Charchapatra

ન્યાયતંત્ર અને રાજકારણ

અદાલતો નિષ્પક્ષતા હોય ત્યારે ન્યાયની સત્યતા, વિશ્વાસ, પવિત્રતા, આદર જાળવી શકે, પણ જ્યારે ત્યાં પ્રલોભનો, ભ્રષ્ટાચાર, ભય, લાગવગ, રાજકારણ જેવાં દૂષણો પ્રવેશી જાય ત્યારે ખુદ ન્યાયને પણ અન્યાય થઈ જાય છે. અત્યાર સુધી શંકાની નજરે જોવાયું છે કે નિવૃત્તિ પછી ન્યાયાધીશને રાજ્યપાલ, રાજસભાનું સભ્યપદ કે કોઈ વગદાર સરકારી સંસ્થામાં મોભ્ભાદાર પદ મળી જાય છે ત્યારે લોકશાહી આઘાત પામે છે. મેક્સિકોમાં ન્યાયાધીશોને ચૂંટવાની પ્રથા સ્વીકારવામાં આવી છે, જેના અંતર્ગત લોકો ચૂંટણી ભાગ લેશે. લોકપ્રિય મતોના આધારે અદાલતોના ન્યાયાધીશો ચૂંટાઈને અદાલતોમાં ન્યાય તોળવા બિરાજમાન થશે, તે દેશમાં તમામ ન્યાયાધીશો માટે પદ પર આવવા ચૂંટણીમાં ઊભા રહેવું ફરજિયાત બનાવાયું છે, જેને કારણે ન્યાયિક શાખાનું રાજનીતિકરણ થયું છે.

આથી હવે અન્ય દેશોમાં પણ આવી વ્યવસ્થા આવી શકે. આવી વ્યવસ્થાના સમર્થકોનું માનવું છે કે આનાથી ન્યાયના વિતરણને મજબૂતી મળશે, તેની સામે લોકશાહીના ચિંતકો એવું પણ માને છે કે ન્યાયાધીશોની ચૂંટણી લોકો કરશે તેનાથી ન્યાયિક સ્વતંત્રતા જોખમમાં મૂકાશે, અને ન્યાયતંત્ર નબળું થશે. સત્તાધીશ સરકારના પ્રભાવ કે ગુપ્ત આદેશના કારણે અપાયેલા ચુકાદા શંકાસ્પદ કે વિવાદાસ્પદ બની શકે. અદાલતમાં ન્યાયની દેવીના આંખે બંધાયેલા પાટા કે ત્રાજવાનો કોઈ અર્થ નહીં રહેશે. બીજી તરફ એવી પણ શક્યતા રહે કે લોકમતથી ચૂંટાયા બાદ અપ્રિય ચુકાદો આપવાથી વિરુધ્ધમાં લોક આંદોલન જાગી જાય. ન્યાયતંત્ર રાજકારણથી દૂર રહે તેજ આદર્શ સ્થિતિ કહેવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top