Charchapatra

જીવો જીવસ્ય જીવનમ્

આજકાલ માનવી માનવી પ્રત્યે એટલો નિષ્ઠુર થઈ ગયો છે કે, સવારમાં છાપું વાંચતાં જ નજર પડે છે કે, કુમળી વયની બાળા ‘રેપ’ નો ભોગ બની. એક મિત્રે બીજા મિત્રને ચપ્પુ માર્યું. સામાન્ય બોલચાલમાં ખૂન કરી નાખ્યું. માત્ર રૂપિયા પાંચ હજારની ઉઘરાણીમાં પરસ્પર માથાં ફોડયાં. દીકરાએ પિતાની મિલકત માટે મા ને મારી નાખી. દીકરાએ જમાઈનું ખૂન કર્યું. દીકરીઓ પિતાની મિલકત માટે કોર્ટે ચઢી. સુખી ઘરના દીકરા-વહુ માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યાં.

આવા બધા સમાચારો વાંચ્યા પછી મન વિચારે ચડી જાય છે. જાણે માનવતા મરી પરવારી ન હોય! પાળેલો કૂતરો પૂંછડી પટપટાવી માલિકને વહાલ કરે છે. ગાય કે ભેંસ દૂધ આપવા માલિકને પૂરેપૂરો સહકાર આપે છે. આ બધું વિચાર્યા પછી એમ લાગે છે કે આપણી આજુબાજુ રહેતા દરેક જીવોને આપણી લાગણી અને પ્રેમની આવશ્યકતા છે. ‘હાથી મેરે સાથી’ જેવા ઘણાં ચલચિત્રોએ પ્રાણીઓની વફાદારીના ઉદાહરણ પૂરાં પાડ્યાં છે. માનવીને તો આપણે બુદ્ધિજીવી પ્રાણી કહીએ છીએ તો શું તે આ બધું વિચારી નહીં શકતો હોય?

આપણે આપણા સ્વાર્થ, લોભ અને જીદ્દીપણામાં એટલાં નીચે આવી ગયા છીએ કે માનવી પ્રત્યે પણ પ્રેમ કે લાગણી બતાવી શકતાં નથી. એક ઉદાહરણ આપું  કે એક માલિકને કોઈ કારણસર ગુસ્સો આવ્યો તો તેણે પોતાના કૂતરા પર ગુસ્સામાં પથ્થર ફેંક્યો, જેથી કૂતરો ઘાયલ થયો અને તેનો પગ ભાંગી ગયો. કૂતરાને અસહ્ય વેદના થવા લાગી. તે લંગડાતો-ખોટકાતો માલિકનાં ચરણોમાં આવી બેસી ગયો અને તેના પગ ચાટવા લાગ્યો. આ જગ્યાએ મનુષ્ય હોત તો શું કરત? 

થોડી વાર માલિક તેને જોઈ રહ્યો. તે વેદનાથી દુઃખી થતો હતો. તેને જોઈ માલિકનું હૃદય રડી ઊઠ્યું. તેણે કરેલા કાર્યનો પસ્તાવો થવા લાગ્યો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કૂતરાને કહેવા લાગ્યો મારા પ્રિય દોસ્ત, મને માફ કરી દે. આ બીજું કોઈ નહીં પણ પ્રસિદ્ધ લેખક વોલ્ટર સ્કોટ હતો. તેવો જ  બીજો દાખલો ભગવાન બુદ્ધનો પણ છે, જે શિકારી હંસનો શિકાર કરે છે અને ગૌતમ બુદ્ધ તેને બચાવે છે. અંતમાં ન્યાયાધીશ કહે છે કે હંસ ગૌતમ બુદ્ધને મળશે. કારણ કે મારવાવાળા કરતાં બચાવનાર મોટો છે માટે માનવીએ સમજવાની જરૂર છે કે ‘જીવો જીવસ્ય જીવનમ્’. એક જીવ બીજા જીવનું જીવન છે. આ સમજાય તો સમાજના ઘણા ગુનાઓ ઓછા થાય.
– નીરુબેન બી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top