ઝઘડિયા: ભરૂચમાંથી (Bharuch) પસાર થતી નર્મદા (Narmada) નદીના (River) રેતાળ અને માટીવાળા કિનારા મગરો (Crocodile) માટે અનુકૂળ આશ્રયસ્થાન બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં ઝડપભેર વધારો થઇ રહ્યો છે. ત્યારે ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગામની વહેતી ખાડીમાં એકાદ અઠવાડિયાથી મગર દેખાતાં સ્થાનિક લોકોમાં ભયનું માહોલ વાતાવરણ જોવા મળ્યું હતું. સ્થાનિકોએ મગર હોવાની જાણ વન વિભાગે કરી હતી. જેમાં વન વિભાગની રેસ્ક્યુ ટીમે શુક્રવારે મગરને ઝડપી લેતાં સ્થાનીકોમાં ભારે હાશકારો થયો છે.
- ઝઘડિયાથી ભરૂચના ગોલ્ડનબ્રિજ સુધી નદીમાં 35 કિ.મી.ના પટ્ટામાં મગરોની સંખ્યા વધી
- ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગામેથી પસાર થતી નાનકડી ખાડીમાં મગર નજરે પડ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગામેથી પસાર થતી નાનકડી ખાડી આગળ જઈને નર્મદા નદીમાં ભળે છે. ગત એકાદ અઠવાડિયાથી ખાડીમાં મગર દેખાયો હોવાથી સ્થાનિકોમાં ભારે ઉચાટ વ્યાપી ગયો હતો. જેને લઈને પાણીની આસપાસ ગ્રામજનો અને મૂંગા પશુઓ પણ જતાં હોવાથી સ્થાનિકોએ વન વિભાગને મગર દેખાતા હોવાની જાણ કરી હતી. જેને લઈને વન વિભાગ દ્વારા તાત્કાલિક પ્રાંકડ ખાડી કિનારે પાંજરૂ મુકવામાં આવ્યું હતું.
ત્યારે શુક્રવારે મહાકાય મગરને પકડવામાં આવ્યો હતો. આશરે સાત ફૂટ લાંબા મગરને વન વિભાગ ટીમ ઝઘડિયા દ્વારા સલામત રીતે લઇ જવામાં આવ્યું હતું. મગરને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે તેવી માહિતી વન વિભાગ ટીમ દ્વારા આપવામાં આવી હતી.
ઝઘડિયાના રાજપારડીથી ગોલ્ડનબ્રિજ સુધીના 35 કિ.મી.ના વિસ્તારમાં મગરોની હાજરી
વર્તમાન સમયમાં ઝઘડિયાના રાજપારડીથી ગોલ્ડનબ્રિજ સુધીના 35 કિ.મી.ના વિસ્તારમાં મગરોની હાજરી જોવા મળી છે, ત્યારે પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થાના નેચર વોક સંસ્થા દ્વારા ચોમાસાની ઋતુમાં મગરની પ્રતિક્રિયા જાણવા માટે અમિત રાણા, અંકલેશ્વરના ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર તેમજ પ્રકૃત્તિપ્રેમી નીતિક સોલંકી અને જીવદયાના જયેશ કનોજિયાના માર્ગદર્શન હેઠળ શુકલતીર્થ અને મંગલેશ્વર ગામના નર્મદા તટ વિસ્તારના માર્શ મગરો એટલે કે મીઠાં પાણી (ફ્રેશ વોટર)ના મગરો પર સંશોધન કરવાની શરૂઆત કરી હતી.
જેમાં સામે આવ્યું હતું કે, મગર ઠંડા લોહીવાળા હોય છે, તેમના શરીરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે, તેથી તેઓ નિયમિત તાપમાનના પાણીની શોધ કરે છે. આ મગરો શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં માઈગ્રેશન કરતા હોવાનું નજરે પડ્યું છે.
સંસ્થાના અમીત રાણાએ જણાવ્યું હતું કે, નર્મદા નદી પરના માછીમારો દ્વારા માછીમારી દરમિયાન ઉપયોગમાં લેવાતી જાળમાં માછલીઓમાંથી નીકળતો પ્રકાશ મગરને ખોરાક માટે આકર્ષે છે. જેથી મગર દ્વારા માનવીઓ પર હુમલાઓનું પ્રમાણ વધતા સંઘર્ષ વધે છે.
ચોમાસાની ઋતુએ મગર માટે અનુકુળ ઋતુ છે. આ વિસ્તારમાં મગરો વધુ હોવાથી અજાણ્યા વ્યકિતઓ તેમજ આવી અજાણી જગ્યાએ આવતા પહેલા કોઈ પ્રાણીનિષ્ણાંત સાથે આવવું જોઈએ તેમજ અહીં સાવચેતી રાખવી ઘણી જરૂરી છે.