ઝઘડિયા: દક્ષિણ ગુજરાતના (South Gujarat) અનેક રહેણાંક વિસ્તારોમાં અવાર-નવાર દીપડો (Leopard) દેખાવાના અને લોકો પર હુમલો કરવાના બનાવ બની રહ્યા છે. જેના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તલોદરામાં પણ છેલ્લા દસ દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરી હતી. વન વિભાગે (Forest Department) કામગીરી રૂપે તલોદરામાં પાંજરા મુકતાં આખરે દીપડો મંગળવારે રાતે પાંજરે પુરાયો હતો.
- ઝઘડિયા તાલુકાના વાલિયા રોડ પર આવેલા તલોદરા ગામે ફાર્મ હાઉસ પાસે દીપડો દેખાયો
- છેલ્લા દસ દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ઝઘડિયા પંથક હવે દીપડા માટે આશ્રયસ્થાન બની ગયું એવું લાગી રહ્યું છે. ખોરાક, પાણી અને રહેણાંક માટે વ્યવસ્થા લઈને દીપડાની સૂચક હાજરી હોય છે. ઝઘડિયા તાલુકાના વાલિયા રોડ પર આવેલા તલોદરા ગામે ફાર્મ હાઉસ પાસે છેલ્લા દસ દિવસથી દીપડો દેખાતો હતો. અવાર-નવાર દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ નિર્માણ થયો હતો.
ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોએ મળીને ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને લેખિતમાં દીપડો દેખાતાં તેને પકડવા માટે પાંજરું મુકવાની રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતના પગલે અઠવાડિયા પહેલા વન વિભાગ દ્વારા મારણ મૂકી તલોદરા ગામે ફાર્મ હાઉસ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેના પગલે મંગળવારે રાત્રે દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. ત્યાર બાદ દીપડાને ઝઘડિયા વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો અને પકડાયેલા દીપડાને વન વિભાગે સલામત સ્થળે છોડવામાં આવશે. તેવી જાણ કરી હતી. ઝડપાયેલો દીપડો આશરે સવા વર્ષની ઉંમરનો છે એમ કહેવામાં આવી રહ્યું છે.
સુરતના અમરોલીમાં દીપડો દેખાતાં સ્થાનિકોમાં દહેશત
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા મનીષા ગરનાળા પાસે થોડા દિવસ પહેલા જ દીપડો દેખાતા સ્થાનિકોમાં દહેશત અને ભય ફેલાયો હતો. લોકોએ દીપડાનો વીડિયો બનાવી ફોરેસ્ટ વિભાગને મોકલી આ બાબતની જાણ કરી હતી.
શહેરની અંદર દીપડાએ પ્રવેશ કરતા ફોરેસ્ટ વિભાગ પણ દોડતું થઈ ગયું હતું.
સ્થાનિકો દ્વારા દીપડાનો વીડિયો અને ફોટો ફોરેસ્ટ વિભાગને મોકલી આપતાં ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએ દીપડો દેખાયો તેની આસપાસ તપાસ કરવામાં આવી હતી. ત્યારે દીપડો એકવાર દેખાયા બાદ ફરી જોવા મળ્યો નહોતો. જેને લઈ નજીકમાં રહેલા શેરડીના ખેતરમાં દીપડો જતો રહ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ શેરડીના ખેતરમાંથી જ દીપડો શહેરી વિસ્તારમાં આવ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.