સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આઇએફએસસી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ સીઇઓ અશોક ગૌતમ સાથે યોજાયેલા ઇન્ટરેક્શન સેશનને સંબોધતા ગૌતમે જણાવ્યું હતું કે, સોનાના ઇન્ટરનેશનલ ભાવ હવે ગાંધીનગરથી નક્કી થાય છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રીના ઇન્ટરનેશનલ પ્લેયર્સ અહીં ગોલ્ડ મુકે છે. માર્ચ– ર૦ર૩ થી સિલ્વર પણ ફિઝીકલ થઇ જશે. હાલ અહીં ૩પ૦ ટન ગોલ્ડ અને ૩પ૦૦ ટન સિલ્વરની કેપેસિટી છે. અત્યારે ૯૦ ટકા બુલિયનનું કામ કરનારા વાર્ષિક રૂપિયા રપ કરોડના ટર્નઓવરવાળા ૮૦ ક્વોલિફાઇડ જ્વેલર્સ છે, જેઓને ગોલ્ડ ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરવાની મંજૂરી મળી છે. જેમાં સુરતનાં માત્ર બે જ્વેલર્સનો સમાવેશ થાય છે. જો કે, સુરતથી ર૦ થી ૪૦ જ્વેલર્સ કવોલિફાઇડ થવા જોઇએ. હાલ કવોલિફાઇડ જ્વેલર્સ માટેની મર્યાદા રૂપિયા રપ કરોડ વાર્ષિક ટર્નઓવરની છે. જો રૂપિયા ૧પ થી ર૦ કરોડ સુધીની મર્યાદા થશે તો કવોલિફાઇડ જ્વેલર્સની સંખ્યા વધી જશે. હાલમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આઇએફએસસી લિમિટેડમાં T+0 કોન્ટ્રાક્ટ થાય છે. હજી સુધી વિશ્વના કોઇ પણ એક્સચેન્જે એક દિવસમાં ગોલ્ડ ફિઝીકલ ડિલીવર કર્યુ નથી, પરંતુ આ બુલિયન એક્સચેન્જ વિશ્વનું પ્રથમ એવું એક્ચેન્જ બન્યું છે કે જ્યાં એક જ દિવસમાં ગોલ્ડ ફિઝીકલ ડિલીવર થયું હતું.
અશોક ગૌતમે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં ન્યૂયોર્ક, શિકાગો, લંડન, દુબઇ અને સાંધાઇમાં સ્પોટ બુલિયન એક્સચેન્જ છે. ત્યારબાદ નવું અને દુનિયાનું છઠ્ઠું સ્પોટ એક્સચેન્જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં કાર્યરત થયું છે. સોનાના ભાવની વિવિધતા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની શુભ શરૂઆતથી થઇ છે અને તેનો સીધો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. અહીં T+30 એક્સચેન્જ માટેની ટેસ્ટીંગ થઇ ગઇ છે. જ્યારે T+30 થઇ જશે ત્યારે દર અડધા કલાકે ગોલ્ડ ટ્રેડ થશે. અત્યારે ચાર કલાકમાં બીડીઆર ખાતામાં ક્રેડીટ થઇ જાય છે. અહીંથી ગોલ્ડ મેટલ લોનના કોન્સેપ્ટ પેપર માટેની તૈયારી ચાલી રહી છે. આઇસગેટ માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહીંથી વિશેષમાં જ્વેલર્સને ટ્રાન્સપરન્સી, ડેમોક્રેસી ઓફ પ્રાઇસ અને ઇઝ ઓફ ટ્રાન્ઝેક્શન ઓન યોર ડેસ્કટોપની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાઇટ પર બાય – સેલ વધારે આવશે એટલે ભાવ પ્રભાવિત થઇ શકશે. કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ રમેશ વઘાસિયા, ગૃપ ચેરમેન પરેશ લાઠીયા, માનદ્ મંત્રી ભાવેશ ટેલર, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (સુરત)ના ચેરમેન નિલેશ લાગરીયા ઉપસ્થિત રહ્યાં હતાં.
90% બુલિયન અને 25 કરોડના ટર્ન ઓવરની શરતો બદલાય તો ક્વોલિફાઈ જ્વેલર્સની સંખ્યા વધે
ચેમ્બરની બુલિયન કમિટીના ચેરમેન તેમજ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (ગુજરાત)ના ચેરમેન નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે સુરતમાં માત્ર બે જ્વેલર્સ ગોલ્ડ ઇમ્પોર્ટ કરવાની મંજૂરી ધરાવે છે. એનું કારણ 90% બુલિયનમાં કામ કરવાની અને 25 કરોડના વાર્ષિક ટર્ન ઓવરની શરત રાખવામાં આવી છે. એને બદલે જ્વેલરીના 5 કરોડનું ટર્ન ઓવરની શરત રાખવામાં આવે તો સુરતથી ક્વોલિફાઈ જ્વેલર્સની સંખ્યા 50 ઉપર જઈ શકે અમે આ મુદ્દે રજૂઆત કરી છે.