આજથી ચેન્નાઇમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ જો રૂટની 100મી ટેસ્ટ છે અને તેણે પોતાની 100મી ટેસ્ટને યાદગાર બનાવતા સદી ફટકારી હતી. આ સાથે જ તે 100મી ટેસ્ટમાં સદી ફટકારનારો ઇંગ્લેન્ડનો ત્રીજો અને વિશ્વનો 9મો બેટ્સમેન બન્યો હતો. ઇંગ્લેન્ડ વતી આ પહેલા કોલિન કાઉડ્રે અને એલેક સ્ટુઅર્ટ પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી ચુક્યા છે. આ ઉપરાંત વિશ્વ ક્રિકેટના અન્ય બેટ્સમેનોમાં પાકિસ્તાનનો જાવેદ મિયાંદાદ, ઇન્ઝમામ ઉલ હક, વેસ્ટઇન્ડિઝનો ગોર્ડન ગ્રીનીજ, ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટીંગ અને દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ તેમજ હાશિમ અમલા આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. ભારત વતી કોઇ બેટ્સમેન 100મી ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નથી. ભારત વતી 100મી ટેસ્ટમાં સર્વોચ્ચ 66 રનનો સ્કોર સુનિલ ગાવસ્કરે બનાવ્યો હતો.
જો રૂટ 98, 99 અને 100મી ટેસ્ટમાં સતત ત્રણ સદી ફટકારનારો પહેલો ક્રિકેટર બન્યો
ચેન્નાઇમાં આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો કેપ્ટન પહેલા દિવસની રમતના અંતે 128 રને રમતમાં છે, આ સાથે જ તેણે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારવા ઉપરાંત એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જો રૂટ પોતાની 98મી, 99મી અને 100મી ટેસ્ટમાં સતત ત્રણ સદી ફટકારનારો વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો છે. તેના પહેલા આ રીતે ત્રણ સદી અન્ય કોઇ ક્રિકેટર ફટકારી શક્યો નથી. કેરિયરની 20 સદી પુરી કરનારા જો રૂટની ભારત સામે આ પાંચમી અને ભારતીય ધરતી પર બીજી સદી હતી.