સુરત: તેર વર્ષ પહેલાં જ્વેલર્સમાંથી (Jewellers) કરોડો રૂપિયાનું સોનું (Gold) ખરીદીને હાલમાં મહારાષ્ટ્રમાં (Maharastra) બિલ્ડર બની ગયેલા આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. વર્ષ-૨૦૦૯માં અડાજણમાં સોના-ચાંદીના દાગીના રિફાઇનરીનું કારખાનું ચલાવી જ્વેલર્સની દુકાનોમાંથી લાખો રૂપિયાનું સોનું લઈ ઉઠમણું કરી છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનાઓમાં ૧૩ વર્ષથી વોન્ટેડ હતો.
આરોપીને મહારાષ્ટ્ર સાંગલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સાંગલી ખાતેથી આરોપી શાંતારામ નામદેવ પાટીલને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ સફળ રહી હતી. આરોપી સામે 3 જેટલા ગંભીર ગુના લાખોની સોનાની ચોરીના દાખલ થયા હતા.
આરોપી નીચે મુજબના ગુનાઓમાં વોન્ટેડ છે
(૧) અડાજણ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.૨.નં-૭૯/૨૦૦૯ ઈ.પી.કો.ક.૪૦૬,૪૦૯,૪૨૦,૪૨૧,૧૨૦(બી),૧૧૪ મુજબ (૨) રાંદેર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.૨.નં-૮૪/૨૦૦૯ ઈ.પી.કો.ક.૪૦૬,૪૨૦,૧૨૦(બી),૧૧૪,૪૧૧ મુજબ. (૩) ઉમરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.૨ન-૧૨૮/ ૨૦૦૯ ઈ.પી.કો.ક.૪૦૬,૪૨૦,૧૨૦(બી),૧૧૪ મુજબ આ ગુનાના કામે હકીકત એવી રીતની છે કે, સને-૨૦૦૨થી સુરત શહેરમાં અડાજણના આનંદમહલ રોડ મકાન નં-એ/૧ ખોડિયારનગર સોસાયટીમાં પોતાના ઘરની નીચે શ્રીગણેશ રિફાઈનરીના નામથી સોના-ચાંદી ગાળવાનું અને ચોખ્ખું કરવાનું કારખાનું ચલાવતો હતો. દરમિયાન તેણે સને-૨૦૦૯ની સાલમાં આરોપી અને તેના પુત્ર સંતોષ, અવિનાશ અને ઉમેશની મદદથી કાવતરું રચી
(૧) અડાજણ વૈષ્ણવી જ્વેલર્સની દુકાન ચલાવતા રાજેશ સત્યનારાયણ શર્મા તથા રમેશભાઈ ધનજીભાઈ પટેલ, રાજુ પ્રમોદભાઈ જાની અને જયેશ લક્ષ્મણભાઈ પટેલ નામના જ્વેલર્સના માલિકો પાસેથી રૂ.૨૦ લાખ જેટલી કિંમતનું સોનું તથા
(૨) ઉમરા ઘોડદોડ રોડ ઉપર આવેલા પોદ્દાર પ્લાઝામાં ‘પાટીદાર જ્વેલર્સ’ અને અડાજણ શ્રીજી આર્કેડ ખાતે ‘સુહાસી જ્વેલર્સ’માંથી આશરે રૂ.૩૦ લાખનું સોનું તથા
(૩) અડાજણ જોગાણીનગર ખાતે જે.બી.જ્વેલર્સની દુકાન ચલાવતા પુષ્યેન્દ્રસિંહ જંગબહાદુરસિંહ રાજપૂત પાસેથી ૧૦ લાખનું સોનું તથા ફોર વ્હીલર ગાડી અને રોકડા રૂ.૫ લાખ લઈ રૂપિયા અને સોનાનું પેમેન્ટ બે મહિનામાં કરી દેવાનો વિશ્વાસ આપી બે મહિનાના ગાળામાં પોતાની માલિકીની દુકાન વેચી પરિવાર સાથે નાસી જઈ ગુનો આચર્યો હતો.