National

જોધપુર ત્રિપલ મર્ડર: મહિલાને કુલ્હાડીથી મોતને ઘાટ ઉતાર્યા બાદ માથાભારેએ બે બાળકીને ટાંકીમાં ડુબાવી

નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાંથી આજે 4 જુલાઇએ ત્રિપલ મર્ડરની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ મર્ડર કેસમાં (Murder case) માથાભારે ઇસમોએ બે મહિલાઓ ઉપર ઘાતક હુમલો કર્યો હતો. તેમજ એક મહિલા અને બે બાળકીઓને મોતને ઘાટને ઉતારી હતી. તેમજ બે મહિલા પૈકી એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જોધપુરના બનાર પોલીસ સ્ટેશન વિસ્તારના નંદરા ખુર્દમાં બે નિર્દોષ બાળકીઓ સહિત ત્રણ લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે, જે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસને માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચીને હત્યાનો ભેદ ઉકેલવાનું શરૂ કર્યું હતું.

જોધપુરમાં માથાભારે વ્યક્તિઓએ બે મહિલાઓ ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો, તેમજ બે માસૂમ બાળકીઓને પાણીમાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે અજાણ્યા માથાભારેઓએ 67 વર્ષીય મહિલા ભંવરી દેવી પર કુહાડી વડે હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. તે જ સમયે, 27 વર્ષીય મહિલા સંતોષ દેવી ઉપર પણ કુહાડી વડે હુમલો કર્યો હતો. જો કે સંતોષ દેવી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હાલમાં સંતોષ દેવીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સાથે જ બદમાશોએ પાંચ વર્ષની ભાવના અને સાડા ત્રણ વર્ષની લક્ષિતાને પાણીની ટાંકીમાં ડુબાડીને નિર્દયતાથી મારી નાખી હતી. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડી હતી. તે જ સમયે ત્રણ મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.

ઘરમાંથી બે લાખ રૂપિયા ગાયબ
પ્રાથમિક તપાસમાં મળેલ માહિતી મુજબ અજાણ્યા લોકોએ લૂંટ કરવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવી સંભાવના છે. કારણ કે પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ઘરમાં ઘરેણાં સલામત છે, જ્યારે 2 લાખ રૂપિયા ગાયબ છે. ત્યારે પોલીસ સમક્ષ પ્રશ્ન એ છે કે જો કોઈ લૂંટના ઈરાદે હત્યા કરાઇ હતી તો બે નિર્દોષ બાળકીઓને પાણીમાં શા માટે ડુબાડીને મારવામાં આવી? પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. ત્યારે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા. આ મામલાની ગંભીરતા જોતા જોધપુર પોલીસ કમિશનર રાજેન્દ્ર સિંહ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓને આ ઘટનાનું કારણ વહેલી તકે ઉજાગર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Most Popular

To Top