Comments

નદી જોડો યોજનાઃ મુસીબતોને જાકારો કે પ્રકોપને નોંતરું?

વિકાસની અનેકવિધ યોજનાઓની બોલબાલા વધી રહી છે. પર્યાવરણ પર આવી યોજનાઓની થનારી સંભવિત અસર અને તેને પહોંચી વળવાનાં પગલાં અંગેના અભ્યાસ થાય છે ખરા, પણ કાગળ પર કરવામાં આવેલી આ કવાયતથી અજાણ હોવાથી પર્યાવરણ તેને અવગણે છે અને પોતાની રીતે વર્તીને જ રહે છે. આ વર્ષે બજેટ દરમિયાન પોતાના વક્તવ્યમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘ઈન્ટરલીન્ક ઑફ રિવર્સ’ (નદી જોડો પ્રકલ્પ- આઈ.ઍલ.આર.) વિશે વાત કરી અને આ પ્રકારના પાંચ પ્રકલ્પો સૂચિત કર્યા, જે આ મુજબ છેઃ ગોદાવરી- કૃષ્ણા, કૃષ્ણા- પેન્નાર, પેન્નાર-કાવેરી, દમણગંગા- પિંજલ અને પાર-તાપી- નર્મદા. આ પૈકી કૃષ્ણા, પેન્નાર અને કાવેરી નદીઓના જળવિભાજન અંગે તેની સાથે સંકળાયેલાં રાજ્યો વચ્ચે સતત વિવાદ થતા રહ્યા છે.

સમગ્ર દેશમાં આ પ્રકલ્પ અમલી બને તો જળસંકટની સમસ્યાનો કાયમી ધોરણે હલ આવી જાય એમ તેની તરફેણમાં જણાવાતું આવ્યું છે. પૂરને લીધે થતું નુકસાન ટાળીને અને વહી જતા ‘વધારાના’ પાણી તેમ જ દરિયામાં ‘નકામાં’ વહી જતા પાણીનો ‘સદુપયોગ’ આ યોજનાનું મુખ્ય ધ્યેય છે. આ પ્રકલ્પને ભૌગોલિક રીતે ત્રણ હિસ્સામાં વિભાજીત કરવામાં આવ્યો છેઃ હિમાલયના હિસ્સાની, દક્ષિણ ભારતના દ્વીપકલ્પ વિસ્તારની અને અન્ય ૩૭ આંતરરાજ્ય નદીઓ. આ પ્રકલ્પની પરિકલ્પના પહેલવહેલી વિચારનાર આર્થર કોટન નામના એક અંગ્રેજ ઈજનેર હતા. ૧૯ મી સદીમાં તેમણે ભારતની મુખ્ય નદીઓને એકમેક સાથે સાંકળવાનો વિચાર કર્યો હતો, જેથી દક્ષિણ ભારતના વિસ્તારમાં પાણીની તંગીનું નિવારણ થાય તેમ જ દક્ષિણ એશિયાના અંગ્રેજશાસિત વિસ્તારમાં માલની હેરફેર ઝડપભેર થઈ શકે. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે તેમનો મુખ્ય હેતુ પાણીની તંગીના નિવારણ કરતાં વધુ માલની ઝડપી હેરફેરનો હતો. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના અરસામાં, ૧૯૭૨ માં ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન, તત્કાલીન સિંચાઈ પ્રધાન અને ઈજનેર ડૉ. કે.એલ.રાવ દ્વારા ગંગા અને કાવેરી નદીને જોડવાની દરખાસ્ત મૂકાઈ હતી. તે અતિ ખર્ચાળ લાગવાથી નકારાઈ ગઈ હતી.

ત્યાર પછી મુંબઈસ્થિત ઈજનેર કેપ્ટન દીનશા દસ્તૂર દ્વારા ‘નેશનલ ગાર્લેન્ડ કેનાલ’ નામનો આવો જ પ્રકલ્પ સૂચવાયો હતો. ટેક્નિકલ દૃષ્ટિએ ક્ષતિયુક્ત હોવાથી તેને પણ નકારાયો. ૧૯૮૦ માં સિંચાઈ મંત્રાલય દ્વારા ‘નેશનલ પર્સ્પેક્ટિવ ફોર વૉટર ડેવલપમેન્ટ’ નામની એક યોજના તૈયાર કરવામાં આવી, જેને પગલે આગળ જતાં, ૧૯૮૨ માં ‘નેશનલ વૉટર ડેવલપમેન્ટ એજન્સી’ (એન.ડબલ્યુ.ડી.એ.)ની સ્થાપના કરવામાં આવી. જળ સંસાધન મંત્રાલય અંતર્ગત કામ કરતી આ સંસ્થાનો હેતુ તટપ્રદેશમાં પાણીની આવનજાવન, વધઘટ, સંગ્રહ વગેરેને લગતી સંભાવનાઓને ચકાસવાનો હતો. તેના અંતર્ગત તજજ્ઞોએ બ્રહ્મપુત્ર અને ગંગા નદીના ‘વધારાના’ પાણીને દક્ષિણ ભારતીય દ્વીપકલ્પ વિસ્તારમાં નહેર દ્વારા સ્થળાંતરિત કરવાની યોજના વિચારી. આમ, ‘આઈ.એલ.આર.’ પ્રકલ્પની રૂપરેખા તૈયાર થવા લાગી. અલબત્ત, તેનો અમલ દૂર જ રહ્યો.

સુષુપ્ત રહેલા આ પ્રકલ્પનો ઉલ્લેખ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામે ૨૦૦૨ માં કરતાં જણાવ્યું કે દેશની પૂર અને દુષ્કાળની સમસ્યાના ઉકેલ માટે આ પ્રકલ્પ અનિવાર્ય છે. આનાથી પ્રેરિત થઈને રણજીત કુમાર નામના એક વકીલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને સરકારને આ પ્રકલ્પનો આરંભ કરવા બાબતે નિર્દેશ આપવાની વિનંતી કરી. એ મુજબ, સર્વોચ્ચ અદાલતના તત્કાલીન ન્યાયમૂર્તિ ભૂપીન્દરનાથ કીરપાલે કેન્દ્રને તેમજ સંબંધિત રાજ્યોને નોટિસ આપી. માનનીય ન્યાયમૂર્તિની નિવૃત્તિના આગલા દિવસે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે ઍક સિવાયના કોઈ પણ રાજ્યનો પ્રતિભાવ મળ્યો ન હોવાથી માનનીય ન્યાયમૂર્તિએ ધારી લીધું કે ‘આઈ.એલ.આર.’ બાબતે કોઈ રાજ્યને વાંધો નથી. આથી તેમણે કેન્દ્ર સરકારને આ પ્રકલ્પનો આરંભ કરીને તેને બને ઍટલો ઝડપથી પૂરો કરવાનો આદેશ આપી દીધો. એટલે કે અન્ય વિકલ્પની વિચારણા, ગૃહમાં ચર્ચા, આયોજન પંચ દ્વારા તપાસ કે જનતાના અભિપ્રાય જેવા કોઈ પણ જરૂરી પગલાં વિના આ પ્રકલ્પ અમલના તબક્કે આવી ઊભો.

પહેલા તબક્કાની અટલબિહારી વાજપેયીની સરકારે તેને ઉતાવળે લીલી ઝંડી આપી દીધી. આ પ્રકલ્પમાં ૩૦ મુખ્ય નદીઓને સાંકળતી, કુલ ૧૪, ૯૦૦ કિ.મી. લંબાઈ ધરાવતી હિમાલયની ૧૪ અને દ્વીપકલ્પ વિસ્તારની ૧૬ નહેરોનો સમાવેશ થતો હતો. આમાં બંધની ગણતરી કરવામાં આવી ન હતી. અમલ માટે સરકારે એક ઉચ્ચ કક્ષાના કાર્યબળ એકમની રચના કરી હતી. ૨૦૧૪ માં જળસંસાધન મંત્રી ઉમા ભારતીએ અનેક વિરોધોને અવગણીને આ પ્રકલ્પને પુનર્જીવિત કર્યો. આ પ્રકલ્પની ઘોષણા કરવામાં આવી ત્યારથી પર્યાવરણવાદીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. અનેક લોકોનું વિસ્થાપન અને જંગલોનો મોટો વિસ્તાર ડૂબાણમાં જવા જેવી દેખીતી વિપરીત અસર ઉપરાંત પર્યાવરણ પર થનારી અવળી અસરો અનેકગણી છે. ગુજરાતમાં નર્મદા અને સાબરમતીને નહેર વડે જોડ્યા પછી સાબરમતીમાં નર્મદાનું પાણી બારે માસ વહેતું થયું, પણ તેનો ખરો ઉપયોગ થયો ખરો?

રાજકારણ- અમલદાર- કોર્પોરેટ ક્ષેત્ર વચ્ચેની સાંઠગાંઠ પર્યાવરણને શું કામ ગાંઠે? હવે તો સરકાર વતી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ‘આઈ.એલ.આર.’ના ફાયદા ગણાવે છે અને સરકાર ખુદ વાજપેયીજીના અધૂરા સ્વપ્નને સાકાર કરવાના કાર્ય તરીકે તેનો પ્રચાર કરી રહી છે. ‘આઈ.એલ.આર.’ને અમલમાં મૂકવાની સઘળી તૈયારીઓ વચ્ચે મેજર જનરલ સુધીર વોમ્બતકેરે આ પ્રકલ્પથી થનારા લાભની અસલિયત જણાવી છે. સિવિલ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં પી.એચ.ડી. થયેલા મેજર વોમ્બતકેર સૈન્યમાં પાંત્રીસ વર્ષ સેવા આપી ચૂકેલા છે અને ‘વિશિષ્ટ સેવા ચંદ્રક’થી સન્માનિત છે. જાહેર હિતના તેમજ પર્યાવરણના મુદ્દે અવાજ ઉઠાવવા માટે તેઓ જાણીતા છે. વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં તેમના ૪૫૦ થી વધુ શોધપત્રો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ અભ્યાસુ અને નિષ્ઠાવાન મેજર- ઈજનેર દ્વારા  જણાવવામાં આવેલી ‘આઈ.એલ.આર.’ વિશેની ગેરમાન્યતાઓ વિશે આવતા સપ્તાહે વાત.
            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top