વડોદરા: ખોડિયારનગર પાસે જવેલર્સની દુકાનમાં માલિકની આંખમાં મરચાનો પાવડર નાખીને ત્રણ સેકન્ડમાં ત્રણ સોનાની ચેન લૂંટીને બાઈક પર લૂંટારૂઓ નાસી છૂટતા સનસનાટી મચી ગઈ હતી. દોઢ લાખની સોનાના અછોડાની લૂંટનો ગુનો બાપોદ પોલીસ મથકે નોંધાયો હતો. સંચારબંધી, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પાછળ જદોડધામ મચાવતી શહેર પોલીસને બે લૂંટારૂઓએ ભરબપોરે ચીરહરણ કરીને દોડતી કરી દીધી હતી. ખોડિયારનગર પાંજરાપોળ રોડ પર આવેલ શ્રીજીપ્લાઝા કોમ્પલેકસમાં આવેલ વલ્લભ જવેલર્સમાં ભરબપોરે બાર વાગે લૂંટનો બનાવ બન્યો હતો.
દુકાનના માલિક રોનક મહેશભાઈ સોની તથા તેમનો ભાઈ ગ્રાહકને સોનાની ચેન ટ્રેમાં મૂકીને બતાવતા હતા. ફોઈફુવાની એનિવર્સરી માટે ગ્રાહક ચેન પસંદ કરતો હતો.આંખના પલકારામાં દરવાજો ખોલીને એક માસ્ક તથા ટોપી ધારી ઈસમ ધસી આવ્યો હતો. કોઈ કંઈપણ સમજે તે પૂર્વે ઈસમે મરચાનો પાવડર ઉડાવીને ટ્રેમાં ત્રણ ચેન લૂંટીને બહાર બાઈક પર બેસતા જ સાગરીતે પૂરઝડપે બાઈક ભગાવી મૂકતા લૂંટારૂઓ ફરાર થઈ જવામાં સફળ રહયા હતા. દોઢ લાખની અછોડા લૂંટ અંગે સ્થાનિક દુકાનદાર અને રહિશોને જાણ થતાં ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડયા હતા.
ધોળા દિવસે લૂંટની જાણ પોલીસ તંત્રને થતાં જ ઉચ્ચ અિધકારીઓ સહિતનો કાફલો બનાવના સ્થળે ધસી ગયો હતોઅને પ્રાથમિક તપાસ આદરી હતી. પરંતુ લૂંટારૂઓના કોઈ સગડ સાંપડયા નહીં. પોલીસે દુકાનના તથા આસપાસના સીસી ટીવીના ફુટેજ એકત્ર કર્યા હતા. ચેન લૂંટી લેનાર લૂંટારૂએ ચહેરા પર માસ્ક અને ટોપે પહેરેલી હોવાથી ચહેરો સ્પષ્ટ દેખાયો ન હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. જયારે તેનો સાગરીત પલ્સર બાઈક લઈને બહાર ઉભો હતો તેથી તેની પણ ચોક્કસ જાણકારી મળી ન હતી.જવેલર્સએ બાપોદ પોલીસ મથકે બંને લૂંટારૂ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીઓના શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.