તાજેતરમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના જાણીતા પત્રકાર શ્રી નરેન્દ્ર જોષીનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું. મિલનસાર સ્વભાવના જોષી રમૂજી વૃત્તિ ધરાવતા હતા. જેને મિત્ર સમજે એની સાથે મૈત્રીસંબંધ નિભાવે. પારિવારિક સંબંધ પણ બાંધી જાણે. ‘સાહિત્ય સંગમ’ માં યોજાતા હાસ્ય કાર્યક્રમમાં ભાગ લેતા પોતાની હાસ્ય કૃતિ દ્વારા શ્રોતાઓને હસાવતા. અંત સમય સુધી ‘મિત્ર’ અખબારમાં બુધવારની ‘દર્પણ પૂર્તિ’માં ‘સમુદ્ર એક, કિનારા અનેક’ નામની લોકપ્રિય કોલમ લખતા રહ્યા. ‘દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘ સાથે એમનો નાતો પુરાનો.
નાદુરસ્ત તબિયતમાં પણ ચર્ચાપત્રી સંઘના કાર્યક્રમમાં હાજરી પુરાવી શોભા વધારતા. તેમની હાજરીથી તેઓ શ્રોતાઓનાં મન પ્રસન્ન કરી શકતા. કેટલાક ચર્ચાપત્રી બિમાર હોય તો ફોનથી ખબરઅંતર પૂછતા. ક્યારેક કોઈ જાણીતા ચર્ચાપત્રીનું અવસાન થાય તો એની શોકસભામાં હાજરી પુરાવતા. નવોદિત ચર્ચાપત્રી અને મહિલા ચર્ચાપત્રીઓને જરૂરી માર્ગદર્શન આપતા. દેવઆનંદપ્રેમી હોવાથી એમના નિવાસસ્થાન પર મારા મિત્ર સાથે ઈંગ્લીશ ‘ગાઈડ’ ફિલ્મ જોવાની એક વાર તક મળી હતી. ‘મિત્ર’ અખબારને પોતીકું બનાવી શકનાર ચર્ચાપત્રી મિત્રોને પણ પોતાના બનાવી શક્યા હતા. જોષીએ દરેકનાં દિલ જીતી લીધાં હતાં. એવા મનમોજી દિલદાર પત્રકાર મિત્રને યાદ, પ્યાર ને નમસ્કાર. પરિવારને નમન, વંદન.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે