિયામાં સૂતેલી બાળકીને કૂતરા ખેંચી ગયા

અમદાવાદ: રખડતાં શ્વાનના માણસો અને ખાસ કરીને બાળકો પર હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના જુહાપુરામાં આજે ઘોડિયામાં સૂતેલી 7 મહિનાની બાળકીને કૂતરા ખેંચી ગયા હતાં. જો કે લોકોનું ધ્યાન પડતાં કૂતરા બાળકીને છોડીને ભાગ્યા હતાં અને સારવાર બાદ બાળકીને બચાવી લેવાઈ છે. આ સાથે જ કર્ણાટકમાં પણ આવી જ એક ઘટનામાં 10થી 15 કૂતરાના ટોળાએ 9 વર્ષીય બાળકને શિકાર બનાવ્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત કિશોરને સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયો છે. બંને ઘટનાના વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે, જેને જોઈ અરેરાટી ઉપજે છે.

અમદાવાદના જુહાપુરામાં આજે બપોરે એક ઘટના બની હતી. જેમાં રસ્તાની બાજુએ રહેતાં એક શ્રમજીવી પરિવારે પોતાની 7 વર્ષીય બાળકીને રોડની બાજુએ ઘોડિયામાં સુવાડી હતી. દરમિયાન રસ્તે રખડતાં કૂતરા પૈકીનું એક ઘોડિયા તરફ ધસી ગયું હતું અને બાળકીને મ્હોંમાં ઉપાડીને દોડવા લાગ્યું હતું. વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કૂતરાનું આખું ટોળું આ ઘટનામાં સાથે હતું અને બાળકીને મ્હોંમાં ઉપાડીને દોડતાં કૂતરા પાછળ અન્ય કૂતરાઓ પણ દોડ્યાં હતાં. જો કે થોડે દૂર જ રસ્તે ઉભેલા લોકોની નજર પડતાં તેમણે કૂતરાઓને પડકાર્યા હતાં. જેથી કૂતરો બાળકીને છોડીને નાસી છૂટ્યો હતો.

લોકો માટે આ દૃશ્ય ચોંકાવનારૂં હતું અને નાની બાળકીને તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીના મા-બાપ પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં અને તેમના માટે આ ઘટના વજ્રાઘાત સમાન હતી. તુરંત જ આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો અને રસ્તે રખડતાં કૂતરાઓ માટે લોકોમાં ઘૃણા પેદા થઈ હતી. સાથે જ સરકારી તંત્ર રસ્તે રખડતાં કૂતરાનો ત્રાસ દૂર કરે તેવી માંગ ઉઠી છે.

બીજી તરફ આજે કર્ણાટકમાં પણ આવી જ એક ઘટના બની હતી. કોલાર જિલ્લામાં સવારના સમયે 9 વર્ષીય એક કિશોર ઉપર રસ્તે રખડતાં 10થી 15 કૂતરાના ટોળાએ હુમલો કર્યો હતો. અચાનક જ કૂતરાઓ તેની તરફ ધસી ગયા હતાં અને તેને બચકાં ભરવા શરૂ કરી દીધાં હતાં. કિશોરે બચાવો બચાવોની બૂમો પાડી હતી પરંતુ આસપાસમાં કોઈ ન હોવાથી તેની મદદે કોઈ આવ્યું ન હતું. જો કે થોડા જ સમયમાં એક પોલીસ કોન્સ્ટેબલની નજર તેના પર પડી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં કિશોરને સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

કિશોરની ઓળખ બાબુ તરીકે થઈ છે અને તે અભ્યાસ માટે ઘરેથી નીકળ્યો હતો. કૂતરાઓના હુમલાથી તેને મ્હોં, ચહેરા, હાથ, પેટ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. હજુ પણ તેની સારવાર ચાલી રહી છે અને તેની હાલત નાજૂક હોવાનું તબીબોનું કહેવું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે અને લોકોની ઘૃણા શ્વાન પ્રત્યે વધી રહી છે.

એક વાત નોંધનીય છે કે છેલ્લા ઘણાં સમયથી દેશભરમાં કૂતરાઓના હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ આ હુમલાઓની સંખ્યામાં મોખરાની યાદીમાં છે. કહે છે કે પ્રયાગરાજમાં 4000થી પણ વધુ આદમખોર કૂતરાઓનો ત્રાસ છે અને રોજના અંદાજે 400 લોકો ઉપર કૂતરાઓ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી રહ્યાં છે. 500થી વધુ લોકોએ જિલ્લા પ્રશાસનને ફરિયાદો કરી હોવા છતાં હજુ પણ આ સમસ્યાનો હલ થયો નથી.

Most Popular

To Top