સોમવારે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા વકફ બિલમાં ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે આ અંતિમ બેઠકમાં તમામ 44 સુધારાઓની ચર્ચા કરવામાં આવી હતી. આમાંથી NDA સાંસદોના 14 સૂચનોને મંજૂરી આપવામાં આવી છે. વિપક્ષી સભ્યોએ પણ કેટલાક પ્રસ્તાવો રજૂ કર્યા હતા પરંતુ મતદાન દરમિયાન તેમને નકારી કાઢવામાં આવ્યા હતા.
વકફ પર રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ (JPC) ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકસભામાં રજૂ કરાયેલ વકફ બિલ હવે નવા સ્વરૂપમાં પાછું લાવવામાં આવશે. સોમવારે (27 જાન્યુઆરી, 2025) ના રોજ JPC એ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ગઠબંધનના સભ્યો દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાઓને સ્વીકાર્યા જ્યારે વિપક્ષી સાંસદો દ્વારા રજૂ કરાયેલા દરેક ફેરફારને નકારી કાઢ્યા.
જેપીસી સમક્ષ વિપક્ષ દ્વારા વકફ સુધારા બિલના કુલ 44 કલમોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને નકારી કાઢવામાં આવ્યો હતો. શાસક પક્ષના સાંસદો દ્વારા આપવામાં આવેલા 14 કલમોમાં સુધારાના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો લોકસભામાં રજૂ કરાયેલા વક્ફ સુધારા બિલમાં કુલ 44 અલગ-અલગ જોગવાઈઓ રાખવામાં આવી હતી પરંતુ જ્યારે બિલ સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ આવ્યું ત્યારે શાસક પક્ષના ફક્ત 14 સુધારા સ્વીકારવામાં આવ્યા.
વકફ (સુધારા) બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ બજેટ સત્ર દરમિયાન પોતાનો અહેવાલ રજૂ કરશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સમિતિનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. વકફ મિલકતોને નિયમિત કરવા માટે બનાવાયેલ વકફ અધિનિયમ, 1995ની ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને અતિક્રમણ જેવા મુદ્દાઓ માટે ટીકા કરવામાં આવી છે. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે બેઠક બાદ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા અપનાવવામાં આવેલા સુધારા કાયદાને વધુ સારો અને અસરકારક બનાવશે. જોકે વિપક્ષી સાંસદોએ બેઠકની કાર્યવાહીની નિંદા કરી અને પાલ પર લોકશાહી પ્રક્રિયાને બગાડવાનો આરોપ લગાવ્યો હતો.
ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આ બેઠકોનો રાઉન્ડ હાસ્યાસ્પદ હતો. અમારો અવાજ સંભળાયો નહીં. પાલે સરમુખત્યારશાહી રીતે કામ કર્યું છે. આ અંગે જગદંબિકા પાલે કહ્યું કે સમગ્ર પ્રક્રિયા લોકશાહી હતી અને બહુમતીના અભિપ્રાયને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
