Gujarat

જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ (આહીર)એ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામું આપવા પાછળનું કારણ અન્ય હોદ્દાના કામની વ્યસ્તતા હોવાનું જણાવવામાં આવ્યું છે. આજે જયારે જેઠા ભારવા઼ડે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામુ આપ્યુ તે વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહયા હતા. જેઠા ભરવાડ પંચમહાલના શહેરાના ધારાસભ્ય છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. હવે ભાજપના ધારાસભ્યોમાંથી નવા નેતાને ઉપાધ્યક્ષ પદ સોંપવામાં આવશે.

વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યા બાદ જેઠા ભરવાડે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું તે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અન્યને તક મળે એટલે આ નિર્ણય લીધો છે. મારા રાજીનામા વિશે કોઈ વિખવાદ નથી. અત્રે જણાવવાનું કે તેઓ પંચામૃત ડેરીના ચેરમેન પણ છે.

રાજય સરકારના કેબીનેટ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે કામની વ્યસ્તતા અને વિવિધ જવાબદારીઓના કારણે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર કર્યો હતો.

વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, જેઠા આહીર અમારા સંનિષ્ઠ સહકારી આગેવાન છે અને તેઓ પંચમહાલ ડેરી, નાફેડ સહિત અન્ય સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેથી કામના ભારણ અને વ્યસ્તતાના લીધે અગાઉ ઘણી વખત પક્ષમાં રજૂઆત કરી હતી. આથી પક્ષ દ્વારા તેમની રજૂઆતને ગ્રાહ્ય રાખીને રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. જેઠાભાઈએ આજે રાજીખુશીથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સ્વેચ્છાએ આ રાજીનામુ આપ્યું છે. તેઓ સહકારી આગેવાન સાથે હાલ ધારાસભ્ય પણ છે એટલે એ જવાબદારી સુપેરે નિભાવશે. આ ઉપરાંત જેઠાભાઈનું માર્ગદર્શન પક્ષમાં, જાહેર જીવનમાં અને સહકારી ક્ષેત્રે આગેવાન તરીકે જ્યારે જરૂર પડે ત્યારે સદૈવ મળતું રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top