સુરત : કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકારને સાળા અને પત્નીએ (Wife) નોકરી (Job) ઉપર જવાનું કહેતા રત્નકલાકારે માઠું લાગી આવતા ઝેર પી મોત વ્હાલું કરી લીધું હતું. સ્મીમેર હોસ્પિટલ (Hospital) સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કાપોદ્રા રવિપાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના વતની ભૂપત નાનજી ચૂડાસમા (ઉ.વ.૪૦) હીરાના કારખાનમાં કામ કરે છે. દરમિયાન ભૂપત ચૂડાસમા ગુરુવારે મોડી રાત્રિએ પોતાના ઘરે અનાજમાં નાંખવાની ઝેરી ગોળીઓ ખાઇ લીધી હતી.
તેમને પત્ની ચેતના સ્મીમેર હોસ્પિટલ લઈ ગઇ હતી. જ્યાં ભૂપતનું ટુંકી સારવાર બાદ મોત થયું હતું. આ મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર ભૂપત ચુડાસમા છેલ્લા બે ત્રણ દિવસથી નોકરીએ જતા ન હતા. જેથી પત્ની અને સાળાએ ભુપતને નોકરીએ જવા માટે સમજાવ્યા પણ હતા. જોકે ગઈ કાલે મોડી રાત્રિએ દોઢ વાગ્યાના અરસામાં તેમને આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. ભુપત ચુડાસમાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે.
પાંડેસરામાં ત્રણ બાળકના પિતા મૃત્યુંજયનો માનસિક તાણમાં આપઘાત
સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતા 37 વર્ષિય યુવાને માનસિક તણાવમાં આવી ફાંસો ખાઇ લીધો હતો. પત્ની નોકરી ઉપર ગયા બાદ શુક્રવારે બપોરે યુવાને આ પગલું ભરી લીધું હતું. નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ બિહારના સીમરોહના વતની અને હાલ પાંડેસરા સીતાનગર ખાતે ભાડાની રૂમમાં રહેતા મૃત્યુંજય ભાગવત પાટીલ (ઉં.વ.37) જરીના કારખાનામાં કામ કરી ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની પણ ડાઇંગ મિલમાં કામ કરતી હતી. દરમિયાન શુક્રવારે સવારે મૃત્યુંજયની પત્ની નોકરી ઉપર ગઇ હતી. એ સમયે ઘરે એકલતાનો લાભ લઇ મૃત્યુંજય પાટીલે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. મૃત્યુંજયના સંબંધીઓએ જણાવ્યું હતું કે, તે થોડા સમયથી કોઇક કારણોસર માનસિક તણાવ અનુભવતો હતો. જેને પગલે આ પગલું ભરી લીધું હતું. તેના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ અંતિમક્રિયા માટે બિહાર લઇ જવાયો હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.