નવી દિલ્હી: રાહુલ ગાંધી(Rahul Gandhi) વિશે ફેક ન્યૂઝ(Feak News) ફેલાવવાનાં આરોપસર ઝી ન્યૂઝ(Zee News)0ના પત્રકાર(Journalist) રોહિત રંજન(Rohit Ranjan)ની ધરપકડ(Arrest) કરવામાં આવી છે. તેઓની ધરપકડ કરવા માટે બે રાજ્યોની પોલીસ આમને -સામને આવી ગઈ હતી. નોઈડા અને છત્તીસગઢ પોલીસ રોહિતને કસ્ટડીમાં લેવા માટે એકબીજા સાથે અથડામણ કરી હતી. જો કે અંતે નોઈડા પોલીસે રોહિતની ધરપકડ કરી છે. છત્તીસગઢ પોલીસ કોર્ટ વોરંટ પર રોહિતની ધરપકડ કરવા આવી હતી.
છત્તીસગઢ પોલીસ વહેલી સવારના 5.30 વાગ્યે રોહિત રંજનના ઈંદિરાપુરમમાં આવેલા ઘરે પહોંચી ગઈ હતી. ઘરના દરવાજા પર પોલીસને જોઈ રોહિતે ટ્વીટ કરી ઉત્તરપ્રદેશ પોલીસની મદદ માગી હતી. ગાઝિયાબાદ પોલીસે તેના ટ્વીટનો જવાબ આપી કહ્યું કે તેઓ મદદ માટે કાર્યવાહી કરી રહ્યા છે. રાયપુર પોલીસે પણ એન્કરના ટ્વીટનો જવાબ આપી કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપે. રોહિત પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. તેની સામે છત્તીસગઢમાં પણ કેસ નોંધાયો છે.
રોહિત રંજને ટ્વીટ કરી માંગી મદદ
રોહિત રંજને મંગળવારે સવારે 6.16 વાગ્યે ટ્વિટ કરીને લખ્યું કે છત્તીસગઢ પોલીસ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના મારી ધરપકડ કરવા મારા ઘરની બહાર ઊભી છે. શું આ કાયદાકીય રીતે યોગ્ય છે? રોહિતે આ ટ્વીટ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, એસએસપી ગાઝિયાબાદ અને એડીજી ઝોન લખનૌને પણ ટેગ કર્યું છે.
ગાઝિયાબાદ પોલીસે આ જવાબ આપ્યો
બીજી બાજુ, જ્યારે યુપીની ગાઝિયાબાદ પોલીસને માહિતી મળી કે છત્તીસગઢ પોલીસ એન્કર રોહિત રંજનની ધરપકડ કરવા ઈન્દિરાપુરમ પહોંચી છે, ત્યારે તેઓએ રોહિત રંજનના ટ્વીટનો જવાબ આપ્યો છે. ગાઝિયાબાદ પોલીસે ટ્વિટ કરીને લખ્યું છે કે આ મામલો સ્થાનિક પોલીસના ધ્યાન પર છે, ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે છે, નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
માહિતી આપવાનો આવો કોઈ નિયમ નથી: છત્તીસગઢ પોલીસ
બીજી તરફ, છત્તીસગઢ પોલીસે જવાબ આપ્યો કે માહિતી આપવાનો આવો કોઈ નિયમ નથી. જો કે, હવે તેમને જાણ કરવામાં આવી છે. પોલીસની ટીમે તમને કોર્ટનું ધરપકડ વોરંટ બતાવ્યું છે. તમારે ખરેખર સહકાર આપવો જોઈએ, તપાસમાં જોડાવું જોઈએ અને કોર્ટમાં તમારો બચાવ કરવો જોઈએ.
કોંગ્રેસે કરી હતી પોલીસ ફરિયાદ
કોંગ્રેસ પાર્ટીએ ઝી ન્યૂઝના એન્કર રોહિત રંજન વિરુદ્ધ રાહુલ ગાંધીનો ફેક વીડિયો ચલાવવાની ફરિયાદ દાખલ કરી હતી. જો કે, ચેનલે સામગ્રી પાછી ખેંચી લીધી અને જાહેર માફી માંગી હતી. પક્ષે પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડની પણ તેમની ટ્વિટર ટાઈમલાઈનમાંથી ચેડાં કરેલા વીડિયોને દૂર ન કરવા બદલ ટીકા કરી હતી.