શું જૉન અબ્રાહમની ફિલ્મોની નિષ્ફળતાએ તેને કિંમત ઘટાડવા મજબૂર કર્યો છે? જૉન અબ્રાહમે સાજીદ ખાનની કોમેડી ફિલ્મ માટે પોતાની ફીમાં રૂ. 3 કરોડનો ઘટાડો કર્યો હોવાની વાતથી આ સવાલ થઇ રહ્યો છે. જૉનની છેલ્લી બે ફિલ્મો ‘મુંબઇ સાગા’ અને ‘સત્યમેવ જયતે 2’ ને સારો પ્રતિસાદ મળ્યો ન હતો અને નિર્માતાઓને ખોટ ગઇ હતી. જૉન હાલ એક ફિલ્મના રૂ.21 કરોડ સુધી લે છે. ‘એક વિલન રિટન્સ 2’ માટે તેણે સૌથી વધુ ફી લીધી હતી. પરંતુ બે ફિલ્મો નિષ્ફળ જતાં નિર્માતાઓએ તેના પર ફી ઘટાડવા દબાણ કર્યું હતું. જૉને સાજીદ ખાનની રિતેશ દેશમુખ સાથેની નવી કોમેડી ફિલ્મ માટે કોરોના કાળને કારણે ઘટાડો કર્યો હોવાનું કહેવાય છે. શાહરૂખ ખાનની ‘પઠાન’ પૂરી થયા પછી જૉન આ ફિલ્મનું શુટિંગ શરૂ કરશે. જૉન પોતે નિર્માતા બની ગયો હોવાથી તે એમની તકલીફ સમજી રહ્યો છે. તેની ઘરની કંપની ‘જે એ એન્ટરટેનમેન્ટ’ ની ફિલ્મ ‘એટેક’ના પહેલા ભાગની રજૂઆત માટે તે ઘણા દિવસથી મંથન કરી રહ્યો હતો. નિર્દેશક લક્ષ્ય રાજ આનંદની એકશન અને દેશભક્તિથી ભરપૂર ફિલ્મ ‘એટેક’ ના ટીઝરને સારો પ્રતિસાદ મળ્યા પછી થિયેટરોમાં રજૂ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો.
28 મી જાન્યુઆરી પછી ફેબ્રુઆરીમાં પણ કોરોનાને કારણે રજૂઆત મોકૂફ રાખવી પડી હોવાથી હવે ફિલ્મને 1 એપ્રિલે રજૂ કરવાની જાહેરાત કરી છે. ‘એટેક’ ના ટ્રેલરમાં જૉન અને જેકલીનને એક ધડાકા પછી રડતા બતાવવામાં આવ્યા છે. એ પછી જૉનને એક સુપર સૈનિકના રૂપમાં પરિવર્તિત થતો બતાવવામાં આવ્યો છે. ટ્રેલર પરથી લાગે છે કે એમાં સંસદ પરના હુમલા ઉપરાંત ન્યૂક્લિયર એટેકને બતાવ્યો છે. આખી ફિલ્મમાં જૉન છવાયેલો રહેશે. જેકલીન ઉપરાંત રકુલપ્રીત સિંહનું કામ ઓછું હશે. ફિલ્મનો જૉનના નામ ઉપર જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જૉનનો દાવો છે કે બૉલિવૂડમાં આ ટેકનોલોજી આધારિત મોટા પાયા પર બનેલી એક અલગ ફિલ્મ છે. એમાં સાઇ-ફાઇનો ઉપયોગ થયો છે. ભાવિ યુધ્ધ ટેકનોલોજીના આધારે લડવામાં આવશે એવું બતાવવામાં આવ્યું છે અને આ પ્રકારની એક્શન ફિલ્મ હજુ કોઇએ બનાવી નથી.
ડિજિટલ પ્લેટફોર્મ ભારતીય રંગે રંગાઇ રહ્યું છે!
જિટલ પ્લેટફોર્મ પર પારિવારિક વિષયની વેબસિરીઝની માંગ વધી રહી છે? છેલ્લા થોડા સમયમાં સસ્પેન્સ, ગુનાખોરી અને એક્શન સાથે અશ્લીલતા જેવા વિષયને બદલે પારિવારિક પૃષ્ઠભૂમિવાળી વાર્તાઓને પસંદ કરવામાં આવી છે. અગાઉ મોટાભાગના ડિજિટલ પ્લેટફોર્મ વિદેશના હોવાથી એક્શન અને ખૂનખરાબા સાથે અપશબ્દોવાળી પશ્ચિમી વેબસિરીઝ વધુ આવી રહી હતી. એમાં ત્યાંની સંસ્કૃતિનો પ્રભાવ વધુ દેખાતો હતો. ‘મિર્જાપુર’ અને ‘સેક્રેડ ગેમ્સ’ ની સફળતાથી એક ખોટી માન્યતા ઊભી થઇ હતી કે લોકોને ગાળો અને એકશનવાળી વેબસિરીઝ જ વધુ ગમે છે. નિર્દેશક અનુરાગ કશ્યપે ‘સેક્રેડ ગેમ્સ’ નો ત્રીજો ભાગ ત્રણ વર્ષ પછી પણ બનાવ્યો નથી. હમણાં તેની કાસ્ટિંગની ખોટી અફવા પછી તેમણે ખુલાસો કર્યો છે કે ત્રીજા ભાગની કોઇ તૈયારી ચાલી રહી નથી. હવે એક પછી એક નવી વેબસિરીઝમાં પરિવારની વાત જોવા મળી રહી છે.
પંચાયત, ગુલ્લક, પાટલક, પરિવાર, ટબ્બર, કૌન બનેગી શિખરવતી વગેરેની સફળતા પછી ઘણાની બીજી સીઝન આવી રહી છે. ડિજિટલ પ્લેટફોર્મ પર પરિવર્તન જોવા મળી રહ્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ વિદેશની દેન હોવા છતાં હવે ભારતીય રંગે રંગાઇ રહ્યું છે. દર્શકોની પસંદ બદલાઇ રહી છે. અત્યાર સુધી તે પશ્ચિમી સભ્યતાઓથી પ્રભાવિત હતું. મોટાભાગના નિર્માતાઓ તેને મેટ્રો સીટીના યુવાનોનું પ્લેટફોર્મ જ સમજતા હતા. હવે OTT સાથે શહેર અને ગામોના દર્શકો પણ જોડાઇ રહ્યાં છે. ઘણા નિર્માતાઓને પારિવારિક શો બનાવવામાં જોખમ લાગતું હતું. પરંતુ ‘ગુલ્લક’ જેવા શોની લોકપ્રિયતાથી એમને ખ્યાલ આવી રહ્યો છે કે આપણે ત્યાં ફક્ત અપશબ્દો અને અશ્લીલતા ચાલતી નથી.
પારિવારિક વાર્તાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. નસીરુદ્દીન શાહ, રઘુવીર યાદવ, લારા દત્તા, સોહા અલી ખાન વગેરે જાણીતા કલાકારોએ ‘કૌન બનેગી શિખરવતી’ માં ઉત્સાહથી કામ કર્યું છે. તેના વિષયને કારણે સોહાએ છ વર્ષ પછી અભિનયમાં પુનરાગમન કર્યું છે. લોકપ્રિય રહેલી ‘પંચાયત’ માં પણ કામ કરનાર રઘુવીર યાદવનું સૂચન છે કે જ્યારે પારિવારિક વાર્તાઓને સારો પ્રતિસાદ મળી રહ્યો હોય ત્યારે નિર્માતાઓએ ભારતીય પરિવાર, સંસ્કૃતિ અને સભ્યતાની વાર્તાઓ આપવી જોઇએ. ‘પંચાયત’ માં કોઇ ખૂનખરાબો કે ગાળો ન હોવા છતાં ભારતમાં જ નહીં વિદેશોમાં પણ પસંદ કરવામાં આવી હતી. કોરોના કાળમાં TV પર ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી સીરિયલોને ફરી પસંદ કરવામાં આવી એ પરથી નિર્માતાઓને વધારે ખ્યાલ આવ્યો કે ભારતીય વેબ સિરીઝ પણ જરૂરી છે.