ત્રણેક સદી અગાઉ ચોર્યાસી બંદરના વાવટા ફરકાવતું સુરત આજે વિશ્વકક્ષાની ગતિ પામવા ઝંખી રહ્યું છે. ભારતમાં ‘‘વંદે ભારત’’ જેવી ઝડપી ટ્રેન દોડાવીને આપણે હરખાઈ રહ્યાં છીએ અને મેટ્રો ટ્રેન યોજનાથી મહાનગર વર્ષોથી પીડાઈ રહ્યું છે. અને મેટ્રો ટ્રેન સાકાર થવાની સમયસીમા નક્કી કરી શકતા નથી, તે સંજોગોમાં બુલેટ ટ્રેનની યોજના બની રહી છે, તેની સામે ચીન અને જાપાન જેવા દેશો નવી ‘‘મેગ્લેવ ટેકનોલોજી’’ પ્રાપ્ત કરી શકયા છે. આ મેગ્નેટીક લેવીગેશન ટેકનોલોજીથી કલાકના છસો કિલો મીટરની શક્યતા છે. આ દેશોએ દુનિયામાં કોઈ પણ બે સ્થળો વચ્ચે માત્ર એક કલાકની મુસાફરી કરીને પહોંચી શકાય એ પ્રકારના વિમાનનો ટેસ્ટ લઈ લીધો છે. તેની સામે આપણે ત્યાં હજી વિમાન અકસ્માતો નોંધાતા જાય છે.
વ્યાપાર ધંધા વિસ્તારવા તેમજ સાંસ્કૃતિક આદાનપ્રદાન કરવા ઝડપી નેટવર્ક જરૂરી છે, જેનાથી બેકારી પણ મોટે ભાગે ટળી શકે. સુરતમાં તો એરપોર્ટનો રન-વે પણ અસાલમત અને જરૂરી પ્રમાણમાં ટૂંકો છે. ધન કેન્દ્રી સ્વાર્થી, ભ્રષ્ટાચારી લોકોના પાપે જોખમો વધતાં જાય છે. ગટરલાઈન અને અગ્નિ શક્યતાવાળી પાઈપ લાઈનો દૂર થતી નથી. ઝડપી અને સલામત ટ્રાન્સપોર્ટ સેવા અવરોધાય છે. પરિવહન ક્ષેત્રે પછાત રહેવાનું આવે છે.
ઝાંપાબજાર, સુરત- યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.