National

ગુમ થયા ઝારખંડના સીએમ હેમંત સોરેન, EDનું સર્ચ ઓપરેશન શરૂ, એરપોર્ટ પર એલર્ટ

રાંચી: ઝારખંડના (Jharkhand) મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ગઇ કાલે સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સવારે 7 વાગ્યાથી દિલ્હીના શાંતિ નિકેતનમાં (Shanti Niketan) સોરેનના ઘર સહિત 3 સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જે મોડી રાત સુધી ચાલુ રહ્યું. EDની ટીમને અહીં સોરેન મળ્યો ન હતો. પરંતુ સર્ચઓપરેશન (Search Operation) બાદ પરત ફરતી વખતે ટીમ તેમની BMW કાર પોતાની સાથે લઈ ગઈ હતી. ED દ્વારા જપ્ત કરવામાં આવેલી કાર HR (હરિયાણા)ની છે.

EDની ટીમે હેમંત સોરેનને લઈને એરપોર્ટ પર એલર્ટ પણ જાહેર કરી દીધું છે. દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્યોને તેમની બેગ અને સામાન સાથે રાંચીમાં એક જગ્યાએ એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે. જેના માટે કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓ મુખ્યમંત્રી આવાસ પર પહોંચી રહ્યા છે.

દરમિયાન બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સીએમ હેમંત સોરેન પર નિશાન સાધ્યું છે. દુબેએ કહ્યું છે કે હેમંત સોરેને જેએમએમ અને કોંગ્રેસ તેમજ સહયોગી ધારાસભ્યોને સામાન અને તેમના બેગ સાથે રાંચી બોલાવ્યા છે. તેમજ દુબેના સ્ત્રોત તરફથી મળેલ માહિતી મુજબ કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ પણ આવ્યો છે. તેમજ મુખ્યમંત્રી સોરેને તેમના પક્ષના નેતાઓને માહિતી આપી હતી કે EDની પૂછપરછના ડરને કારણે તેઓ રોડ માર્ગે રાંચી પહોંચશે.

સોરેન બે દિવસ પહેલા દિલ્હી જવા રવાના થયા હતા
હેમંત સોરેન શનિવારે મોડી રાત્રે (27 જાન્યુઆરી) રાત્રે અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તેમણે ચાર્ટર ફ્લાઇટમાં ઉડાન ભરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેઓ કેટલીક રાજકીય બેઠકો કરવા દિલ્હી ગયા હતા. તેમજ ત્યાં તેઓ કાયદાકીય સલાહ પણ લેશે. અગાઉ EDએ તેમને 10મું સમન્સ મોકલ્યું હતું અને તેમને 29 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે હાજર થવા જણાવ્યું હતું. જો તે ઈડી સમક્ષ હાજર નહીં થાય તો એજન્સી તેના ઘરે જઈને પૂછપરછ કરશે.

EDએ હેમંત સોરેનના ઘરે પૂછપરછ કરી હતી
અગાઉ 20 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રીની પૂછપરછ કરવા માટે રાંચી પહોંચી હતી. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સોરેને કેન્દ્રીય એજન્સીને પત્ર લખ્યો હતો કે તે જમીન કૌભાંડ કેસમાં તેમનું નિવેદન તેમના સત્તાવાર નિવાસસ્થાન પર રેકોર્ડ કરી શકે છે. 20 જાન્યુઆરીએ EDએ 13 જાન્યુઆરીએ સોરેનને આઠમું સમન્સ જાહેર કર્યું હતું. જેમાં તેમને 16 થી 20 જાન્યુઆરી વચ્ચે હાજર રહેવા જણાવ્યું હતું.

Most Popular

To Top