ઉત્તરાખંડ: બદરીનાથધામથી આશરે 50 કિલોમીટર દૂર આવેલું જોશીમઠમાંથી હેરાન કરી દે તેવી ધટના સામે આવી હતી. ઉત્તરાખંડ શહેરના જોશીમઠમાં દીવાલોમાં તીરાડો પડી રહી છે. જમીન ધસી રહી છે. ઘરની દીવાલોમાં તિરાડો પડી રહી છે અને તેમાંથી પાણી વહી રહ્યું છે. આ ધટનાના કારણે ત્યાાનું જનજીવન ખોરવાયું છે, લોકો ચિંતાગ્રસ્ત થઈ રહ્યાં છે. તેઓને ડર સતાવી રહ્યો છે કે તેઓના ઘરની જમીન તો ન ધસી પડે ને. જેના કારણે ત્યાંના ઘણાં સ્થાનિકો ત્યાંથી પોતાનો પરિવાર લઈ પલાયન થઈ ગયા છે.
હિમાલયમાં આવેલા શહેર જોશીમઠમાં શુક્રવારની સાંજે એક મંદિર તૂટી પડયું હતું જે તે વિસ્તારમાં મોટી હોનારતના ભય હેઠળ રહી રહેલા ત્યાંના નિવાસીઓ માટે વધુ એક ચેતવણી હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યા મુજબ જ્યારે આ બનાવ બન્યો મંદિરની અંદર કોઈ ન હતું, છેલ્લા 15 દિવસમાં તેમાં વિશાળ તિરાડો પડી ગઈ હતી જેના પગલે તેને ખાલી કરી દેવાયું હતું. મારવાડી વિસ્તાર જ્યાં 3 દિવસ પહેલાં જળભર વિસ્ફોટ થયો હતો તે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત વિસ્તાર છે, જળભરમાંથી બહુ વેગથી પાણી નીકળી રહ્યું છે.
ત્યાંના નિવાસીઓની માગ પર ચારધામ માર્ગ (હેલાંગ-મારવાડી બાયપાસ) અને એનટીપીસીના હાઈડેલ પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટથી સંબંધિત તમામ બાંધકામની મોટી ગતિવિધીઓને આગામી આદેશ સુધી તાત્કાલિક અટકાવી દેવામાં આવી છે. ઓલી રોપવે સેવા પણ બંધ કરાઈ છે કારણ કે તેની નીચે મોટી તિરાડો આવી ગઈ છે, એમ સ્થાનિક નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ ઋષિ પ્રસાદ સતીએ કહ્યું હતું. જમીન ધસવાનું એક વર્ષથી ચાલી રહ્યું છે પણ છેલ્લા 15 દિવસથી આ સમસ્યા વધુ ખરાબ થઈ છે, તેમણે વધુમાં કહ્યું હતું.
આ ઘટના પછી ત્યાંની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. શુક્રવારના રોજ મુખ્યમંત્રી પુશ્કર ધામીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં અધિકારીઓને નિર્દેશન આપવામાં આવ્યું છે કે તાત્કાલિક સુરક્ષિત સ્થાન ઉપર એક અસ્થાયી રહેવા માટેનું સ્થાન તૈયાર કરવામાં આવે. જોશીમઠમાં સેકટર અને ઝોનલ વાઈઝ યોજના તૈયાર કરવામાં આવે. તાત્કાલિક ભયગ્રસ્ત વિસ્તારને ખાલી કરાવવામાં આવે તેમજ કંટ્રોલ રુમને એકટિવ કરવામાં આવે. આ બેઠક પછી જિલ્લા પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના નિર્દેશને ધ્યાનમાં રાખી 6 મહિના સુધી પ્રશાસન પ્રભાવિત વિસ્તારના તમામ પરિવારજનોને દર મહિને 4000 રૂપિયા સુધીની સહાય આપશે. આ સહાય મુખ્યમંત્રી રાહત કોષ ખાતામાંથી વસૂલવામાં આવશે.
જણાવી દઈએ કે હાલ 500 કરતા પણ વધારે ઘરોમાં દરાર આવી ચૂકી છે. ધણાં પરિવારોએ અન્ય રાજ્ય જિલ્લા તેમજ શહેરોમાં પોતાનો પરિવાર શીફટ કર્યો છે. જયારે ધણાં લોકો આ ધટના પછી ભયભીત થઈ રહ્યાં છે. આ સાથે એનડીઆરએફ, પોલીસ સુરક્ષા બળ એસડીઆરએફની ટીમોને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે. સરકારની પ્રાથમિકતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની છે. જેને ધ્યાનમાં રાખી પ્રશાસન સંભવ તમામ કોશિશ કરી રહ્યું છે. એનટીપીસી પાવર પ્રોજેકટનું ટનલની અંદરનું કાર્ય સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જોશીમઠ ઔલી રોપવેનું સંચાલન પણ અગાઉના આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.
જોશીમઠ ઉપર આવેલું આ સંકટ સામાન્ય નથી. ભૂગર્ભીય રીતે આ શહેર ખૂબ જ સંવેદનશીલ છે. શહેરમાં આવી ધટના ધટશે તે અંગેનો રિપોર્ટ પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યો હતો તેમજ સરકારની ટીમોએ પણ રિપોર્ટ તૈયાર કર્યો હતો.