ઝારખંડ: ઝારખંડમાં (Jharkhand) મોડી રાત્રે હોસ્પિટલમાં (Hospital) આગ (Fire) લાગવાની ઘટના બની હતી. ધનબાદમાં મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં ભયંકર આગ લાગી હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો કર્યા હતા પરંતુ આ દુર્ઘટનામાં ડોક્ટર દંપતી (Doctor couple ) સહિત 6 લોકો હોમાયા હતા.
મળતી માહિતી અનુસાર ડોક્ટર તેમના પરિવાર સાથે હોસ્પિટલના પહેલા માળે રહેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પહેલા સ્ટોર રૂમમાં આગ લાગી હતી, ત્યારબાદ આગ ફેલાઈ ગઈ હતી. જ્યારે આગ લાગી ત્યારે પરિવાર ગાઢ નિંદ્રામાં હતો તેથી પરિવારને આગ લાગ્યાની જાણ થઈ ન હતી. જોતજોતામાં આગ પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને શોક વ્યક્ત કર્યો
ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને ધનબાદમાં આરસી હઝરા મેમોરિયલ હોસ્પિટલના સંકુલમાં લાગેલી આગમાં થયેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. સીએમ સોરેને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ધનબાદની હઝરા મેમોરિયલ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગને કારણે પ્રખ્યાત ડૉક્ટર દંપતી ડૉ. વિકાસ અને ડૉ. પ્રેમા હઝરા સહિત કુલ 6 લોકોના મોતના સમાચારથી હૃદય વ્યથિત છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુ:ખની ઘડી સહન કરવાની શક્તિ આપે.
ધનબાદના ધારાસભ્યએ તપાસની માંગ કરી છે
તે જ સમયે, સ્થાનિક ધારાસભ્યએ આગની ઘટનાની તપાસની માંગ કરી છે. ધનબાદના બીજેપી ધારાસભ્ય રાજ સિન્હાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું છે કે, “ધનબાદ માટે કાળી રાત હતી. ધનબાદની પ્રીમિયર હોસ્પિટલ, હાજરા મેમોરિયલ હોસ્પિટલમાં ભીષણ આગમાં ડૉ. પ્રેમા હઝરા, ડૉ. વિકાસ હઝરા સહિત 6 લોકોના મોત થયા છે.” આ ખૂબ જ દુઃખદ ઘટના છે.આ ઘટનાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. ઈશ્વર દરેકના આત્માને શાંતિ આપે.
નર્સિંગ હોમના માલિક હઝરા દંપતીનું અવસાન થયું
ધનબાદના એક ખાનગી નર્સિંગ હોમમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગી હતી. મૃતકોમાં નર્સિંગ હોમના માલિક ડૉ. વિકાસ હઝરા, તેમની પત્ની ડૉ. પ્રેમા હાઝરા, માલિકનો ભત્રીજો સોહન ખમારી અને ઘરકામ કરનાર તારા દેવીનો સમાવેશ થાય છે, અધિકારીના જણાવ્યા અનુસાર રાંચીથી લગભગ 170 કિલોમીટર દૂર ધનબાદના બેંક મોડ વિસ્તારમાં સ્થિત નર્સિંગ હોમના સ્ટોર રૂમમાં રાત્રે લગભગ 2 વાગ્યે આગ લાગી હતી.