શહેરમાં આ વર્ષે ગરમી પાછલા વર્ષોના રેકોર્ડ બ્રેક કરવાની વાતોનું આજે ટ્રેલર જોવા મળ્યું હતું. ગયા વર્ષે માર્ચ મહિનાના છેલ્લા દિવસે જેટલું તાપમાન નોંધાયું હતું એટલું આજે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પહોંચતા આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ ખુબ રહે તેવી સંભાવના જોવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં આજે ગરમીનો પારો 38 ડિગ્રી નજીક પહોંચી જતા શહેરીજનો ગરમીથી વ્યાકુળ થઈ ઉઠ્યા હતા. બપોરે જાણે શહેરના રસ્તાઓ ઉપર આગનગોળા વરસી રહ્યા હોય તેવી પ્રતિતિ થવા લાગી હતી.
શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી વધારા સાથે 37.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 38 ટકા ભેજની સાથે 5 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનોને લીધે શહેરમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
શહેરમાં ગયા વર્ષે માર્ચ મહિનામાં છેલ્લા દિવસે તાપમાનનો પારો સૌથી વધારે 37.6 ડિગ્રી નોંધાયો હતો. જેની સામે ચાલું વર્ષે આજે તાપમાનનો પારો માર્ચ મહિનાના પહેલા અઠવાડિયે જ 37.6 ડિગ્રીએ પહોંચતા આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.શહેરમાં આજે બપોરે ઘણા રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. શહેરના મોટાભાગના ઓવર બ્રીજની નીચે તથા ઝાડ નીચે બપોરે વાહન ચાલકો આસરો લઈ રાહત મેળવા પણ નજરે પડ્યા હતા. ત્યાં બીજી બાજું ઠંડા પીણાની માંગ પણ વધતી જણાઈ હતી.