પલસાણા: (Palsana) પલસાણાના જોળવા (Jolwa) ગામે બનેલી ઘટનામાં ૧૧ વર્ષની પરપ્રાંતિય પરિવારની માસૂમ પુત્રીની સાથે બળાત્કાર (Rape) ગુજાર્યા બાદ ગળું દબાવીને 11 વર્ષિય માસુમ બાળકીની હત્યા (Murder) કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ ગંભીર ગુનામાં પોલીસે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરી હતી, આ ઉપરાંત આરોપીઓની સામે એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધવાની કામગીરી પણ કરી હતી.
- પોલીસે ઘટનાના દિવસે જ બળાત્કારીને પકડી પાડ્યો હતો પરંતુ કોરોનાનો ટેસ્ટ બાકી હોવાથી ગુરૂવારે કોર્ટમાં રજૂ કર્યો
- પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, દલીલોને પગલે કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
પલસાણા તાલુકાના જોળવા ગામે એક પરપ્રાંતિય પરીવારની ૧૧ વર્ષની પુત્રીને રવિવારના રોજ નજીકમાં જ રહેતા એક નરાધમે પાસવી બળાત્કાર ગુજારી તેની હત્યા કરી દેતા ચકચારી મચી જવા પામી હતી. જેને લઇ બાળકીના પરિવારને ન્યાય મળે તે માટે અનેક સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય નેતાઓએ પણ ઉચ્ચ કક્ષા સુધી રજુઆતો કરી હતી. ત્યારે ભોગ બનનાર બાળકીનો પરીવાર દલિત હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસે બિહાર તેમના વતનમાંથી જાતિનો દાખલો મેળવવા માટે પણ તજવીજ હાથ ધરવાની સાથે બળાત્કારી અને હત્યારા દયાચંદ પટેલને પણ ઝડપી પાડ્યો હતો.
દયાચંદનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા પલસાણા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ દિપેશ દવેએ રજૂઆતો કરીને આરોપીના રિમાન્ડ મંજૂર કરવા જણાવ્યું હતું. દલીલોની સામે કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરી છે, કાલે તેનો કોરોના રિપોર્ટ કરાવી કોર્ટમાં હાજર કરવામાં આવશે.
કયા કયા મુદ્દાઓ પર પોલીસે રિમાન્ડ માંગ્યા
- દયાચંદ પટેલ 11 વર્ષિય સગીરાનું અપહરણ કરી રૂમમાં લઇ ગયો હતો, ઘટના છુપાવવા માટે બાળકીનું ગળુ દબાવી હત્યા કરાઇ છે.
- આ કેસમાં દયાચંદ ઉપરાંત કાલુરામ ઉર્ફે કાલુ જાનકીપ્રસાદ પટેલ તેમજ અન્ય કોઇ ઇસમો સંડોવાયેલા છે કે નહી..? તેની તપાસ કરવાની છે.
- આરોપી અને ભોગ બનનાર સગીરા બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હતા, અને બળાત્કાર કરવા માટે કોઇ આગોતરુ આયોજન કર્યું છે કે નહી..?
- ભૂતકાળમાં પણ છેડતી કરી હતી કે નહી..?
- બળાત્કાર કરવા માટે પોર્ન સાઇટનો ઉપયોગ કર્યો છે કે નહી..?
- આરોપીના અન્ય મેડિકલ ટેસ્ટ કરી તપાસ કરવાની છે