ઝઘડિયા: ઝઘડિયાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર બે ઇસમનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયાના મોટા સાંજા ગામના ૩૬ વર્ષિય ટીનીયા ઠાકોર વસાવા તેમજ ડેડિયાપાડાના સામરપાડા ગામના ૫૪ વર્ષિય બાબુ દુર્લભ વસાવા તા.૨૭મી ને ગુરુવારે સવારે બાઈક નં.(GJ16-CA-5860) લઈ તરિયા ધંતુરિયા ગામે મજૂરીકામ કરવા જવા માટે નીકળ્યા હતા. બંને સવારના છ વાગ્યાના અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થતા હતા. એ સમયે એક લક્ઝરી બસ સાથે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટીનીયા અને બાબુનાં મોત થયાં હતાં. અકસ્માત અંગે જયંતી ઠાકોર વસાવાએ લક્ઝરી નં.(GJ16-AV-7302) છોડી નાસી ગયેલા ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરમાં બાળક પર ડમ્પર ચઢાવી દેનારા ચાલકને સજા
અંકલેશ્વર: ૨૧ જાન્યુઆરી-૨૦૨૧ના રોજ અંકલેશ્વરના સારંગપુરના વણઝારાવાસમાં રહેતા દીપકકુમાર સિંગનો ૮ વર્ષીય પુત્ર આલોક રોડ પર ચાલતો પસાર થઇ રહ્યો હતો. ત્યારે ડમ્પરચાલક ઈશ્વર વણઝારાએ આલોકને અડફેટે લેતાં ગંભીર ઈજાથી આલોકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસ અંકલેશ્વરની અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. આ બનાવમાં સરકારી વકીલે ચાર્જશીટના આધારે ૧૨ જેટલા લેખિત અને મૌખિક પુરાવા રજૂ કરી ચકાસ્યા હતા. પુરાવાને ગાહ્ય રાખી કોર્ટે ચાલકને દોઢ વર્ષની સજા અને ૧૬૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.