સુરત: યુનિવર્સિટી રોડ ઉપર સી.આર. ઝણકાર ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું હતું, જેમાં બોલીવુડના પ્રખ્યાત સિંગર કીર્તિ સાગઠીયાને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પહેલા દિવસથી કીર્તિ સાગઠીયા અને તેમની ટીમ માટે સતત અવ્યવસ્થાને કારણે આજે તેમણે બેન્ડ વાઈન્ડ અપ કરી દીધું હતું. સંચાલકો દ્વારા તેમને પેમેન્ટ પણ નહીં ચુકવી છેતરપિંડી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
- યુનિ. રોડ પર કિર્તી સાગઠિયાની ટીમ રવાના થઈ જતાં ગરબા કાર્યક્રમ રદ, મોટો હોબાળો
- પ્લેબેક સિંગર સાગઠિયાની 35 આર્ટિસ્ટ્સની ટીમ માટે આયોજકોએ રહેવા-જમવાની યોગ્ય સુવિધા નહીં કરતાં પહેલા દિવસથી જ ડખો હતો
- કરાર મુજબ પેમેન્ટ પણ નહીં મળતાં રવિવારની સવારે જ સાગઠિયાએ બેન્ડ વાઈન્ડ અપ કરી દીધું
- આયોજકોએ કાર્યક્રમ રદ થયાની જાણ હોવા છતાં છેલ્લી ઘડી સુધી ટિકિટ વેચે રાખી, લોકોએ કાર્યક્રમ સ્થળે ધાંધલ મચાવી
યુનિવર્સિટી રોડ પર સી.આર. ઝણકાર ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી કાર્યક્રમમાં પ્રસિદ્ધ પ્લેબેક સિંગર કિર્તી સાગઠિયા અને તેમની 35 મેમ્બરોની ટીમે સુરતીઓને સંગીતના તાલે ડોલાવવાનું શરૂ કર્યું હતું અને નવરાત્રીની જમાવટ થવા લાગી હતી. જો કે ટીમને જમવા અને રહેવાના અભાવ વચ્ચે કામ કરવું પડ્યું. કિર્તી સાગઠિયા પોતાની ટીમમાં નવરાત્રી માટે સિંગિંગ ટીમ, ક્રૂ મેમ્બર, સાઉન્ડ એન્જિનિયર અને બેન્ડના સ્ટાફ સાથે સામેલ હતા. પરંતુ આયોજનના પહેલા જ દિવસથી કિર્તી સાગઠિયા અને તેમની ટીમને વારંવાર અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. તેમને માટે જમવાની યોગ્ય વ્યવસ્થા નહોતી અને રહેવાની વ્યવસ્થામાં પણ ગંભીર ખામી રહી હતી. કેટલાક મેમ્બરોને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ પણ થઈ હતી.
કિર્તી સાગઠિયાએ આયોજકોને સાંગોપાંગ વ્યવસ્થા માટે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ત્રણ દિવસ બાદ પણ 70 ટકાથી વધુ રકમ ચૂકવી નહોતી. આ ઘટનાએ કાર્યક્રમની અને ઓર્ગેનાઇઝર્સની જવાબદારી પર સવાલ ઊભા કર્યા છે.
કાર્યક્રમનું આયોજન રાજેશ જૈન અને યુ.એસ. મસ્તી ગ્રુપ દ્વારા કરાયું
આજે સવારથી, સતત અવ્યવસ્થા અને કોઈ જવાબ ન મળવાના કારણે કિર્તી સાગઠિયાની ટીમે બેન્ડ સિસ્ટમ બંધ કરી દીધી હતી. કાર્યક્રમનું આયોજન રાજેશ જૈન અને યુ.એસ. મસ્તી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આ ઓર્ગેનાઇઝર્સની બેદરકારીના કારણે, કિર્તી સાગઠિયા અને તેમની ટીમને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
કાર્યક્રમ રદ હોવા છતાં આયોજકોએ છેલ્લી ઘડી સુધી ટિકિટ વહેંચી લોકોને છેતર્યા
યુનિવર્સિટી રોડ પર સી.આર. ઝણકાર ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આજે મોટી ગરબડ સર્જાઈ હતી. પ્લેબેક સિંગર કીર્તિ સાગઠિયા અને તેમની ટીમે બેન્ડ સિસ્ટમ બંધ કરી, તેમ છતાં આયોજકો દ્વારા બુક માય શો પર સાંજે 7-8 વાગ્યા સુધી ટિકિટો વેચવામાં આવી રહી હતી, જેના કારણે ભીડ ઉમટી હતી. આ કારણે, કાર્યક્રમ એક મોટો ફિયાસ્કો બની ગયો હતો. ટિકિટ ખરીદનારોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો અને કાર્યક્રમના વ્યવસ્થાપકો સામે છેતરપિંડીની ફરિયાદો ઉઠી છે.
ત્રણ દિવસમાં એક પણ વખત આયોજક મળ્યા નથી
કીર્તિ સાગઠીયાની પત્ની રાખી સાગઠીયાએ નિવેદન આપ્યું હતું કે પહેલા દિવસથી સુરત શહેરમાં નવરાત્રીમાં પ્રોગ્રામ કરવાની ઈચ્છા હતી. પરંતુ આયોજકો દ્વારા અવ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવા છતાં તેઓ પૂરતો સહકાર આપી કાર્યક્રમ પૂરો કરવા માંગતા હતા. પરંતુ ત્રણ દિવસમાં એક પણ વખત આયોજકોએ આવીને તેમને વ્યવસ્થા બાબતે પૂછપરછ કરી નહોતી અને પેમેન્ટ માટે પણ કોઈ જાણ ન કરી ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.
ત્રણ દિવસ સુધી પરવાનગી વગર જ ગરબા ચાલ્યા અને પોલીસ ઉંઘતી રહી
સુરત: શહેરમાં અગાઉ વિવાદીત બનેલા રાકેશ જૈન દ્વારા રિબાઉન્સ પાસે નવરાત્રિ માટે ઝંકાર નામ અન્વયે મોટું આયોજન કરાયું હતું. તેમાં 3 દિવસ સુધી પોલીસ પરમીશન કે સ્ટ્રક્ચર પરમિશન વગર આ નવરાત્રિ ચાલુ રહી હતી ત્યારે નવરાત્રિ પહેલા મોટી મોટી ગાઇડ લાઇન બહાર પાડનાર સુરત પોલીસ આ મામલે ઊંઘતી ઝડપાઇ છે. સ્થાનિક પોલીસની મહેરબાનીથી 3 દિવસ સુધી આ ઝંકાર ગૃપના નવરાત્રિ કાર્યક્રમ ચાલુ રહ્યો હોવાની પણ ચર્ચા ચાલી લહી છે.
દરેક નિયમનું પાલન કરનાર આયોજકોને પોલીસે છેલ્લે સુધી પરવાનગી આપી ન હતી જ્યારે પોલીસની નાકની નીચે ચાલતા આ ગરબામાં બેદરકારી બહાર નહીં કરવામાં આવ્યો હતો. દરમિયાન ફાયર અને સ્થાનિક સ્ટ્રકચરલની મંજૂરી પણ લેવામા આવી નહીં હતી. એક તરફ રાજકોટમા સંખ્યાબંધ બાળકો આગમાં સ્થાનિક તંત્રની આવીજ ભૂલને કારણે ભૂંજાઇ ગયા હતા. ત્યારે ફરીથી સ્થાનિક શહેર પોલીસ આ મામલે શંકાસ્પદ વલણ અપનાવતા ગમે ત્યારે મોટી હોનારતની દહેશત સર્જાઇ રહી છે. આ મામલે કમિ. ગેહલોત તપાસ કરે તો સંભવત ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. કમિ. ગેહલોતે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી હતી.