તનામ લેખક ‘ઑસ્કાર વાઈલ્ડની વિખ્યાત વાર્તા ‘પિક્ચર ઑફ ડોરિયન ગ્રે’ આધારિત વાર્તા, જેના વિશે લેખકે તેમની ડાયરીમાં લખ્યું છે કે ‘આ એક સાચી હકીકતના આધારે લખાયેલ કથા છે’. મશહૂર ચિત્રકાર ભગવાન ઈસુના જીવનપ્રસંગ અંગે એક ચર્ચ માટે એક સુંદર ભીંતચિત્ર બનાવવા ઈચ્છતો હતો. એનું નામ હતું બોટીસેલી. ચર્ચના ટ્રસ્ટીઓ આ માટે જોઈએ એટલાં નાણાં વાપરવા માટે તૈયાર હતા. ચિત્રકાર ભગવાન ઈસુના પાવન ચરિત્ર માટે એક એવા મૉડેલની શોધમાં હતો કે જેના ચહેરા પર અદભુત શાંતિ, પરમ આનંદ, અપાર કરુણા, ભરપૂર વાત્સલ્ય અને કોઈને મદદરૂપ થવા માટે સતત ઉત્સુક્તા હોય. ચિત્રકાર ગામ, શહેર, જંગલ, ધર્મશાળાઓ, જાહેર જગ્યાઓ વગેરે જગ્યાઓએ ઠેર-ઠેર આવા મૉડેલની શોધમાં ભમવા લાગ્યો. અંતે એક જરૂરી લાયકાત ધરાવતો સુંદર યુવાન મળી આવ્યો.નામ એનું ‘જોસુ’. તે સરળ હતો, સુશીલ હતો. પૈસાનો લાલચુ ન હતો. તેનો ચહેરો દિવ્ય પ્રકાશથી ચમકતો હતો. મદદ કરવાની તેની ભાવના હતી એટલે પોતાનું વતન છોડીને ચિત્રકાર સાથે, શહેરમાં, ચર્ચમાં મૉડેલ તરીકે સેવા આપવા તત્પરતા દાખવી આવી ગયો હતો.
ચિત્રકારને સંપૂર્ણ સહકાર આપતો. તેની સાથે કલાકો સુધી થાક્યા, કંટાળ્યા વિના બેસતો. તેની જરૂરિયાતો પણ ઓછી હતી. ચર્ચની પાછળની એક નાનકડી ઓરડીમાં પડ્યો રહેતો અને જે કંઈ મળે તે ખાઈ લેતો. તેને સાચવવાની ચિત્રકારને કોઇ ચિંતા ન હતી. ચિત્ર તૈયાર થઈ ગયું. અતિ સુંદર, ઈસુનું બેનમૂન ચિત્ર બન્યું. લોકો આ ચિત્ર જોઈને મુગ્ધ થઈ જતાં. ભક્તિભાવથી ભરપૂર થઈ જતાં.
આસ્તિક જ નહીં, નાસ્તિક પણ તેના દિવ્ય સ્વરૂપથી મોહિત થઈ જતા. ગામેગામથી ચર્ચનું આ અદભુત ચિત્ર જોવા લોકોનાં ટોળેટોળાં આવવા લાગ્યાં. દેશ-વિદેશથી સંપન્ન લોકો સ્વમેળે દર્શન માટે આવવા લાગ્યા. ગરીબ, કારીગરો અને કામદારો, અશક્ત અને રોગી, સૌ સંઘ બનાવીને આ યાત્રાધામમાં આવીને ઈસુને શરણે પોતાની માનતાઓ પૂરી કરવા લાગ્યા. આમ આ ચિત્રને કારણે ચર્ચ વિશ્વ વિખ્યાત યાત્રાધામ બની ગયું અને એનું વિસ્તરણ થતું ગયું.
વર્ષો વિત્યાં બાદ ચર્ચના ફાધરોએ આ જ ચર્ચમાં એક નવું ચિત્ર દોરવાનું આયોજન કર્યું પણ આ વખતે ભગવાન ઈસુનું નહીં પણ બાઈબલમાં વર્ણવ્યા મુજબનું લાસ્ટ જજમેન્ટ આધારિત ડેમન યાને શેેતાન-અસુરનું ચિત્ર દોરવું હતું. અત્રે સ્પષ્ટતા કરી લઉં કે બાઈબલમાં એવી કથા છે કે, આ દુનિયામાં પાપ વધી જશે ત્યારે ઈશ્વર દુનિયાનો નાશ કરશે. આ સમયે તમામ આત્માઓનો ન્યાય તોળવામાં આવશે. સારા, પુણ્યશાળી આત્માઓને ઈશ્વરના રાજ્ય યાને સ્વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે જ્યાં અનંતકાળ સુધી ચીર શાંતિ મળશે.
જ્યારે દુષ્ટ-પાપી આત્માઓને શેતાનના ભયાનક રાજ્ય નરકમાં નાખવામાં આવશે જ્યાં બળબળતા અગ્નિમાં અનંત કાળ સુધી અસહ્ય પીડા ભોગવવી પડશે. આને અંતિમ ન્યાય એટલે કે લાસ્ટ જજમેન્ટ કહેવાય છે. ચર્ચના મુખ્ય પુરોહિતે પેલા ચિત્રકાર બોટીસેલીને જ આ ચિત્ર દોરવા આમંત્રણ આપ્યું. આ ચિત્રકારે ઘણાં ચિત્રો બનાવ્યાં હતાં. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો. પણ જેને કારણે દેશ-વિદેશમાં એ નામ કમાયો હતો તે ચર્ચમાં આ બીજું ચિત્ર દોરવા પણ તે સંમત થયો. આ ચિત્ર માટે શેતાન જેવા બેડોળ અને બિહામણા લાગતા માણસની મૉડેલ તરીકે જરૂર હતી. ચિત્રકાર મૉડેલની શોધમાં નીકળી પડ્યો. ગામેગામ ચોતરફ ફરવા લાગ્યો પણ કોઈ યોગ્ય મૉડેલ મળ્યો નહીં.
એવામાં તેને એક એવા માણસ અંગે માહિતી મળી કે જે આ ચિત્ર માટે મૉડેલ તરીકે કામ લાગે પણ એ એક ખતરનાક રીઢો ગુનેગાર હતો. ચોરી, લૂંટ, ધાડ, ધાકધમકી, ખૂન, વ્યભિચાર, બળાત્કાર, વગેરે અસંખ્ય ગુનાઓ તેના નામે બોલતા હતા. પોલીસ એને પકડવાથી ડરતી હતી. ન્યાયાધીશ તેના વિરુદ્ધ જજમેન્ટ આપતાં અચકાતા હતા. ભયંકર બેડોળ ચહેરો, વિકરાળ વ્યક્તિત્વ. એના વિસ્તારમાં એની જબરદસ્ત ધાક! એના નામની ખબર ન હતી, પણ ડ્રેક્યુલાના ઉપનામથી પંકાયેલા હતો. વૃદ્ધ ચિત્રકાર બોટીસેલીએ હિંમત કરી તેને મૉડેલ બનવા કહેણ મોકલ્યું. ચર્ચ પાસે અઢળક પૈસા હોઈ ડ્રેક્યુલાએ ચર્ચની લગભગ અરધી જેટલી રકમની માગણી કરી.
ચર્ચે ગ્રાહ્ય રાખી લીધી. ડ્રેક્યુલા મૉડેલ તરીકે બેઠો. વૃદ્ધ થઈ ગયેલા ચિત્રકાર બોટીસેલી એ જમાનાના વિખ્યાત ચિત્રકારો માઈકલ એન્જલો, લીઑનાર્દો દ વિન્ચી, ટીન્સીઆનો, રાફાએલ જેવા ચિત્રકારોને ચર્ચની પવિત્ર શોભા વધારવા બોલાવ્યા હતા. માઈકલ એન્જલો જેવા વિખ્યાત ચિત્રકારે તેનું અદભુત ચિત્ર બનાવ્યું. ચિત્ર પૂરું થતાં બોટીસેલીએ ડ્રેક્યુલાને તેનું પૂરું મહેનતાણું આપવા માંડ્યું પણ તેણે લેવાની ના પાડી. ચિત્રકાર બોટીસેલીએે તેના મહેનતાણાંનાં નાણાં લઈ લેવા આગ્રહ કર્યો ત્યારે તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગ્યો. શા માટે ડ્રેક્યુલાએ મહેનતાણું લેવાની ના પાડી એ રસપ્રદ હકીકત આવતા અંકમાં.